Editorial

પ્રમુખપદેથી વિદાય લેતા પહેલા ટ્રમ્પે ડહોળેલું વાતાવરણ અમેરિકાને લાંબા સમય સુધી હેરાન કરશે

અમેરિકામાં ૪૬મા પ્રમુખની શપથવિધિ ટાણે જે સ્થિતિ સર્જાઇ તે અભૂતપૂર્વ પ્રકારની છે. આ પહેલા ભાગ્યે જ કોઇ પ્રમુખની શપથવિધિ વખતે આટલો તનાવ રહ્યો હશે. આનું કારણ વિદાય લઇ રહેલા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે અને તેમના અતિ રાષ્ટ્રવાદી અને શ્વેત શ્રેષ્ઠતાવાદી સમર્થકોએ ડહોળેલું વાતાવરણ છે.

સંસદમાં મત ગણતરીની બંધારણીય વિધિ વખતે ટ્રમ્પ સમર્થકોએ જે ધમાલ મચાવી તે પણ અમેરિકાના ઇતિહાસમાં અભૂતપૂર્વ હતી અને હવે શપથવિધિ પહેલા પણ ભારે તનાવ સર્જાઇ ગયો છે. અમેરિકાના પ્રમુખપદે જો બિડેનની અને ઉપપ્રમુખપદે કમલા હેરિસની શપથવિધિ ભારતીય સમય પ્રમાણે બુધવારે મોડી રાત્રે થાય તે પહેલા રાજધાની વૉશિંગ્ટન એક લશ્કરી છાવણીના શહેરમાં ફેરવાઇ ગયેલું જણાય છે.

થોડા દિવસ પહેલા ટ્રમ્પના ટેકેદારો દ્વારા સંસદના વિસ્તારમાં કરવામાં આવેલા હિંસક તોફાનો પછી આ શપથવિધિ પર ખતરાઓ અને વધુ સશસ્ત્ર હિંસાના ભયના મળી રહેલા અહેવાલો વચ્ચે અમેરિકાના ૪૬મા પ્રમુખની શપથવિધિ સુરક્ષાના સખત પગલાઓ વચ્ચે યોજવાની તૈયારીઓ ચાલી રહી હતી.

કેપિટોલ હિલની અંદર અને આજુબાજુના વિશાળ વિસ્તારમાં અને વ્હાઇટ હાઉસમાં સામાન્ય જનતા પ્રવેશી શકે નહીં તે માટે આઠ ફૂટ ઉંચી લોખંડની આડશો ઉભી કરવામાં આવી છે. હજારો સ્થાનિક પોલીસ કર્મચારીઓ તથા અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ ઉપરાંત ૨૫૦૦૦ કરતા વધુ નેશનલ ગાર્ડ્સને તૈનાત કરવામાં આવી રહ્યા છે.

યુએસ માર્શલ્સ દ્વારા ૪૦૦૦ અધિકારીઓને વોશિંગ્ટન ડી.સી. તથા નેશનલ મોલના મહત્વના ભાગોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. જે નેશનલ મોલ શપથવિધિ વખતે સામાન્ય રીતે હજારો લોકોથી ઉભરાઇ જતું હોય છે તેને આ વખતે બંધ કરી દેવામાં આવ્યું છે.

આમ પણ કોવિડ-૧૯ની ચિંતાઓને કારણે શપથવિધિનો કાર્યક્રમ એકંદરે મર્યાદિત રાખવાનું અને બેઠકો ઓછી રાખવાનું આયોજન હતું ત્યાં આ સુરક્ષાની ચિંતાઓ આવી પડી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં તો સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી જ છે પણ દેશના તમામ પ૦ રાજ્યોના પાટનગરોની સુરક્ષા વ્યવસ્થાને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે જેથી સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થઇ શકે.

દરમ્યાન વોશિંગ્ટનમાંથી ચકાસણી દરમ્યાન કેટલાક શકમંદો તો પકડાયા પણ છે. અને વધુ આઘાત જનક બાબત તો એ છે કે અમેરિકાના સુરક્ષા અધિકારીઓને ભય છે કે શપથવિધિ ટાણે ટ્રમ્પ તરફ સહાનુભૂતિ ધરાવતા સુરક્ષા કર્મચારીઓમાંથી પણ કોઇ હુમલો કરી શકે છે.

અમેરિકાના સંરક્ષણ અધિકારીઓ જણાવે છે કે પ્રમુખપદે બિડેનની શપથવિધિ વખતે સુરક્ષા ફરજ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓમાંથી પણ કોઇ હુમલો કરી શકે છે અને આવા ભય વચ્ચે આ કાર્યક્રમ માટે તૈનાત કરવામાં આવી રહેલા તમામ ૨પ૦૦૦ નેશનલ ગાર્ડના કર્મચારીઓના ભૂતકાળ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પહેલા અલ-કાયદા જેવા સંગઠનો દ્વારા તૈયાર કરવામાં આવેલ aત્રાસવાદીઓ દ્વારા હુમલો થવાનો ભય રહેતો હતો પરંતુ આ અતિ-રાષ્ટ્રવાદીઓ તરફથી હુમલાના ભયે અભૂતપૂર્વ ચિંતાની સ્થિતિ સર્જી છે અને અમેરિકાના વિવિધ સુરક્ષા તંત્રો અત્યંત સાવધાનીથી વર્તી રહ્યા છે.

વાતાવરણમાં કેટલી હદે ભય છે તે એના પરથી સમજી શકાય છે કે એક આગના છમકલાને કારણે પણ સોમવારે કેપિટોલ હિલ વિસ્તારમાં થોડા સમય માટે લૉકડાઉન લાદી દેવામાં આવ્યું. જ્યાં અમેરિકી સંસદ અને તેની ઇમારતો આવેલી છે તે કેપિટોલ હિલ વિસ્તારને સોમવારે એક ‘બાહ્ય સુરક્ષા ખતરા’ને કારણે થોડા સમય માટે લૉકડાઉન હેઠળ મૂકવામાં આવ્યો હતો.

ત્યાંથી થોડાક અંતરે એક આગ સળગેલી દેખાયા બાદ આ પગલું ભરાયું હતું. લૉકડાઉન દરમ્યાન કેપિટોલ હિલ પોલીસ તરફથી સૂચનાઓ જારી કરવામાં આવી હતી કે કોઇને આ વિસ્તારમાં પ્રવેશવા નહીં દેવાય કે બહાર જવા નહીં દેવાય, ઇમારતોની બાહ્ય બારીઓ, દરવાજાઓથી દૂર રહો. જો બહાર હોય તો સુરક્ષા રક્ષણ માગો. કેટલાક સમય પછી આ લૉકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પના અતિરાષ્ટ્રવાદ અને છૂપા શ્વેત શ્રેષ્ઠતાવાદ અને તેમની આ વિચારધારાને ટેકો આપતા સમર્થકોના ઉભા થયેલા એક મોટા વર્ગે છેલ્લા કેટલાક સમયમાં તો અમેરિકાનો માહોલ ઘણો ડહોળી નાખ્યો છે. ખરેખર તો અમેરિકા વસાહતીઓનો દેશ છે પણ ટ્રમ્પવાદીઓ તેને ફક્ત ગોરા અમેરિકનોનો દેશ સાબિત કરવા માગે છે.

એશિયનો, આફ્રીકનો, લેટિન અમેરિકનો વગેરે તમામને તેઓ નફરત કરે છે. લાગે છે કે ટ્રમ્પ અને તેમના સમર્થકોએ અમેરિકાનું વાતાવરણ જે હદે બગાડ્યું છે તે લાંબા સમય સુધી વસાહતીઓના આ દેશ માટે મુશ્કેલીની બાબત બની રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top