Vadodara

પોરના સરાર ગામમાં ગેસ સિલિન્ડરનો પ્રચંડ બ્લાસ્ટ: પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા, સમગ્ર ઘરવખરી બળીને ખાક

સવારે મંદિરમાં દીવો કરવા ગેસ સળગાવતા જ સર્જાઈ દુર્ઘટના; જોરદાર ધડાકા સાથે ફાટેલા એચપી ગેસના બોટલે પટેલ પરિવારની જીવનભરની કમાણી રાખમાં ફેરવી દીધી

વડોદરા: વડોદરા જિલ્લાના પોર પાસે આવેલા સરાર ગામમાં આજે સવારના સમયે ગેસ સિલિન્ડર ફાટવાની એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગામના પટેલ ફળિયામાં આવેલા એક મકાનમાં રાંધણ ગેસનો બોટલ અચાનક બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં પિતા અને પુત્ર બંને દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, સરાર ગામના પટેલ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ પટેલના ઘરે સવારના સમયે આ દુર્ઘટના બની હતી. સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા અને ઈશ્વરભાઈ મંદિરમાં દીવો કરવા માટે ગેસ સળગાવવા ગયા, ત્યારે અચાનક જ એચપી કંપનીનો ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જોતજોતામાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ઈશ્વરભાઈ અને તેમનો પુત્ર બંને દાઝી ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ આગની તીવ્રતા એટલી વધુ હતી કે ઘરમાં રાખેલું અનાજ, ફર્નિચર, કપડાં અને અન્ય કિંમતી ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

ઘટનાને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં સ્થાનિક તંત્ર અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે અને નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top