ગાંધીનગર,
પીએમ નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ૫ થી ૭ મે, ૨૦૨૬ દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ શિબિર “વિઝન ૨૦૩૦: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” જેવી મહત્વાકાંક્ષી થીમ પર આધારિત છે. જેમાં રાજ્યના મહેસૂલી તંત્રને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે વ્યાપક મનોમંથન કરવામાં આવશે.આ ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવો, ઉચ્ચ અધિકારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ના ધ્યેયને સિદ્ધ કરવા માટે મહેસૂલ વિભાગની ભૂમિકા અગત્યની છે. આ ચિંતન શિબિર દ્વારા વિભાગનો ભાવિ રોડમેપ તૈયાર કરવામાં આવશે. શિબિર દરમિયાન પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ, આવક રેકોર્ડના ડિજિટાઇઝેશન, જમીન માપણી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ આપવાની દિશામાં પણ ખાસ ભાર મૂકવામાં આવશે.આ ઉપરાંત, ISRO, BISAG-N, IIT, IIM, IGNOU અને Survey of India જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો પણ સહભાગી બની પોતાના અનુભવ શેર કરશે.ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલ યોગ્ય રોડમેપ તૈયાર કરવામાં આવશે, જે રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે અને નાગરિક કેન્દ્રિત વહીવટને વધુ મજબૂત બનાવશે.