ગાંધીનગર : ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાના કારણે હવે પશુપાલકો માટે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સેક્સ્ડ સિમેન ટેકનોલોજીના ઉપયોગથી પશુપાલકોને નર બચ્ચાના જન્મની ચિંતા લગભગ દૂર થઈ ગઈ છે અને આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોની આવક બમણી કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સેક્સ્ડ સિમેન ટેકનોલોજી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, જેના દ્વારા આશરે 90 ટકા સુધી માદા બચ્ચાનો જન્મ શક્ય બન્યો છે.
રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પાટણ ખાતે ‘ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સ્થાપવામાં આવ્યું છે. વર્ષ 2018-19માં આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ જૂન-2021થી ઉત્પાદન શરૂ થયું હતું. ફેબ્રુઆરી-2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું છે. પશુપાલન ખાતાના આંકડા મુજબ, ફેબ્રુઆરી-2026 સુધીમાં 3.41 લાખ ડોઝનો ઉપયોગ થયો, જેમાંથી 63,439 પશુઓ ગાભણ થયા હતા. તેમાં 37,469 બચ્ચાઓનો જન્મ થયો, જેમાંથી 34,184 માદા અને માત્ર 3,285 નર બચ્ચા હતા. એટલે કે આશરે 91.23 ટકા માદા બચ્ચાનો જન્મ નોંધાયો છે.તે જ રીતે, વર્ષ 2025-26 દરમિયાન દૂધ સંઘો દ્વારા 7.09 લાખ ડોઝનું ઉત્પાદન કરીને 3.35 લાખ બીજદાન કરવામાં આવ્યા હતા. તેમાં 52,246 પશુઓ ગાભણ થયા અને 30,719 બચ્ચાઓનો જન્મ થયો, જેમાંથી 81 ટકા માદા બચ્ચા હતા.
પશુપાલકોને સીધો લાભ
પાટણ જિલ્લાના કોઇતા ગામના પશુપાલક તૌફિકભાઈ મોમિન જેવા ઘણા પશુપાલકોને આ ટેકનોલોજીથી મોટો લાભ થયો છે. તેઓ કહે છે કે નર બચ્ચાના નિભાવનો ખર્ચ ઘટ્યો છે અને માદા બચ્ચા થવાથી દૂધ ઉત્પાદન વધતા આવકમાં વધારો થયો છે. સેક્સ્ડ સિમેન ટેકનોલોજીમાં “X” અને “Y” ક્રોમોઝોમ ધરાવતા શુક્રાણુઓને અલગ કરવામાં આવે છે. “X” ક્રોમોઝોમથી માદા અને “Y”થી નર બચ્ચાનો જન્મ થાય છે. આ ટેકનોલોજી દ્વારા ખાસ કરીને “X” શુક્રાણુઓનો ઉપયોગ કરીને માદા બચ્ચાનો જન્મ વધુ પ્રમાણમાં કરાવવામાં આવે છે.
સેક્સ્ડ સીમેન ટેકનોલોજીથી પશુપાલનમાં દૂધ ઉત્પાદન અને આવકમાં વધારો
પાટણ ખાતે આવેલ સ્ટેટ ફ્રોઝન સીમેન સ્ટેશનની સેક્સ્ડ સીમેન ટેકનોલોજી ગુજરાતના પશુપાલન ક્ષેત્ર માટે ક્રાંતિકારી સાબિત થઈ રહી છે. આ આધુનિક પદ્ધતિ દ્વારા પશુઓમાં આશરે 91 ટકા સુધી માદા વાછરડીઓનો જન્મ થતો હોવાથી દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને પશુપાલકોની આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ ટેકનોલોજી વધુ લોકો સુધી પહોંચે તે માટે ડોઝનો ભાવ રૂ. 300માંથી ઘટાડીને માત્ર રૂ. 50 રાખવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે. જૂન 2021થી અત્યાર સુધીમાં 3.19 લાખથી વધુ ડોઝના ઉપયોગથી હજારો પશુપાલકોને ફાયદો થયો છે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. પશુપાલકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષમાં વધુ 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝના ઉત્પાદનનું આયોજન કરવામાં આવ્યું છે.આ રીતે, સેક્સ્ડ સિમેન ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે અને પશુપાલકો માટે આવક વધારવાનું એક મજબૂત સાધન બની રહી છે.