Entertainment

પરિણીતીને પરિણામમાં વિશ્વાસ છે

પરિણીતી ચોપરા હમણાં જરા વધારે ખુશ છે. ના, ના તેને કોઇ લગ્ન યોગ્ય બોયફ્રેન્ડ મળી ગયો છે એવું નથી કે પ્રિયંકા ચોપરાની જેમ હોલીવુડની ફિલ્મો અને ટી.વી. શ્રેણી મળી છે અવું ય નથી. તેને સુરજ બડજાત્યાની ફિલ્મ મળી છે. બડજાત્યાની ફિલ્મો હંમેશા ફેમિલી ઓડિયન્સ માટે હોય છે. ‘મૈંને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કોન’ માં લવસ્ટોરી હતી તો પણ ફેમિલી – લવસ્ટોરી જ હતી. ‘વિવાહ’ પણ એવી જ શૈલીની હતી અને પરિણીતીને મળેલી ‘ઊંચાઇ’ નામની ફિલ્મમાં તો અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ છે એટલે પરિણીતીનું ખુશ થવું વાજબી છે. અમુક બેનરની ફિલ્મ મળે તે આપોઆપ એક પ્રકારના એવોર્ડ જેવું હોય છે.

પરિણીતી જોકે આ બાબતે પહેલાં પણ નસીબદાર રહી છે. ‘ઇશ્ક જાદે’ અને ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’ ફિલ્મો આદિત્ય ચોપરાની હતી અને તેની ત્રીજી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ પણ. હકીકતે તેણે ત્યાર પછી ‘દાવત-એ-ઇશ્ક’, ‘કીલ દીલ’ ફિલ્મના નિર્માતા પણ આદિત્ય ચોપરા હતા. જોકે તેનાથી પરિણીતી કાંઇ માધુરી દિક્ષીત કે દિપીકા પાદુકોણ નથી બની ગઇ છતાં એ ફિલ્મોએ તેને ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે ગોઠવી આપી અને પરિણામે ‘ઢીસૂમ’, ‘ગોલમાલ અગેઇન’, ‘કેસરી’ જેવી ફિલ્મો મળી.

પણ સુરજ બડજાત્યાની ફિલ્મ તેના માટે વધુ એક મોટો વળાંક બની શકે. તેની પાસે અત્યારે જે ફિલ્મો છે તે તેને નવી રીતે એસ્ટાબ્લિશ કરે તેવી છે. તેની ‘સાયના’ કે જે અમોલ ગુપ્તેના દિગ્દર્શનમાં બની છે. તે બહુ વખણાઇ નથી.

 પરિણીતી આ ફિલ્મનો બેસબ્રીથી ઇંતેજાર કરી રહી હતી. કારણકે તેને સ્પોર્ટસ ફિલ્મમાં સાયના નહેવાલની ભૂમિકા કરવા મળી છે. પણ તેના જેવી જ ઇંતેજારી ‘એનિમલ’ની છે કારણકે તે પહેલીવાર રણબીર કપૂર સાથે તમાં આવી રહી છે. એ એક ગેંગસ્ટર ડ્રામા ધરાવે છે. અન્ય એક ફિલ્મ ‘શંકી’ છે જેમાં તે વરુણ ધવન સાથે છે અને પંકજ બત્રાની ફિલ્મ ‘ઝહૂર’માં તે પરમીશ વર્મા સાથે આવે છે. આ ઉપરાંત રિતુ દાસગુપ્તાની એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પરિણીતી ચોપરા રાહ જોવામાં માને છે એટલે ૨૦૨૨ માં સારા પરિણામોની આશા રાખે છે. આ ૨૨ મી ઓકટોબર એટલે કે આવતી કાલે તે ૩૩ માં વર્ષમાં પ્રવેશી રહી છે. પરિણીતીમાં સહજતાને સ્વાભાવિક ઉર્જા છે અને પરદા પર તેની હાજરી તરત આંખે ચડે છે.

પરિણીતી હવે સમજે છે કે જેમાં હીરો જ કેન્દ્રમાં હોય એવી ફિલ્મો વધારે ફાયદો ન કરાવી શકે. એકટ્રેસે પોતાની ઇમેજ પર પણ કામ  કરવાનું હોય છે. આ વર્ષે તેની ‘ધ ગર્લ આૅન ધ ટ્રેઇન’ આવી હતી જેમાં તેના ઉપરાંત અદિતી રાવ હૈદરી અને કિર્તી કુલ્હારી જ મુખ્ય પાત્રોમાં હતા. ‘સંદીપ ઔર પિંકી ફરાર’ તો ઠીક છે, ન ચાલી પણ પરિણીતી કમર્શિયલ ફિલ્મો વચ્ચે એક એવો રસ્તો ઇચ્છે છે જેમાં પ્રેક્ષકોને મનોરંજન સાથે કશુંક ગંભીર પણ મળે.

તે પોતાને વેબ સિરીઝ માટે ફાળવતી નથી અને પૂરેપૂરું ફોકસ માત્ર ફિલ્મ પર છે. સુરજ બડજાત્યાએ ‘ઊંચાઇ’ માટે સોનાક્ષી સિંહાને વિચારેલી અને નકકી કરી પરિણીતીને તો એ પણ આનંદની જ વાત કહેવાય. પણ તે કોઇની ભૂિકા છીનવવામાં માનતી નથી. બસ, પોતાના કામ પર ધ્યાન આપે છે. તે અત્યારે ફિલ્મ પ્રોડકશનમાં ય પડવા નથી માંગતી. કારણકે તે પોતાને અેકટ્રેસ તરીકે જ વધારે જોવા માંગે છે. પોતાની ફિલ્મો ડિજીટલ રિલીઝ થાય તે વિશે પણ કહે છે કે આ નિર્માતાની પસંદગી છે. ફિલ્મ રિલીઝ માર્કેટનો સવાલ છે. જો ફિલ્મ સારી હશે તો બધે ચાલશે. હવે એવો સમય છે કે માત્ર થિયેટર પર જ આધાર ન રાખી શકાય અને ૨૦૨૨ માં એટલી બધી ફિલ્મો રજૂ થવાની છે કે અમુક ડિજીટલ રિલીઝ માટે તૈયાર રહેવું પડશે.

Most Popular

To Top