Madhya Gujarat

નડિયાદ પાલિકા જાગી: ફાયરસેફ્ટી ન હોય તેવા છ બિલ્ડીંગ સીલ કરાયા

નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતો સામે કાર્યવાહી કરવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. આ મામલે ૨૧ મી ડિસેમ્બરે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, ૨૩ ડિસેમ્બરે સ્થળ તપાસ કરતાં તંત્ર દ્વારા ચોક્કસ મિલ્કતો સામે જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. જેને પગલે પાલિકા તંત્રની કામગીરી અને મિલીભગતને લઇને શહેરમાં ચર્ચાઓ એરણે છે. ગુજરાત રાજ્યના અગ્નિ નિવારણ વિભાગના રિજનલ ફાયર ઓફિસર દ્વારા નડિયાદ નગરપાલિકાને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનારા ૬ હાઇરાઇઝ રહેણાંક અને વાણિજ્ય મિલ્કતોને સીલ મારવાની સૂચના પત્ર દ્વારા આપવામાં આવી છે.

જેમાં નડિયાદ શહેરમાં શ્રેયસ ગરનાળા પાસે આવેલા શ્રેયસ લાલવાણી એમ્પાયર, સરદારના સ્ટેચ્યુ પાસે આવેલા પ્લેટીનમ પ્લાઝા, ખેતા તળાવની સામે આવેલા બેવર હિલ્ક આર્ક, નહેર પાસે આવેલા પ્રાઈમ સ્ક્વેર, સ્ટેશન રોડ પર આવેલા કર્મવીર સિલ્વર સાઈટ અને મરીડા રોડ ઉપર આવેલા અલમદીના એપાર્ટમેન્ટમાં વારંવારની સૂચના બાદ પણ ફાયર સેફ્ટીની પરમીશન લેવાની તેમજ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની કોઇ તસ્દી લેવામાં આવી ન હોવા ઉપરાંત તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસોને પણ ગંભીરતાથી લીધી ન હોવાનું માલુમ પડ્યું હતું.

જેને લઇને રિજનલ ફાયર ઓફિસર દ્વારા આ છએ મિલ્કતોમાં વિજ, પાણી અને ગટર કનેક્શન કાપી નાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.  જેને લઇને પાલિકા તંત્ર અસમંજસમાં મુકાયું હતું અને જે તે મિલ્કતના માલિકો સાથે મિટીંગ કરી ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, ૨૧ મી ડિસેમ્બરના રોજ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ દ્વારા ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ ૨૩ મી ડિસેમ્બરે સ્થળ તપાસમાં ચોક્કસ મિલ્કતો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું માલુમ પડ્યું હતું.

સ્થાનિક ફાયર બ્રિગેડની કામગીરી પણ શંકામાં

ગાંધીનગરના ગુજરાત રાજ્યના અગ્નિ નિવારણ વિભાગના રિજનલ ફાયર ઓફિસરની સુચના હોવા છતાં હાઈરાસઈઝ બિલ્ડીંગો સામે ધીમી ગતિએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક ફાયરબ્રિગેડ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ મામલે દાખવવામાં આવી રહેલી બેદરકારી છતી થઇ છે.

ચોક્કસ મિલ્કતો સામે ચોક્કસ કાર્યવાહી જ કરવામાં આવી

પાણી અને ગટર લાઈન કાપવાના હુકમ મુજબ છ હાઈરાસઈસ બિલ્ડીંગો પૈકી લાલવાણી એમ્પાયર્સમાં પાણીનું કનેક્શન કાપ્યું છે. તેમજ રેસીડેન્સીયલ યુનિટને સીલ મારવાના હુકમને આધારે કલ્પતરૂમાં એક દુકાન અને કર્મવીર સામ્રાજ્ય સોસાયટીમાં આવેલ જીમને સીલ કર્યું છે. જ્યારે પેરેડાઈઝ ઓરા અને અક્ષર હાઈટ્સમાં બોરની ઓફિસ અને એક મકાન સીલ કર્યું છે. હાલ, આ કામગીરી ચાલું જ છે. રોજ બે-ત્રણ મિલ્કતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.  – રાહુલભાઈ (એન્જિનીયર, નડિયાદ નગરપાલિકા)

લાલવાણીમાં પાલિકાએ કનેક્શન કાપ્યું, પણ પાણી સપ્લાય યથાવત

નડિયાદ નગરપાલિકા દ્વારા લાલવાણી એમ્પાયર્સમાં પાણીનું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. પરંતુ, લાલવાણી એમ્પાયર્સમાં પર્સનલ બોરની સુવિધા હોવાથી હાલ આ કોમ્પ્લેક્ષમાના નળોમાં પાણીનો પ્રવાહ ચાલું હોવાનું નજરે પડી રહ્યું છે.

શહેરની અન્ય ૨૯ મિલ્કતોને પણ સીલ કરવાનો હુકમ

આ ૬ હાઈરાઈસ બિલ્ડીંગો ઉપરાંત શહેરની અન્ય ૨૯ મિલ્કતોને પણ સીલ મારવાનો હુકમ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મિલ્કતોને પણ સીલ મારવાની કામગીરી હાલ, ચાલી રહી હોવાનું પાલિકાતંત્ર જણાવી રહ્યું છે.

Most Popular

To Top