Madhya Gujarat

સોજિત્રા નગરપાલિકાની બેદરકારીના કારણે પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર

આણંદ : સોજિત્રા નગરપાલિકા પ્રજાની સુખાકારીને લઇ કેટલી બેદરકારી છે તે સમગ્ર નગરજનોને પાણી પુરુ પાડતી ટાંકીની હાલત જોઇને ખ્યાલ આવે છે. માત્ર ખિસ્સા ભરવા રસ્તાના કામો કરતાં પાલિકાના શાસકો છેલ્લા છ વરસથી ટાંકી સુધી પહોંચવા દાદર ન મુકતાં તેની સફાઇ થઇ નથી. જેને કારણે દુષિત પાણી પીવા પ્રજાજનો મજબુર બન્યાં છે. આ અંગે અનેક રજુઆત છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતાં રોષ ભડક્યો છે. સોજિત્રા નગરપાલિકા બન્યાના 15 વર્ષ જેટલો સમય વિતિ ગયો છે. છતાં વહિવટ ગ્રામ પંચાયત કરતાં વધુ ખાડે ગયો છે. પાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર રસ્તા પાછળ જ ખર્ચાતી હોય તેમ અન્ય પ્રાથમિક સુવિધા તરફ ધ્યાન અપાઇ રહ્યું નથી. ખાસ કરીને પીવાના પાણી માટે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.

વરસો અગાઉ નગરજનોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે 8.60 લાખના ખર્ચે 9 લાખ લીટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, પાણીની ટાંકીનો વપરાશ શરૂ કરી દીધાં બાદ તેની સફાઇને લઇ લાલીયાવાડી ચાલી રહી છે. આ ટાંકી સુધી પહોંચવા માટે છેલ્લા છ વરસથી દાદર મુકવામાં આવ્યો નથી. જુનો દાદર તુટી ગયાં હતાં. તેના રીપેરીંગ માટે શાસકના કોઇ જ સભ્યને રસ નથી. જેના કારણે છેલ્લા છ વરસથી પાણીની ટાંકીની સફાઇ વગર જ પ્રજા સુધી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જેના કારણે સમગ્ર નગરના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. . તેનાથી મહત્વની બાબત એ છે કે, શાસકોએ પોતાની ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને ઉમેર્યો હતો. છતાં હજુ સુધી કામ હાથ પર લીધું નથી. 

Most Popular

To Top