Vadodara

તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી

આણંદ.

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અંતરિયાળ ગામ જાફરગંજમાં 108 ઈમરજન્સી સેવાની સમયસુચકતા અને પ્રોફેશનલિઝમને કારણે એક સગર્ભા મહિલા અને નવજાત બાળકને નવું જીવન મળ્યું છે. જીવના જોખમ વચ્ચે પણ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવીને સ્ટાફે માનવતાની મિસાલ પૂરી પાડી હતી.

જાફરગંજમાં ગામની એક મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા પરિવારે તાત્કાલિક 108 પર કોલ કર્યો. ખેડા જિલ્લાની લીંબાસી 108 ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. EMT રિચાર્ડસન અને પાયલોટ દશરથભાઈએ તરત જ મહિલાને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને પહેલા નજીકની CHC તારાપુર ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કેસ અતિ જોખમી હોવાને કારણે ત્યાંથી આણંદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જોકે, રસ્તામાં જ સ્થિતિ વણસતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ડિલિવરી કરાવવી અનિવાર્ય બની ગઈ હતી.
આખરે, આવા સંવેદનશીલ ક્ષણમાં EMT રિચાર્ડસન ક્રિશ્ચિયને ગભરાયા વગર તાત્કાલિક 108 હેડ ઓફિસના ડો. રામાણી સર સાથે સંપર્ક કર્યો હતો. ડોક્ટરના માર્ગદર્શન અને જરૂરી દવાઓની સલાહ મુજબ, ચાલુ એમ્બ્યુલન્સમાં જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી.
આ પ્રયાસ સફળ રહ્યો અને માતા-બાળક બંને સુરક્ષિત છે. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 108ની સમયસર પહોંચ અને તબીબી હસ્તક્ષેપને કારણે બે જિંદગી બચી ગઈ છે.

Most Popular

To Top