Madhya Gujarat

ડાકોરની પુનિતપાર્ક સોસાયટીના રહીશો સાથે નગરપાલિકાનું ઓરમાયું વર્તન..!

નડિયાદ : ડાકોરના વોર્ડ નં ૬ માં આવેલ પુનિતપાર્ક સોસાયટીના રહીશો સામે પાલિકા દ્વારા રીતસરનું ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર, પાણી તેમજ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત બનેલાં સ્થાનિકો હવે પાલિકાના સત્તાધિશો તેમજ સ્થાનિક ધારાસભ્ય આ મામલે ગંભીરતા દાખવે અને સમસ્યાઓનું નિરાકરણ લાવી આપે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૬ માં પુનિતપાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીની પાછળ નંદનવન, વ્રજભુમિ સહિતની અન્ય સોસાયટીઓ પણ આવેલી છે.

આ તમામ સોસાયટીઓના મળી કુલ ૫૦૦ કરતાં વધુ રહીશો છેલ્લાં ઘણાં વર્ષોથી બિસ્માર રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈનના અભાવે તેમજ પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. પ્રાથમિક સુવિધાના અભાવે ત્રસ્ત બનેલાં સોસાયટીના રહીશો દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી. આ અંગે સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યાં છે કે પુનિતપાર્ક સોસાયટીનો મુખ્ય માર્ગ છેલ્લાં ત્રણેક વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે.

જેને પગલે સોસાયટીના રહીશોને અવર-જવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. તદુપરાંત આ સોસાયટીમાં શ્રી સરસ્વતી શીશુમંદિર સ્કુલ આવેલી છે. આ શાળામાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓને સોસાયટીના ખખડધજ માર્ગ પરથી પસાર થવું પડે છે. ક્યારેક વિદ્યાર્થીઓ ખાડાઓમાં પટકાયાં હોવાના તેમજ કાદવ-કિચડમાં લપસી પડ્યાં હોવાના બનાવો પણ બન્યાં છે. બિસ્માર રોડ-રસ્તા ઉપરાંત સોસાયટીમાં ડ્રેનેજલાઈન તેમજ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે.

પાલિકાના સત્તાધીશો ચુંટણી ટાણે વોટ માંગવા આવે છે, જે બાદ સોસાયટીમાં દેખાંતા જ નથી અને રજુઆતો પણ ધ્યાને લેતાં નથી. તે જોતાં પાલિકાના સત્તાધીશો દ્વારા પુનિતપાર્ક સોસાયટી સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું લાગી રહ્યું છે. સોસાયટીના રહીશોએ અગાઉ ચુંટણી બહિષ્કાર પણ કર્યો હતો. તેમ છતાં પાલિકાનું નઘરોળ તંત્ર આ સોસાયટીમાં રોડ-રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવા પરત્વે બેદરકારી દાખવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે આ વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવે તે જરૂરી છે. જો આ અંગે પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દશેક મહિના અગાઉ સોસાયટીનો રસ્તો મંજૂર થયો, પરંતુ રસ્તો બન્યો જ નહીં

પુનિતપાર્ક સોસાયટીનો માર્ગ છેલ્લાં ઘણાં વર્ષોથી બિસ્માર હાલતમાં છે. એમાંય વળી સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાંખ્યા બાદ પુરાણ કરવામાં પાલિકાતંત્રની બેદરકારીને પગલે માર્ગ ખખડધજ બનતાં, સોસાયટીના રહીશોએ રસ્તો બનાવવા માટે રજુઆતોનો મારો ચલાવ્યો હતો. અનેકવારની રજુઆતો બાદ આખરે સોસાયટીનો બિસ્માર માર્ગ નવો બનાવવા પાલિકામાં મંજુર થયો હતો. જોકે, માર્ગ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠતાં કામગીરી અટકી ગઈ હતી. જે બાદ પાલિકાના સત્તાધીશો વચ્ચેના વિખવાદને પગલે આ માર્ગના નવિનીકરણની કામગીરી આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.

ડ્રેનેજ નાંખ્યા બાદ પણ ચાલું કરાઈ નથી

ડાકોર નગરમાં વર્ષો અગાઉ નિર્માણ પામનાર પુનિતપાર્ક સોસાયટીમાં જે તે વખતે ઘેર-ઘેર ખાળકુવા બનાવવામાં આવ્યાં હતાં. જોકે, અવારનવાર ખાળકુવા ભરાઈ જવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાંખવા પાલિકામાં રજુઆતો કરી હતી. અનેક રજુઆતો બાદ પાલિકાએ આ સોસાયટીમાં ડ્રેનેજલાઈન નાંખવામાં આવી છે. પરંતુ મહિનાઓ વિત્યા બાદ પણ ડ્રેનેજ લાઈન શરૂ કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

પેટા ચૂંટણીમાં મત માંગવા પહોંચેલા ઉમેદવારોનો સોસાયટીના રહીશોએ ઉઘડો લીધો

ડાકોર નગરમાં વોર્ડ નં ૬ ની ખાલી પડેલી ૧ સીટ સહિત કુલ કુલ ૮ સીટો માટે આગામી તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ પેટાચુંટણી યોજાનાર છે. જે માટે ઉમેદવારોએ હાલ ચુંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. ત્યારે વોર્ડ નં ૬ માં આવેલ પુનિતપાર્ક સોસાયટીના રહીશોએ પેટાચુંટણી માટે મત માંગવા આવેલા ઉમેદવારોનો ઉધડો લીધો હતો. કેટલાક રહીશોએ તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રહીશોએ આલીશાન મકાન વેચવા મુક્યાં, પરંતુ સુવિધાના અભાવે કોઈ ખરીદનાર નહી

રોડ-રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે પુનિતપાર્ક સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અનેકવારની રજુઆતો બાદ પણ પાલિકાનું નઘરોળ તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી કેટલાક રહીશોએ તો હવે પોતાના આલીશાન મકાનો વેચવા કાઢ્યાં છે. પરંતુ પાલિકાતંત્રના આ સોસાયટી પરત્વે ઓરમાયા વર્તનને પગલે મકાનો ખરીદનાર કોઈ મળતું નથી.

Most Popular

To Top