Comments

ગુજરાતના મનોરંજન ઉદ્યોગનું કુલ આર્થિક મૂલ્ય કેટલું?

વિક્રમ સંવત ૨૦૮૦ની હાર્દિક શુભેચ્છાઓ.દિવાળી એ આર્થિક વેપાર ઉદ્યોગ માટે ગત વર્ષના હિસાબો મેળવવાનો અને નવા વર્ષના શુભ લાભ જોવાનો તહેવાર છે. આમ તો દેશ હોય કે રાજ્ય, તમામ વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં ગત વર્ષમાં શું થયું અને આવનારા વર્ષમાં શું સંભાવનાઓ છે.તેના હિસાબ કિતાબ થતા હોય છે. પણ જેમ દેશમાં મનોરંજન ઉદ્યોગમાં ગત વર્ષમાં કેટલું ટર્નઓવર થયું. તેવી રીતે ગુજરાતના મનોરંજન ઉદ્યોગમાં શું થયું તેનું આર્થિક મૂલ્ય જાણવાના નક્કર પ્રયાસ થતા નથી, થયા નથી.

કોઈ પણ રાજ્ય કે દેશના મનોરંજનને બે ભાગમાં વહેંચી શકાય. પરમ્પરાગત મનોરંજન અને આધુનિક મનોરંજન. પરંપરાગત મનોરંજનમાં સામાજિક-ધાર્મિક મેળાવડા, ઉત્સવો, તહેવારો, આવે અને આધુનિક મનોરંજનમાં થીમ પાર્ક .એમ્યુઝમેન્ટ પાર્ક, ફિલ્મ, ટી.વી., વ્યાવસાયિક રમત સ્પર્ધાઓ,વગેરે આવે. ઉત્તરાયણમાં પાંચ કરોડના પતંગ ચડાવાયાં, બે કરોડનું ઉંધિયું ઝાપટી ગયા, દિવાળીમાં કરોડોના ફટાકડા ફૂટ્યા કે લગ્નસરામાં પંદર હજાર કરોડનું ટર્નઓવર થયું એ ચટપટા સમાચારોથી આગળ આપણે ગુજરાતમાં મનોરંજન ક્ષેત્રમાં ઉદ્યોગ વ્યવસાયની રીતે હાલ શું સ્થિતિ છે તેનો કેટલાક આધારો સાથે અંદાજ મૂકીએ.

જો ગુજરાતના ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતમાં આશરે ૬૭૫ જેટલા સિનેમા સ્ક્રીન આવેલાં છે અને લગભગ ૨૫ જેટલાં જૂની સિસ્ટમનાં સિંગલ સ્ક્રીન આવેલાં છે. ગુજરાતીઓ આશરે ૭૫૦ કરોડથી ૧૦૦૦ કરોડ રૂપિયા સિનેમા જોવા માટે ખર્ચે છે. આ જે હિન્દી ફિલ્મો સો કરોડ અને બસ્સો કરોડના ધંધા કરે છે તેમાં મુંબઈને બાદ કરતાં મોટા ભાગની આવક ગુજરાત ક્ષેત્રમાંથી આવે છે. જો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો છેલ્લાં ઘણાં વર્ષોથી વર્ષમાં ૫૫ થી ૬૫ ફિલ્મોનું નિર્માણ થાય છે, જેમાંથી 5 કે 6 નફાકારક કે બ્રેક ઇવાનને પહોંચે છે. ગત વર્ષમાં બોક્સ ઓફીસ પર તીન એક્કાએ ધમાલ મચાવી અને વીસ કરોડથી વધુની કમાણી કરી. ફિલ્મો હવે ૨૫ લાખથી ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામે છે એ હિસાબે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું કુલ મૂલ્ય સો કરોડથી વધુનું છે. સરકારમાં પણ ફિલ્મોને  દસ લાખથી ૩૦ લાખ સરેરાશ સબસીડી ચૂકવાય છે. એક બે ફિલ્મો ૭૫ લાખ મેળવે છે. ફિલ્મ ઉદ્યોગમાં લગભગ હજાર લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ સબસીડી મેળવે છે.

ગુજરાતી રંગભૂમિ no આર્થિક વ્યવહાર આશાસ્પદ નથી. ગણીને પાંચ સાત નિર્માતાઓ વ્યાવસાયિક નાટકો સાથે કાયમી ધોરણે જોડાયેલા છે. આશરે 250 કલાકારો આમાંથી રોજગારી મેળવે છે. વર્ષે દિવસે પંદરેક નાટકો નિર્માણ પામે છે. ગુજરાતમાં રંગભૂમિને  બળ મળે તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર નબળું છે. મોટાં શહેરોમાં નાટકની જરૂરિયાત મુજબના હોલ મળી રહે, પણ નાનાં સેન્ટરોમાં જ્ઞાતિની વાડી કે સ્કૂલ કોલેજોના મોટા હોલમાં નાટક ભજવવામાં મુશ્કેલીઓ છે. રંગભૂમિ સાથે ડ્રેસ સેટ્સ વગેરેની સુવિધાઓ ખૂબ ઓછી અને મોટાં શહેરોમાં કેન્દ્રિત છે. ઉત્તર ગુજરાતમાં નાટક ભજવવા માટે અમદાવાદથી ડ્રેસ અને સેટ્સ લઇ જવાં પડે. જૂની રંગભૂમિ,ભવાઈ, બત્રીસ પૂતળી જેવાં પરમ્પરાગત મનોરંજન માધ્યમો લગભગ નામશેષ થવા આવ્યાં છે. સર્કસ આખા ભારતમાં અદૃશ્ય થઇ રહ્યાં છે. ગુજરાતમાં સર્કસ અને જાદુના ખેલ દ્વરા મનોરંજન લગભગ ગણ્યાંગાંઠયાં કિસ્સામાં રહ્યું છે.

ગીત સંગીતનો વ્યવસાય પરમ્પરાગત અને આધુનિક બન્ને રીતે ખૂબ આગળ વધી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે પણ ડાયરા દ્વારા મનોરંજન અને ડાયરાનાં કલાકારોની આવક સન્માનજનક બની છે. ગુજરાતના લોક ગાયકો દેશવિદેશમાં કામ કરી રહ્યાં છે. સરકારી કાર્યક્રમોમાં પણ તેમનું આકર્ષણ અને આવક મોટાં છે. ગુજરાતના મનોરંજન ઉદ્યોગની થોડી ઘણી વાત કરનારા પણ જેની સાવ ઉપેક્ષા કરે છે તે સોશ્યલ મિડિયાની કમાણી આશ્ચર્યકારક છે. યુ ટ્યુબ દ્વારા અનેક ગુજરાતી યુવા ગાયકો કાયમી ધોરણે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

કિંજલ દવે, જીગ્નેશ કવીરાજ,વિક્રમ ઠાકોર કે દેવ પગલી જેવાં ગાયકો તેમની યુ ટ્યુબ ચેનલ કે ગાયનો દ્વારા મોટું આર્થિક મૂલ્ય ઊભું કરી રહ્યા છે. આજે એક એક ગુજરાતી ગીત લાખ બે લાખના ખર્ચે શૂટ થાય છે. ફોનના રીલ્સ દ્વારા યુવાનો કમાણી કરી રહ્યા છે . સોશ્યલ મિડિયાના અને માસ કોમ્યુનિકેશનના ક્ષેત્રે જે ટેકનોલોજીકલ ક્રાંતિ થઇ છે તેમાં આવકની શક્યતાઓ વિષે હવે વિગતવાર અભ્યાસ કરવાની જરૂર છે. ગુજરાતમાં આ દૃષ્ટિએ આધુનિક મનોરંજનની તુલાને પરમ્પરાગત મનોરંજન આધુનિક રસ્તાઓ પર કરોડોની કમાણી કરી રહ્યું છે.

ડાયરાનાં ગાયકો લાખ રૂપિયાથી પાંચ લાખ ચાર્જ કરી રહ્યા છે. દેશભરમાં મનોરંજન ઉદ્યોગમાં જે વ્યાપક અને મોટું છે તે ટી.વી. ચેનલો અને હવે ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતમાં ફેલાયું ખૂબ છે, પણ હિન્દીના આધિપત્યમાં ગુજરાતી ચેનલો અને ઓ ટી ટી પ્લેટફોર્મનો વિકાસ ઓછો છે. અત્યારે ઓહો , જોજો એ ગુજરાતી પ્લેટફોર્મ છે અને શેમારુ કે જીઓ ના ગુજરાતી વર્ઝન પણ છે. હિન્દી સીરીયલો no મોટો દર્શક વર્ગ ગુજરાતમાં છે, માટે ગુજરાતી ટી.વી. ચેનલો આહી સર્વાઇ થતી નથી. સમાચાર ચેનલોમાં ટી.વી. નાઈન, એબીપી અસ્મિતા, સંદેશ, ગુજરાત સમાચાર કે જી ટી પીએલ સહિતની બારેક ચેનલો ચાલે છે. સાથે સાથે ગુજરાતનાં ઘણાં પત્રકારો પોતાનું ન્યુઝ પ્લેટફોર્મ પણ રન કરી રહ્યાં છે.

ટૂંકમાં ગુજરાતી મનોરંજન ઉદ્યોગમાં પરમ્પરાગત મનોરંજનમાં આવક રોજગારી no મોટો આધાર છે, જ્યારે આધુનિક મનોરંજન રાષ્ટ્રીય મનોરંજન સાથે સ્પર્ધામાં હિન્દી સામે પાછું પડી રહ્યું છે, જેના માનસિક અને રાજકીય પ્રશ્નો છે. ઓવરઓલ ગુજરાતમાં એક આશરો કાઢીએ તો લગભગ દસ હજાર લોકોને  રોજગારી અને લગભગ અઢી હજાર કરોડનું આર્થિક મૂલ્ય મનોરંજન ઉદ્યોગમાં સર્જાય છે. આપણે થોડાક જાગૃત પ્રયાસ કરીએ તો એકલા ગુજરાતમાં મનોરંજન ઉદ્યોગ વ્યવસાયમાં વાર્ષિક દસ હજાર કરોડના મૂલ્યસર્જનની શક્યતા રહેલી છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top