(પ્રતિનિધિ) નડિયાદ, તા.13
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરતા 72 જેટલા આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ખેડા જિલ્લાના વહીવટી વડા અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતૃત્વમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ખેડા જિલ્લામાં ફરજ બજાવતા કલેક્ટરની બદલી ગાંધીનગર ખાતે ઉદ્યોગ વિભાગમાં કરવામાં આવતા હવે જિલ્લાનું સુકાન અનુભવી અધિકારીના હાથમાં સોંપાયું છે.
ખેડા જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા અમિત પ્રકાશ યાદવની બદલી ગાંધીનગર ખાતે એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ તરીકે કરવામાં આવી છે. તેમની જગ્યાએ હવે ગીર સોમનાથના કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ખેડા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે. યાદવને ગાંધીનગરમાં નવી નિમણૂક સાથે ઇન્ડેક્સ-બીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફારને પગલે ખેડા જિલ્લાના વિકાસ કાર્યો અને મહેસૂલી પ્રક્રિયામાં નવી ગતિ આવવાની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કાયમી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી જે.બી. દેસાઈ પાસે આ પદનો વધારાનો હવાલો હતો, પરંતુ હવે મોરબીના કલેક્ટર કિરણ બી. ઝવેરીની બદલી નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. શહેરના માળખાગત વિકાસ અને નગરપાલિકાના વહીવટને સુદ્રઢ બનાવવા માટે આ નિમણૂક મહત્વની માનવામાં આવે છે. આ સાથે જ આણંદના આસિસ્ટન્ટ કલેક્ટર હિરેન બરોટની બદલી અરવલ્લી મોડાસા ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે કરવામાં આવતા ચરોતરના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર નોંધાયા છે.