Vadodara

કોંગ્રેસની ભૂલ! હરીશ પટેલની અપક્ષ જીતથી અમી રાવતને મોટો ફટકો

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. જેનું મુખ્ય કારણ અગાઉ વિજેતા રહી ચૂકેલા હરીશ પટેલને રિપીટ નહિ કરતા તેઓએ અપક્ષ તરીકે 13372 મતોથી જીત મેળવી હતી. જેના કારણે કોંગ્રેસને આ વોર્ડમાં માત્ર એક બેઠક મળી હતી. જ્યારે, અપક્ષ ઉમેદવારની જીત થતા કોંગ્રેસમાંથી અણનમ મનાતા અમી રાવતને હારનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિરોધના સર્જાયેલા વંટોળ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી તેનો ભગવો લહેરાવવામાં સફળ રહી હતી. ખાસ કરીને જ્યાં ભાજપે ગત વખતે નમતું જોખવું પડ્યું હતું. તેવા વોર્ડમાં પણ આ વખતે ભાજપે આશ્ચર્યજનક પરિણામ મેળવ્યું હતું. ખાસ કરીને વોર્ડ નંબર 1 જે કોંગ્રેસનો ગઢ મનાય છે. ગત ટર્મમાં આ વોર્ડમાંથી કોંગ્રેસના અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, જહા દેસાઈ અને હરીશ પટેલની પેનલ વિજયી બની હતી. જોકે, આ વખતે કોંગ્રેસે ટીકીટ ફાળવવામાં કાચું કાપ્યું હોય કોંગ્રેસનો વોર્ડ 1માં રેકોર્ડ તૂટ્યો હતો. કોંગ્રેસમાંથી માત્ર એક બેઠક પર જીત મેળવી હતી. જ્યારે અમી રાવત 11920 મત, ડો.નિકુલ પટેલ 9150 મત, સોનાબેન દેસાઈ 9242 મત મેળવતા હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, પુષ્પાબેન વાઘેલા 13341 મતોથી વિજયી જાહેર કરાયા હતા. બીજી તરફ સૌથી વધુ અપક્ષ ઉમેદવારી કરનાર હરીશ પટેલે 13,372 મત મેળવી જીત પ્રાપ્ત કરી હતી. હરીશ પટેલ પર આ વખતે કોંગ્રેસે વિશ્વાસનો કળશ મુક્યો ન હતો. હરીશ પટેલને ટીકીટ નહિ અપાતા તેઓએ અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના કારણે સીધું નુકસાન કોંગ્રેસને ભોગવવું પડ્યું હતું. હરીશ પટેલની જીતથી સીધી અમી રાવતની હાર થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાયું હતું.

Most Popular

To Top