બંને શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી સરકારી મોબાઈલ પણ તોડ્યો હતો
ડ્રાઈવરને પણ માર માર્યો, ફરી આવશો તો જાનથી મારી નાખીશું”ની ધમકી આપી હતી
વડોદરા તા.28
વડોદરા તાલુકાના રણોલી ગામે 27 એપ્રિલની મધરાતે ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જવાહરનગર પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
રણોલી ગામના સોલંકી ફળીયામાં 27મી એપ્રિલની રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન આરોપી દેવરાજ મહેશભાઈ બારોટ અને અજય મસ્કેએ ફરજમાં અડચણ ઉભી કરી હતી. તે સમયે આઉટસોર્સ ડ્રાઈવર રઘુવીરસિંહ રાજેશભાઈ સરકારી મોબાઈલથી વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. આરોપીઓએ ધક્કો મારી મોબાઈલ નીચે પાડી દીધો હતો અને લાતો મારી ફોનને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ બંનેએ ગંદી ગાળો બોલી કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી હતી.
દરમિયાન દેવરાજ બારોટે હાથમાં પહેરેલા કડાથી કોન્સ્ટેબલ મહેન્દ્રકુમારના માથા પર પ્રહાર કરતા તેઓ લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.
હુમલા બાદ બંને આરોપીઓએ “ફરી અહીંયા આવશો તો જાનથી મારી નાખીશું” એવી ધમકી આપી લગ્ન પ્રસંગની ભીડનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. બનાવ અંગે કોન્સ્ટેબલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે રણોલીના રહેવાસી દેવરાજ ઉર્ફે દેવો અનિલભાઈ બારોટ અને અજય પંઢરી મસ્કેને ઝડપી પાડી ધરપકડ કરી હતી. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.