Business

આશાનાં કિરણો – કાયદામાંના ફાયદાઓ

જીવનમાં અનેક અણધાર્યા પ્રસંગો બનતા હોય છે. સ્વપ્નામાં પણ વિચારેલું ન હોય એ વાસ્તવિક જીવનમાં આવીને ઊભું રહે છે. તમારી જે પ્રકૃતિ હોય એથી સાવ વિરુદ્ધનું કૃત્ય કરવાનું આવે છે. તમે બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકા ફક્ત એક બિઝનેસ કૉન્ફરન્સ માટે ગયા હોય. એક દિવસની કૉન્ફરન્સ અટેન્ડ કર્યા બાદ અઠવાડિયું ફરવાના હોય. બે અઠવાડિયાં તમારા મિત્રના ઘરે રહેવાના હો. આમ ત્રણેક અઠવાડિયા પછી ઈન્ડિયા આવવાના હોય. કૉન્ફરન્સમાં તમને એવું જાણવા મળે કે તમારે જો અમેરિકામાં બિઝનેસ કરવો હોય તો તમે અમેરિકામાં તમારા બિઝનેસની શાખા ખોલીને, આંતરકંપની ટ્રાન્સફરી એલ-૧ વિઝા મેળવીને, અમેરિકામાં સાત વર્ષ રહી શકો છો અને કામ કરી શકો છો. જો એલ-૧ વિઝાનું પિટિશન પ્રીમિયમ પ્રોસેસિંગમાં કર્યું હોય તો તમને પંદર દિવસમાં જવાબ મળી શકે છે.

તમે હવે વિચારવા લાગો છો કે તમને તો અમેરિકામાં ત્રણ જ અઠવાડિયાં રહેવાની પરવાનગી છે. જો અમેરિકામાં રહેતાં જ એલ-૧ વિઝા મેળવા હોય તો તમારી પાસે ત્રણ અઠવાડિયાંથી વધુ સમય હોવો જોઈએ. આવા સમયમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં તમને અમેરિકામાં રહેવા માટે જે ત્રણ અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો છે એ એક વર્ષ સુધી લંબાવી શકો છો, સમય લંબાવવાની અરજી તમે એકથી વધુ વખત કરી શકો છો અને એકંદરે વધુમાં વધુ એક વર્ષ સુધી અમેરિકામાં બી-૧/બી-૨ વિઝા ઉપર સમય લંબાવીને રહી શકો છો, આની જાણ થતાં તમે કેટલા ખુશ થઈ જાવ છો? તમે અમેરિકામાં રહીને જ એલ-૧ વિઝા મેળવી શકો છો.

હમણાં જ ગ્રેજ્યુએટ થઈ તમારા માતા-પિતા જોડે બી-૧/બી-૨ વિઝા ઉપર તમે અમેરિકામાં ફરવા આવ્યા હોય, હાર્વર્ડ યુનિવર્સિટી જોવા જતાં તમને જાણ થાય કે તમે જે પ્રકારનો વધુ અભ્યાસ કરવા ઈચ્છો છો એ અભ્યાસ માટે વિશ્ર્વની સૌથી સારામાં સારી કોલેજ હાર્વર્ડમાં છે. તપાસ કરતાં એવું જાણવા મળે છે કે એ કોર્સ બે અઠવાડિયામાં શરૂ થવાનો છે. તેઓ તમને એડ્મિશન આપવા તૈયાર છે. પણ તમે તો બી-૧/બી-૨ વિઝા ઉપર આવ્યા છો અને ભણવું હોય તો એફ-૧ સ્ટુડન્ટ વિઝા હોવા જોઈએ. આવામાં તમને જો કહેવામાં આવે કે તમે તમારા વિઝિટર્સ સ્ટેટસની ફેરબદલી કરીને, એને ચેન્જ કરીને અમેરિકામાં રહેતાં જ એફ-૧ સ્ટુડન્ટ સ્ટેટસ મેળવી શકો છો તો તમને કેટલો આનંદ થાય?

તમે આજીવન કુંવારા રહેવાનું વિચાર કર્યો હોય. જિંદગીનાં ૪૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હોય અને બી-૧/બી-૨ વિઝા ઉપર એક મહિનો અમેરિકા ફરવા ગયા હોય, ત્યાં તમને હિંદુ ધર્મમાં જબરજસ્ત આસ્થા ધરાવતી, સંસ્કૃત ભાષાના શ્ર્લોકો કડકડાટ બોલતી, ગીતા વારંવાર વાંચી ચૂકેલી, એક પવિત્ર સાધ્વી જીવન ગાળતી, તમારી ઉંમરની જ એક અમેરિકન સિટિઝન સ્ત્રીનો મેળાપ થાય, જે પોતે પણ કુંવારી હોય, જેણે પોતે પણ લગ્ન કરવાનો વિચાર ન કર્યો હોય અને અચાનક તમને બન્નેને એવું લાગે કે તમે બન્ને એકબીજા માટે ઘડાયા છો અને તમે બન્ને એકબીજાને પરણવા ઈચ્છો. આવા સંજોગોમાં તમે શું કરો? લગ્ન કરીને ઈન્ડિયા પાછા જાવ અને તમારી અમેરિકન સિટિઝન પત્ની તમારા લાભ માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે અને એ પ્રોસેસ થઈને એકાદ વર્ષમાં અપ્રુવ્ડ થાય ત્યાં સુધી ઈન્ડિયામાં જ તમારી પત્નીને અમેરિકામાં મળવાની રાહ જોતા બેસી રહો? આ સમયે જો તમને જાણ થાય કે તમે અમેરિકન સિટિઝન જોડે લગ્ન કર્યા છે એટલે એ જો તમારા માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે તો તમે એ પિટિશન અપ્રુવ્ડ થાય ત્યાં સુધી અમેરિકામાં રહી શકો છો અને પિટિશન અપ્રુવ્ડ થાય પછી તમારું બી-૧/બી-૨ વિઝા ઉપરનું નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ એડ્જસ્ટ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવી શકો છો. ગ્રીનકાર્ડ મેળવી શકો છો. તો તમને કેટલી રાહત થાય. કેટલો આનંદ થાય.

જો તમારા અમેરિકન સિટિઝન ભાઈએ તમારા માટે ફેમિલી પ્રેફરન્સ ફોર્થ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય. એ પ્રોસેસ થઈને અપ્રુવ્ડ થયું હોય. તમે બાર વર્ષથી એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે, તમારું એ પિટિશન કરન્ટ થાય એની વાટ જોતા હો. અચાનક તમારો ભાઈ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે. તમારા લાભ માટે દાખલ કરવામાં આવેલ એ અપ્રુવ્ડ થયેલું પિટિશન આપોઆપ રદ થઈ જાય તો તમને કેવું લાગશે? આવામાં જો તમને એવી જાણ થાય કે અમેરિકામાં રહેતી બીજી કોઈ તમારી જોડે સંબંધ ધરાવતી વ્યક્તિ, જે સિટિઝન યા ગ્રીનકાર્ડધારક છે એ તમારા મૃત ભાઈની જગ્યા લેવા તૈયાર છે, તમારા માટે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવા તૈયાર છે અને તમે પારાવાર હાડમારી દેખાડીને સબ્સ્ટિટ્યૂશન માટે એટલે કે મૃત ભાઈની જગ્યા લેવા માટે અરજી કરી શકો છો અને એ મંજૂર થતાં તમારા ભાઈએ જે પિટિશન દાખલ કર્યું છે એની હેઠળ ગ્રીનકાર્ડ મળી શકે છે તો તમને કેટલો આનંદ થાય?

તમારી અમેરિકન સિટિઝન બહેને તમારા લાભ માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય અને તમારા સોળ, બાર અને નવ વર્ષનાં સંતાનો પણ તમારા ડિપેન્ડન્ટ તરીકે એ પિટિશન હેઠળ ગ્રીનકાર્ડ મેળવી શકે છે, પણ એ પિટિશનને અપ્રુવ થતાં કોઈ ખાસ કારણસર દસ વર્ષ થયા હોય અને કરન્ટ થતાં ચૌદ વર્ષ લાગ્યાં હોય એટલે તમારું સોળનું સંતાન ૩૦નું થઈ ગયું હોય, બારનું ૨૬નું અને નવનું ૨૩નું થઈ ગયું હોય આથી તમારા ત્રણેય સંતાનો ‘એજઆઉટ’ થવાના કારણે ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા, ડિપેન્ડન્ટ ગ્રીનકાર્ડ મેળવી શકે એમ ન હોય તો તમને કેવું લાગે? પણ પછી તમને ખબર પડે કે વર્ષ ૨૦૦૨માં ‘ધ ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ ઘડવામાં આવ્યો છે એની હેઠળ જે દિવસે તમારા લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને જે દિવસે એ મંજૂર થયું હોય એટલો સમય તમારા બાળકની ઉંમરમાંથી બાદ મળી શકે છે.

તમારા પિટિશનને અપ્રુવ્ડ થતાં દસ વર્ષનો સમય લાગ્યો છે એટલે તમારા ત્રણેય બાળકોની ઉંમરમાંથી દસ વર્ષ બાદ મળી શકે છે અને એમ કરતાં એ ત્રણેય બાળકો ૨૧ વર્ષથી ઓછી ઉંમરના છે ત્યારે તમે કેટલા ખુશ થઈ જાવ છો? અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં આવી અનેક છૂટછાટો છે. અમુક લાભોની કોઈકને જ જાણ હોય છે અને અમુક લાભો એવા છે જેની જાણ ભાગ્યે જ કોઈ વિઝા ક્ન્સલ્ટન્ટ, ટ્રાવેલ એજન્ટ, ઈમિગ્રેશનના એડ્વોકેટ યા એટર્નીઓને હોય છે. જો તમારી સમક્ષ આવી કોઈ સમસ્યા અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાને લગતી ઊભી થાય તો એ સમસ્યાનું નિરાકારણ કાયદામાં છે કે નહીં, કાયદાના ‘ફાયદા’ શું શું છે આ તમારે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાત એડ્વોકેટ પાસેથી જાણી લેવું જોઈએ.  અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં જો તમે આગ્રહપૂર્વક જાણકાર એડ્વોકેટની સલાહ લેવાનું રાખશો તો એમાંના ઘણા ઘણા ફાયદાઓ જાણવા મળશે.

Most Popular

To Top