Columns

આપવું હોય તો…

ગામમાં એક સંત આવ્યા અને ગામના પાદરે રોકાયા. રોજ ગામના લોકો તેમની પાસે જતા અને સંત તેમને ઉપદેશ આપતા. તેઓ સાદી, સરળ ભાષામાં જીવનના અઘરા પાઠ સમજાવતા. ગામલોકો રોજ સંત માટે કંઈક ભેટ લઈને જતા. બે-ત્રણ દિવસ થયા એટલે સંતે તેમને અટકાવતાં કહ્યું, “ગામલોકો, તમે અહીં આવો છો તે મને ગમે છે, પણ હું તો ભિક્ષા માંગી દિવસમાં એક વાર રોટલો અને દૂધ જમું છું. એટલે મને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી. તમે લોકો મારા માટે ભેટ લાવો છો, તે બધી પાછી લઈ જાવ અને જેને જરૂર હોય તેને આપો. અહીં કોઈ ભેટ લઈને આવતા નહીં, મારી વિનંતી છે.”

બીજા દિવસે પોતાના ઉપદેશમાં સંતે દાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, “હંમેશાં દાન કરવું જોઈએ. દાન કરવાથી લક્ષ્મી શુદ્ધ થાય છે. ઈશ્વરે જે આપ્યું હોય તેને ઈશ્વરની કૃપા ગણી તેમનો આભાર માનવો. બધું પોતાના માટે જ ન વાપરતા, બીજાને પણ આપો. અન્યને મદદ કરો. તમારી પાસે જે હોય, તેમાંથી જેટલું આપી શકાય તેટલું આપો.” સંતની વાત સાંભળીને બધાએ મનમાં નક્કી કર્યું કે પોતાની પાસે જે હશે તેમાંથી થોડું દાન જરૂર કરીશું.

સંતનો ઉપદેશ સાંભળીને બધા ગામલોકો પોતાના ઘરે ગયા. થોડા સમય પછી એક વિધવા સ્ત્રી પોતાના દીકરાને લઈને સંત પાસે આવી અને રડવા લાગી. સંતે તેના રડવાનું કારણ પૂછ્યું ત્યારે વિધવા સ્ત્રીએ કહ્યું, “બાપુ, તમે આજે દાનનું મહત્ત્વ સમજાવ્યું. મારે પણ દાન આપવું છે, પણ મારી પાસે કંઈ જ નથી. ઘર અને ખેતર પણ શાહુકારે લઈ લીધાં છે. અહીં પાદર પાસે તૂટેલી ઝૂંપડીમાં રહું છું. ગામલોકોને દયા આવે તો જે વધ્યું-ઘટ્યું આપે તે ખાઈને જીવીએ છીએ. મારે દાન કરવું છે, પણ મારી પાસે કંઈ નથી, તો હું શું કરું? શું હું જીવનભર બીજા પાસેથી મદદ લઈ ઓશિયાળી રહીશ? શું હું કોઈને કંઈ નહીં આપી શકું?” સંત બોલ્યા, “બહેન, રડે છે શું કામ? તું પણ બીજાને ઘણું આપી શકે છે.” આ વાક્ય સાંભળીને રડતી વિધવા બાઈ આશ્ચર્યથી સંત સામે જોવા લાગી અને બોલી, “બાપુ, મારી મજાક કરો છો?”

સંત બોલ્યા, “ના બહેન, તારી પાસે ઘણું છે આપવા જેવું. તારા હૈયામાં પ્રેમ છે, લાગણી છે. તે કોઈ અનાથ બાળકને આપ. કોઈ રખડતા પશુને વ્હાલથી પંપાળીને પ્રેમ આપ. તું બીજાને સન્માન આપી શકે છે, સેવા કરી શકે છે. તારો આ બાળક છે, તેને સારા સંસ્કાર આપ. તેને અત્યારથી શીખવ કે તે બીજાને મદદ કરે. બહેન, બીજાને કંઈક આપવા માટે પાસે ધન હોવું જરૂરી નથી, પરંતુ હૈયામાં આપવાની ભાવના હોવી જરૂરી છે. જો આપવાની ભાવના હોય, તો મન, પ્રેમ, સાથ, સેવા, સમય અને મદદ — ઘણું બધું આપી શકાય છે.” સંતે વિધવા સ્ત્રીને સમજ આપી અને તેના મનને શાંતિ આપી.

Most Popular

To Top