Business

સો(100) ટકા આપો અને સફળતા નો સ્વાદ માણો

તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહે છે. સાચી વાત. પણ જો વ્યકિત મનથી મજબૂત હોય,ધગધગતી ઈચ્છા શકિત હોય , સાહસ હોય તો તેને ટોપ પર પહોંચતા કોઈ રોકી ન શકે.જે કોઈ નથી કરી શકતું, તે જ કરીને વિશ્વ વ્યાપી નામના મેળવી શકાય છે. આવી વિશિષ્ટ સ્કીલ ધરાવતી વ્યકિત,કલાકાર,ખેલાડીને કોઈ પ્રવચન સલાહ કે ભાષણની જરૂર નથી.કારણ જે બીજાઓથી કંઈક અલગ જ કરવા માંગે છે તેમને પ્રવચનો અસર કરતાં નથી કે તેમની પાસે સુફિયાણી વાતો માટે સમય પણ નથી. આવી વ્યકિતઓ તો સતત પોતાના ધ્યેયમાં જ મગ્ન રહે છે. રહી ગયેલી ત્રુટીઓ પર મનન કરતાં રહી તેનું પુનરાવર્તન ન થાય તે માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરતાં હોય છે.હાલમાં જ અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ‘બર્નિંગ ડીઝાયર’ અને દ્રઢ મનોબળ દ્વારા ટી20 વલ્ડૅ કપ જીત્યો. સૌમ્યા, પાર્શ્વી ચોપડા, તૃષા, અર્ચના,શેફાલી  જેવી મક્કમ મનોબળ ધરાવતી મહિલા ક્રિકેટરોએ સાબિત કરી દીધું કે શ્રેષ્ઠ પામવા 100% સમર્પિત થાઓ અને ગેમ ચેન્જર બનો. લેગ  સ્પિનર પાર્શ્વીએ તો શેનવોર્નનાં વિડીઓઝ વારંવાર જોયા.પ્રેકટીસ કરી અને હરીફ માટે માથાનો દુઃખાવો બની રહી. પરિણામ વિશ્વ સમક્ષ છે. હાર્યા વિના પોતાનુ 100% બેસ્ટ પરફોર્મન્સ આપતાં રહ્યા અને સ્ટાર બની ગયા.
સુરત     – અરૂણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સેવા કરનારાઓની ક્યારેક ઉણપ વર્તાય તો ધ્યાનમાં ન લેવી જોઈએ
આપણા દેશમાં, જુદા જુદા રાજ્યોમાં અને શહેરોમાં તથા ગામડાઓમાં લોકોપયોગી કામો કરવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત હોય છે. કેટલીક સંસ્થાઓ સીનિયર સિટીઝન માટે હોય છે, જ્યાં સિનીયર સિટીઝનોને મનોરંજન પૂરું પાડવા સાથે કાર્યરત રાખતી હોય છે. કેટલીક સંસ્થાઓ માત્ર માનવસેવાના કાર્યો કરતી હોય છે. આ બધી સંસ્થાઓમાં પ્રમુખ , ઉપપ્રમુખ , મંત્રી , સહમંત્રી , કમિટી સભ્યો , સલાહકાર સમિતિના સભ્યોની નિમણુંક કરવામાં આવતી હોય છે પણ એ કરવું પડે એટલે કરાતું હોય છે બાકી મહદંશે બધા એક ટીમ તરીકે કામ કરતા હોય છે. હવે આવા કામો કરતી વખતે ક્યારેક કોઈ ઉણપ રહી જાય તો તેને ક્યાં નજરઅંદાજ કરવી જોઈએ અથવા ફકત ધ્યાન પર લાવવી જોઈએ પણ તેને ગંભીરતાથી લેવી ન જોઈએ કારણકે હેતુ ઉમદા હોવાને લીધે તેવી ઉણપ કયારેય ઇરાદાપૂર્વકની હોતી નથી. પણ અમુક વ્યકિતઓને એવી ટેવ હોય છે કે તેઓ ક્યાં ભૂલ થાય છે તે શોધ્યા કરતા હોય છે અને જેવી ભૂલ, ભલે પછી તે ચલાવી લેવાય તેવી હોય તો પણ તેને ગંભીર ગણીને કાર્યકર્તાઓનો ઉધડો લેવાનું ચૂકતા નથી. આ બરાબર નથી કારણકે છેવટે તો આ બધી સંસ્થાઓનું ધ્યેય સેવાનું જ હોય છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top