શહેરના સાંસ્કૃતિક વારસાની ઐતિહાસિક એશિયા ખંડની પ્રથમ સંગીત તાલીમ સંસ્થા :
વિદ્યાર્થી અને અધ્યાપકોના સંયુક્ત પ્રયાસથી આ સંસ્થા માત્ર વિદ્યાકેન્દ્ર નહીં, પણ સમાજકલ્યાણના ભવિષ્યનિર્માણનું કેન્દ્ર બની છે : પ્રો.ગૌરાંગ ભાવસાર
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
એમએસયુની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે આ વર્ષે પણ ડિપ્લોમા કોર્સ 4 વર્ષીય અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં સંગીતમાં ગાયન અને વાદન: સિતાર, વાયોલિન અને તબલા તથા નૃત્ય: કથ્થક, ભરતનાટ્યમ છે જેમાં લાયકાત: 5મું ધોરણ પાસ અને 11 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ તેમને અભ્યાસક્રમો માટે પ્રવેશ આપવામાં આવશે. જેના માટે અરજી ફોર્મ સવારે 11 કલાકે થી 2 કલાક સુધી ફેકલ્ટિ ઓફ પરફોર્મિંગ આર્ટસની ઓફિસથી ફોર્મ ભરવાનું રહેશે.
નાટ્યમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 12 મું ધોરણ પાસ હોય અને નૃત્યમાં નટુઆંગમમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ એ ઓનલાઇન લિન્ક MSUIS Applicant Portal પર 22 મે થી 2 જૂન સુધીમાં ડિપ્લોમા 2 વર્ષ માટે પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની રહેશે. તેમજ ફેકલ્ટિ દ્વારા અન્ય સર્ટિફિકેટ કોર્સીસ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગાયન વિભાગ દ્વારા ભારતીય શાસ્ત્રીય ગાયન સંગીતમાં એક વર્ષીય સર્ટિફિકેટ કોર્સ અને લાઈટ વોકલ મ્યુઝિક માં 3 મહિના માટે નો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેના ફોર્મ 18 જૂન થી શરૂ થશે તેમજ તબલા વિભાગ દ્વારા લોકપ્રિય સંગીતમાં પર્કશન વાદ્યોનો ઉપયોગ તબલા, ઢોલક, ઢોલ માટેનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો. જેમાં સંગીત ના વિદ્યાર્થીઓ ખૂબ રુચિ ધરાવે છે. વધુ માહિતી આપતા ફેકલ્ટિના ડીન પ્રો.ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે, સંસ્થાની વિશિષ્ટતા એ છે કે અહીં શાસ્ત્રીય કલા શીખવાની સાથે વિદ્યાર્થીઓને સમાજસેવાનું પણ ભાન કરાવવામાં આવે છે. વિદ્યાર્થી અને અધ્યાપકોના સંયુક્ત પ્રયાસથી આ સંસ્થા માત્ર વિદ્યાકેન્દ્ર નહીં, પણ સમાજ કલ્યાણના ભવિષ્યનિર્માણનું કેન્દ્ર બની છે. આ સંસ્થાએ પોતાના શૈક્ષણિક યશથી વિશ્વભરમાં વડોદરા શહેરને ઓળખ અપાવી છે અને અહિંથી તાલીમ લીધેલા અનેક કલાકારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું નામ ઉજળું કર્યું છે. આ ઐતિહાસિક સંસ્થાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવી એ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ નથી, પણ એ એક સાંસ્કૃતિક ઊર્જાના નવા યુગમાં પ્રવેશ કરવો છે. જ્યાં ભવિષ્યના કલાકારો ઘડાઈને સમૃદ્ધ ભારતના સાંસ્કૃતિક વારસાના ધ્વજવાહક બનશે.
