Charotar

આણંદ કલેક્ટર ઓફિસમાંથી જમીનની ફાઇલ ગુમ કરનાર નાયબ મામલતદાર જે.ડી. પટેલની ધરપકડ

બોરસદના અલગ અલગ સર્વેનું એકત્રિકરણ કરી બારોબાર પ્રિમિયમ વગર જ બિનખેતી કરી નાંખી હતી
(પ્રતિનિધિ) આણંદ તા.19
આણંદ કલેક્ટર કચેરીના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે.ડી. પટેલના સમયમાં થયેલું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે ચડ્યું છે. કલેક્ટર કચેરીની રેકર્ડ શાખામાંથી બોરસદના અલગ અલગ સર્વે નંબરની ફાઇલ ગુમ થઇ હતી. આ ફાઇલમાં જમીન વગર પ્રિમિયમે બિનખેતી થયાનો ઘટસ્ફોટ થયો છે અને રેકર્ડ ગુમ કરવા પાછળ ક્યા કર્મચારીનો હાથ છે તે અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ ગુનાની ત્રણ મહિના ચાલેલી તપાસના અંતે તત્કાલીન નાયબ મામલતદાર જે. ડી. પટેલની ધરપકડ કરવામાં આવી છે.
બોરસદના વાવડી મહોલ્લામાં રહેતાં મહંમદહનીફ એ. મલેકે તકેદારી આયોગમાં અરજી કરી હતી. જેમાં તેઓએ નાયબ મામલતદાર જે. ડી. પટેલ તથા અધિક જિલ્લા કલેક્ટર કેતકી વ્યાસે ભેગા મળી બોરસદના બ્લોક સર્વે નં. 569. 570, 572, 573, 372, 571/2 તથા 568/1 વાળી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિનખેતી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અરજી આધારે મહેસુલ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી બોરસદે રેકર્ડથી ખાતરી કરતાં સરકારને ખૂબ જ મોટું નાણાકીય નુકશાન થયાનું જણાયું હતું. આથી, કલેક્ટર ઓફિસની રેકર્ડ શાખા તથા રેકર્ડ રૂમથી ખાતરી કરાવતાં બોરસદના સર્વે નં. 565 + 566 + 567ના એકત્ર સર્વે નં. 568/1 વાળી બિનખેતી પરવાનગીની ફાઇલ રેકર્ડ શોધખોળ કરતા તે મળી આવી નહતી. આ અંગે જે તે સમયે જમન-1 શાખાના નાયબ મામલતદાર જે.ડી. પટેલ, કલાર્ક આર.એમ. પરીખ અને ઇન્ચાર્જ નાયબ મામલતદાર (રેકર્ડ શાખા)ના એસ.એલ. ચૌહાણ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. પરંતુ તેઓ આ ફાઇલ વચ્ચે ખાસ કોઇ હકિકત જણાવી શક્યાં ન હતાં. આ સમગ્ર પ્રકરણમાં નવી શરતની જમીન હોવા છતાં બિનખેતી કરવામાં આવી હતી. જે અંગે સર્વે નં. 568/1ની જમીનમાં નાયબ કલેક્ટર (જસુ) આણંદ દ્વારા મૂળના ખેડૂત અંગેની ખાત્રી થતી ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં બિનખેતીની મંજુરી આપવામાં આવી હતી. આમ, પ્રિમિયમનું નુકશાન થયું છે કે કેમ ? તથા ફાઇલમાં ક્યા કર્મચારી – અધિકારી દ્વારા કેવા પ્રકારના અભિપ્રાય – રિમાર્ક્સ લખવામાં આવ્યા છે. તે અંગે ફાઇલની શોધ શરૂ કરી હતી. પરંતુ રેકર્ડ ગુમ હતું. આ અંગે રેકર્ડ શાખાના નાયબ મામલતદાર હિરેન્દ્રસિંહ બી. મકવાણાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચ જે તે સમયે ફરજ બજાવતા કર્મચારીની સઘન પુછપરછ કરી હતી. જેમાં ચોથા વર્ગના કર્મચારીએ સહી કરી ફાઇલ લીધી હોવાની કબુલાત કરી હતી. જોકે, આ ફાઇલ તેણે તત્કાલીન નાયબ મામલતદાર જે. ડી. પટેલને સોંપી હતી. બાદમાં ગુમ થઇ હતી. આથી, એલસીબીએ જયેશ દેસાઇભાઈ પટેલ (જે. ડી. પટેલ, હાલ ફરજ મોકુફ) (રહે. 101 શાલીગ્રામ ગ્રીન્સ, રામભાઈ કાકા માર્ગ, બાકરોલ, આણંદ)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top