Columns

તમારી પ્રાર્થના

પ્રાર્થના કક્ષમાં બધા ભેગા થયા.પણ આજે સ્ટેજ પર કોઈ ન હતું.ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો આજે જુદી રીતે પ્રાર્થના કરવાની છે.આપને રોજ ભેગા મળી પ્રાર્થના ગાઈએ છીએ તે તો થશે પણ તે પહેલા તમારે બધાએ પોત પોતાની મૌલિક પ્રાર્થના કાગળમાં લખવાની છે.કોઈ ગીત ,ભજન કે સ્તોત્ર પણ તમારા પોતાના લખેલા હોવા જોઈએ.તમારા મનમાં જે પ્રાર્થના કરવાની ઈચ્છા હોય તે ઈશ્વરને કરવાની છે.તમારી પ્રાર્થનાઓ લખાય જાય બાદ આપણે રોજની જેમ પ્રાર્થના કરીશું અને પછી તમે બધાએ જે પ્રાર્થના લખી છે તે એક પછી એક સ્ટેજ પર આવી વાંચવાની રહેશે.’ બધા શિષ્યોને કાગળ આપવામાં આવ્યા અને બધા પ્રાર્થના લખવા લાગ્યા.બધાની પ્રાર્થના લખાઈ ગયા બાદ, રોજની સમૂહ પ્રાર્થના કરવામાં આવી અને પછી ગુરુજીએ એક પછી એક બધા શિષ્યોને સ્ટેજ પર આવી પોતાની પ્રાર્થના વાંચવા કહ્યું…એક પછી એક શિષ્યો સ્ટેજ પર આવવા લાગ્યા.

કોઈકે બે લીટીનો નાનો શ્લોક લખ્યો હતો, તો કોઈકે ભગવાનને વિનવતું લાંબુ ગીત….કોઈકે ભગવાનના વખાણ કરતી ચાલીસા તો કોઈકે લાંબુ સ્તોત્ર.કોઈકે પોતાને સુધારવાની વિનવણીઓ કરી હતી…કોઈકે સાચો રસ્તો દેખાડવાની માંગ ,કોઈકે ભૂલ ન થાય તે માટે જ્ઞાન માંગ્યું હતું,કોઈકે દુઃખ દુર કરવ આજીજી,  કોઈકે સુખી થવા માટે ધન, કોઈકે માંગ્યું માતા પિતાનું સ્વાસ્થ્ય, તો કોઈકે પ્રાર્થના કરી હતી સારા જીવનસાથીની,કોઈકે પ્રાર્થના કરી હતી ખુબ સફળતા મેળવવાની, તો કોઈકે પ્રાર્થના કરી હતી પ્રસિદ્ધિની….આમ જેટલા શિષ્યો હતા તેટલી પ્રાર્થના હતી.

એક શિષ્ય આવ્યો તેણે પ્રાર્થના કરી હતી ગુરુના લાંબા આયુષ્યની…બીજા એક શિષ્યએ પ્રાર્થના કરી હતી સમગ્ર કુટુંબના કલ્યાણની,ત્રીજા શિષ્યએ પ્રાર્થના કરી હતી સમાજના ઉત્કર્ષની….વગેરે વગેરે…જુદી જુદી પ્રાર્થનાઓ અને જુદી જુદી રીત હતી ક્યાંક માંગણી,ક્યાંક પ્રશંસ,ક્યાંક ફરિયાદ,ક્યાંક બીજાનું હિત,ક્યાંક બધાનું કલ્યાણ… બધાની પ્રાર્થનાઓ વંચાયા બાદ ગુરુજી સ્ટેજ પર આવ્યા અને બોલ્યા, ‘પ્રાર્થના જરૂરી છે, પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચતો તમારો અવાજ છે, પ્રાર્થના તમારા ભીતરનો આયનો છે,તમારી પ્રાર્થનામાં તમારા મનની ફરિયાદો અને મનની ઇચ્છાઓ ખબર પડે છે.

હું એમ નથી કહેતો કે કોઈ પ્રાર્થના ખોટી છે અને કોઈ સાચી,કોઈ ચઢિયાતી છે અને કોઈ ઉતરતી…કારણ પ્રાર્થના માત્ર પ્રાર્થના હોય છે.પરંતુ મારી એક વાત યાદ રાખજો મનની કોઈપણ ભાવના સાથે પ્રાર્થના કરો, કોઈપણ પ્રાર્થના કરો પણ દરેક પ્રાર્થનામાં તમને જન્મ આપનાર, જીવન આપનાર ઈશ્વરનો આભાર માનવાનું નહિ ભૂલતા.ધન્યવાદની પ્રાર્થના રોજ કરજો.રોજ ઉપરવાળાને કહેજો પ્રભુ તારો ધન્યવાદ તે અમને માણસનો જન્મ આપ્યો,પ્રભુ તારો આભાર તે મને આ સૃષ્ટિ આપી,ઈશ્વર તારો આભાર તે મને શ્વાસ આપ્યા.બસ દરેક શ્વાસે શ્વાસે તેઓ ધન્યવાદ કરતા રહેજો.’ ગુરુજીએ ધન્યવાદની પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું.
 આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top