Comments

તમે સરકાર વિરોધી પત્રકાર છો, આવો પ્રશ્ન અનેક વખત પત્રકારોને પુછાતો હોય છે

આમ તો પત્રકારત્વની સ્કુલમાં એવી તાલીમ મળે છે કે આપણે લોકોના પ્રશ્નનો અવાજ થવાનું છે, જેના કારણે એક લિખિત છાપ પત્રકારના મન ઉપર પડે છે. આપણે એન્ટી એસ્ટાબલીશમેન્ટ છીએ અને રહેવાનું છે. આવું હું પોતે પણ વર્ષો સુધી માનતો હતો, પરંતુ મારા સદ્દભાગ્યે 1995 માં મને એક સાપ્તાહિકમાં નોકરી કરવાની તક મળી એક પત્રકારને કામ કરવાની મોકળાશ કેવી હોય તેનો મારો આ પહેલો અનુભવ હતો. 1995 માં ભાજપે પહેલી વખત ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરી હતી. જો કે ત્યારે મારી પેઢીના પત્રકારોના મનમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા પણ હતી. કોંગ્રેસ હારે તો સારું, કારણ અત્યારે જે સ્થિતિમાં ભાજપ છે તેવી સ્થિતિ કોંગ્રેસની હતી.કોંગ્રેસ બેફામ હતી. પ્રજા જાય જહ્હનુમમાં તેવી સ્થિતિ હતી. પત્રકાર પણ આખરે પ્રજાનો હિસ્સો છે તેના કારણે તેમના મનમાં હતું કે કોંગ્રેસ હારે અને ભાજપને સત્તા મળે અને ભાજપને સત્તા મળી.

1995 માં પહેલાં ભાજપને સત્તા મળી ન્હોતી, જેના કારણે સ્વાભાવિક પત્રકારો જે સત્તાસ્થાને હોય તેની વિરુધ્ધમાં જ પત્રકારો લખે ત્યારે કોંગ્રેસ સત્તાસ્થાને હોવાને કારણે પત્રકારો કોંગ્રેસની વિરુધ્ધ ભરપૂર લખતા હતા.( આજે બહુ મોટો વર્ગ છે, જે પત્રકારોને સવાલ પૂછે કે તમે કોંગ્રેસ વિરુધ્ધ કેમ લખતા નથી, પણ આવો વાંધો લેનારે 1995 પહેલાંનું રીપોર્ટીંગ જોયું જ નથી જે સત્તાઓ ઉપર હોય તેની વિરુધ્ધ સમાચાર આવે તેવી સાદી સમજનો અભાવ છે) કોંગ્રેસ હારી અને ભાજપને સત્તા મળી, પત્રકારો ખુશ હતા, પણ ખુશી એક અલગ બાબત છે અને વ્યવસાય અલગ છે. પત્રકારનું કામ તો સરકારની ચૂક તરફ સરકારનું ધ્યાન દોરવાનું છે. ભાજપને સત્તા મળ્યા પછી પત્રકારોએ ભાજપ સરકાર સામે લખવાનું શરૂ કર્યું( કોંગ્રેસના અનેક માઈનસ માર્ક હોય પરંતુ જયારે તેમની વિરુધ્ધ સમાચારો આવતા ત્યારે તેઓ પત્રકારો સાથે તો સૌજન્ય રાખતા કારણ માલિક અને પત્રકારના ગણિત અલગ હોય છે)

પણ ભાજપની વિરુધ્ધ સમાચાર આવતાં ભાજપના નેતાઓ આકરા પાણીએ થઈ ગયા. મારો વ્યકિતગત અનુભવ કહું તો ભાજપે બોર્ડ નિગમમાં ચેરમનોની નિમણૂક કરી જે અંગે મેં એક સ્ટોરી કરી. હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ એક બોર્ડના ચેરમેન બન્યા. મારી સ્ટોરી પ્રસિધ્ધ થાય તે પહેલાં પાટીલ સાહેબને તેની જાણકારી મળી. તેમણે સાપ્તાહિકના માલિકને ફોન જોડ્યો માલિક વ્યવસાયે બીલ્ડર હતા, છતાં સમજ સ્પષ્ટ હતી. સાપ્તાહિક માલિકે પાટીલને સાંભળ્યા પછી કહ્યું, તમે કહો તો હું સ્ટોરી રોકાવી શકું, પણ મારી આદત છે કે જયારે સાપ્તાહિક સ્ટોલ ઉપર શુક્રવારે આવે ત્યારે હું દસ રૂપિયા ખરીદું છું, હું મારા પત્રકારને સ્ટોરી અંગે પૂછતો નથી. જો હું તમારી સ્ટોરી રોકીશ તો મારા પત્રકારનું મનોબળ તૂટી જશે અને મારી સ્ટોરી પબ્લીશ થઈ આ ઘટનામાં પાટીલ અને માલિકે બંન્ને સમજદારી દાખવી કોઈએ અહ્મનો મુદ્દો બનાવ્યો નહીં. આવા મોકળાશનાં અનેક ઉદાહરણ છે.

ભાજપનો સત્તાકાળ લાંબો હોવાને કારણે સ્વાભાવિક છે કે છેલ્લાં પચ્ચીસ વર્ષથી પત્રકારના નિશાન ઉપર ભાજપ સરકાર અને તંત્ર હોય, તેમાં ખોટું પણ કંઈ નથી, પત્રકારનું કામ સરકારના કાન પકડવાનું છે,પણ જે ભાજપ સત્તા ઉપર આવે તેવું હ્રદયથી ઈચ્છતા પત્રકારે જયારે ભાજપ સરકારને ચુક અંગે દોરવાનું શરૂઆત કરી ત્યારે ભાજપના નેતાઓને માઠું લાગ્યું, માઠું તો એટલી હદ સુધી લાગ્યું કે તેમણે વર્ષો સુધી વ્યકિતગત સંબંધોનો પણ અંત આણ્યો. ઉદાહરણરૂપે કહું તો હાલમાં મંત્રીમંડળના એક સિનિયર સભ્ય અમારા બન્ને તરફથી તુકારાનો સંબંધ છે, આ મંત્રીના ઘરે લગ્ન પ્રસંગ હતો, મંત્રી તરફથી મને સૂચના મળી તે તમને લગ્નનું આમંત્રણ મળશે પરંતુ પ્લીઝ તમે આવતા નહીં કારણ તમે સરકાર વિરોધી છો, તમે લગ્નમાં આવશો તો સાહેબને મુશ્કેલી પડશે. આ તો કેવી વિડંબના કે તમને એક પત્રકારની બીક લાગે અને પત્રકારને કારણે તમારું મંત્રીમંડળ મુશ્કેલીમાં મુકાઈ જાય ,જયારે ભયરહિત શાસનની વાત કરીએ ત્યારે મંત્રી જ ભયસ્થાને જીવે કેવી સ્થિતિ.

હું સરકાર વિરોધી છું તેના કારણે મારા મિત્ર અને મંત્રીએ મને લગ્નમાં આવવાની ના પાડી. મને વર્ષો પહેલાં એડીટર કેતન સંઘવીએ મને સમજ આપી હતી કે પત્રકાર સરકાર વિરોધી કે ,સરકારતરફી હોતો નથી, પત્રકાર તો પત્રકાર હોય છે, સરકાર નક્કી કરે છે કે પત્રકારને કયા ચોગઠમાં ફીટ કરવો, સરકારને અનુકૂળ સ્ટોરી થાય તો પત્રકાર સરકારતરફી અને પત્રકારને પસંદ પડે નહીં તો પત્રકાર ,સરકારવિરોધી હોય છે. પત્રકારનું કામ સરકારનો વિરોધ અને તરફદારી કરવાનું હોતું નથી, ઘટના અને તેના ગુણદોષના આધારે સ્ટોરી લખવાની હોય છે, એટલે આપણે એન્ટી એસ્ટાબલીશમેન્ટ છીએ તેવો ભાર કાઢી નાખવાનો કારણ આપણે કોણ છીએ તે સરકારે જ નક્કી કરવાનું છે તો આપણે શું કામ ચિંતા કરવાની જરૂર છે?

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top