Comments

યે પીનેવાલે ક્યા જાને, પૈમાનોં પે ક્યા ગુજરી હૈ

પહેલાંની સરખામણીઍ હવે પ્રવાસની વૃત્તિ લોકોમાં અનેક ગણી વધી છે, જેમાં ઈન્ટરનેટનું મોટું પ્રદાન છે. જાણીતાં-ઓછાં જાણીતાં સ્થળો વિશેની માહિતી, ત્યાં થઈ શકતું ઑનલાઈન બુકિંગ, હોટેલ વિશે તેમાં રહી ચૂકેલાં પ્રવાસીઓના અભિપ્રાય જેવી અનેક સુવિધાઓનો લાભ પ્રવાસીઓ છૂટથી લઈ રહ્યા છે. હોટેલનું સ્થાન, તેનો દર, રૂમનું આંતરિક સુશોભન, સ્વચ્છતા અને તેની સેવા વગેરે પરિબળો સામાન્ય રીતે પ્રવાસીઓ ચકાસતા હોય છે. હોટેલ સારી, મધ્યમ કે ખરાબ ભલે રહી, પણ ત્યાંનો કર્મચારી વર્ગ વિનમ્ર, પ્રામાણિક અને કામગરો હોય ઍવી અપેક્ષા મોટા ભાગના પ્રવાસીઓની હોય છે, જેમાં કશું ખોટું નથી. અલબત્ત, આ કર્મચારીઓ કઈ સ્થિતિમાં કામ કરતા હોય છે ઍ ભાગ્યે જ કોઈ જાણતું હોય છે કે જાણવામાં રસ ધરાવતું હોય છે.

આ બાબતે ઍક આવકાર્ય પહેલ સ્પેન દેશમાં થઈ છે. પહેલાં તેની પૂર્વભૂમિકા જાણી લઈઍ. સ્પેનની રાજધાની બાર્સેલોનામાં ૨૦૧૪ માં લાસ કેલીઝ નામે ઍક વ્હૉટ્સેપ ગૃપ શરૂ કરવામાં આવેલું. આ ગૃપ મહિલા કર્મચારીઓનું હતું, જે તમામ હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. શૃંખલાબદ્ધ હોટેલોઍ ખાસ કરીને હોટેલના સફાઈકામ માટે કાયમી કર્મચારીઓ રાખવાને બદલે સીધેસીધી અન્ય ઍજન્સીઓને કરારબદ્ધ કરવા માંડી હતી. આમ કરવાથી સરકારી ધારાધોરણ અનુસારનું લઘુતમ વેતન અને અન્ય લાભ આપવામાંથી હોટેલમાલિકોનો છૂટકારો થઈ જતો હતો.

દેખીતું છે કે કર્મચારીઓને આનો વિરોધ હોય, પણ તેમનાં સંગઠનો આ બાબતે કશું પણ કરવામાં સફળ રહ્યાં નહીં. આને પરિણામે આવી મહિલા કર્મચારીઓઍ ભંડોળ ઍકઠું કયુ* અને પોતાની બુકિંગ ઍપ તૈયાર કરાવડાવી, જેના થકી ગ્રાહકો સીધું બુકિંગ કરાવી શકે. આમાં તેમણે હોટેલની સામાન્યપણે જાવામાં આવતી ખાસિયતો ઉપરાંત ઍ હોટેલના કર્મચારીઓના કાર્યસ્થળની સ્થિતિ, તેમની સાથે માલિકો કેવો વર્તાવ કરે છે વગેરે બાબતોનો સમાવેશ કર્યો.

આમ જોઈઍ તો આ તુક્કો કહી શકાય, કેમ કે, કોઈ હોટેલના માલિકો પોતાના કર્મચારીઓ સાથે કેવો વ્યવહાર કરે છે ઍની સાથે પ્રવાસીઓને શી લેવાદેવા? ઘર છોડીને રખડવાનો આનંદ માણવા અને સુખસુવિધાનો ઉપભોગ કરવા નીકળેલો પ્રવાસી કોઈ હોટેલના કર્મચારીના હિત વિશે શું કામ વિચારે? આ ગૃપનાં પ્રવક્તા વાનિઆ આરાનાના જણાવ્યા અનુસાર તેઓ પ્રવાસનને ઍક નવા યુગમાં લઈ જવા ઈચ્છે છે કે જ્યાં લોકોના કાર્યસ્થળની સ્થિતિ અને તેમની સાથેનો માનવીય વર્તાવ આર્થિક હિતોથી પણ ઉપર હોય. આ ગૃપના માપદંડ અનુસાર હોટેલોઍ વેતન અને કાર્યસ્થળની સ્થિતિ અંગેની રાષ્ટ્રીય સમજૂતિનું તેમ જ સ્વાસ્થ્ય અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. ઍ હોટેલમાં સમાન વેતન નીતિનો અમલ તથા નબળા વર્ગના લોકોને તેમજ પરિચારિકાઓને કામે રાખવાં જરૂરી છે.

શૃંખલાબદ્ધ હોટેલો સામે આ જૂથની મુખ્ય ફરિયાદ કામ માટે અન્ય ઍજન્સીઓને કરારબદ્ધ કરવા સામે છે. આ ઍજન્સીઓ પછી આ કર્મચારીઓને સફાઈ કર્મચારીઓ તરીકે રોકે છે અને રાષ્ટ્રીય વેતનનીતિ અંતર્ગત તેમને પરિચારિકાઓ કરતાં પણ ઓછું વેતન ચૂકવે છે. છેક હમણાં સુધી આ હોટેલો પોતાની પરિચારિકાઓને કર્મચારી તરીકે નીમતી જ હતી, અને તેમને પ્રતિ સાલ ચાલીસ કલાક લેખે મહિને બારસો યુરોનું વેતન તેમજ માંદગી તથા પ્રસૂતિના લાભ પણ આપતી હતી. બહારની ઍજન્સીઓ ઍટલું જ વેતન આપે ઍવું અમુક કિસ્સામાં બને તો પણ ઍમાં છ કલાકની પાળી દરમિયાન સરેરાશ ૨૫ થી ૩૦ રૂમની સફાઈ કરવાની આકરી શરત હોય છે, જે સામાન્ય સંજાગોમાં શક્ય નથી. આ કાર્યભારને પહોંચી વળવા માટે કર્મચારીઓઍ વિના વેતને રોકાઈને કામ કરવું પડે છે, અને ઍમ કરવામાં તેઓ નિષ્ફળ જાય તો તેમને તગેડી મૂકવામાં આવે છે.

આ જૂથમાં સ્પેનિશ ઉપરાંત લેટિન અમેરિકા, પૂર્વ યુરોપ અને આફ્રિકાથી આવેલી દેશાંતરિત મહિલાઓ સભ્ય છે. હોટેલમાલિકો આફ્રિકન મહિલાઓને વધુ પસંદ કરે છે, કેમ કે, તેઓ અંગ્રેજી બોલી શકે છે. આ ઉપરાંત ઍકલમાતાઓ તેમની પહેલી પસંદ હોય છે, કારણ કે તેમનું શોષણ કરવું સહેલું છે. હોટેલઉદ્યોગ ક્ષેત્રે પ્રવર્તી રહેલી આવી પરિસ્થિતિમાં વૈશ્વિક મહામારીઍ જાણે કે પડ્યા પર પાટુનું કામ કર્યું. હજી હોટેલો આ માપદંડને અનુસરે છે કે કેમ ઍ બાબતે તેમનો સંપર્ક થઈ રહ્યો છે. આરાનાનું કહેવું છેઃ ‘લોકોને હું ઍટલું જ કહીશ કે તમે હોટેલની તલાશમાં હો તો ઍવી હોટેલ શોધજો કે જ્યાં કાર્યસ્થિતિ માનવીય હોય. તેમજ શોષણ અંગે પણ વિચારજો. કર્મચારીઓને છૂટા કરીને કામ બહારની ઍજન્સીઓને સોંપવાને લઈને અમારા ભાગે બિમારી, અતિશય બોજા અને સરવાળે સામાજિક તેમજ આર્થિક ગરીબી જ આવી છે.’

ઍટલે કે આ પ્રયાસ હજી અખતરાના સ્તરે છે. તેના સફળ થવાનો મોટો આધાર હોટેલમાલિકો પર નહીં, પણ પ્રવાસીઓ પર, બલ્કે પ્રવાસીઓની સંવેદનશીલતા પર છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પો વચ્ચે સૌથી કિફાયતી સોદો શોધતા પ્રવાસીઓ શું આ મુદ્દે થોડી વધુ રકમ ચૂકવવા તૈયાર થાય ઍમ બને? આ મુદ્દો ખરેખર તો માનવતાનો પણ નથી, બલ્કે મૂળભૂત હકોનો છે. પ્રવાસીઓનું વલણ આ મુદ્દે કેળવાય અને બદલાય ઍવી આશાને આધારે આ મહિલાઓઍ આ સાહસ આદર્યું છે.

અલબત્ત, ઍટલું યાદ રાખવું રહ્યું કે આ વાત સ્પેનની છે. આવા વિકસિત ગણાતા દેશમાં કર્મચારીઓના મૂળભૂત હકની આ સ્થિતિ હોય તો હાડોહાડ વર્ગભેદની માનસિકતા ધરાવતા આપણા દેશમાં પરિસ્થિતિ કેવી ગંભીર હશે ઍ ધારવું અઘરું નથી. આવી પરિસ્થિતિની સ્વીકૃતિ જ ઍ હદની છે કે ઍના વિશે વિચાર સુદ્ધાં આપણને આવતો નથી. આપણી તમામ સંવેદના આપણે કોમી લાગણીઓ પૂરતી જ મર્યાદિત કરી દીધી હોવાથી આવી બાબતે આપણું રુંવાડુંય ફરકી શકતું નથી. આને પણ વિકાસની જ નિશાની કહેવાય.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top