મુલાકાતીઓને વિનામૂલ્યે મધમાખીની પ્રજાતિ- ડંખ વગરની મધમાખી તથા પર્યાવરણમાં મધમાખીના મહત્વ વિશેની માહિતી અપાશે
અમદાવાદ,
અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે સહ અસ્તિત્વ નેચર ફાઉન્ડેશનની ટીમ દ્વારા આવતીકાલે તા. 20 મે 2026ના રોજ સવારે 9:30 કલાકે “World Bees Day”ની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાતીઓ માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં મધમાખી અને પરાગસંચયક જીવજંતુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ પર્યાવરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો છે. વિશ્વભરમાં મધમાખીની સંખ્યામાં ઘટાડો થતો હોવાના કારણે પર્યાવરણ અને કૃષિ ક્ષેત્ર પર તેની ગંભીર અસર પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને “National Bee Board” દ્વારા પણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. વર્લ્ડ બી ડેના દિવસે મુલાકાતીઓને વિનામૂલ્યે મધમાખીની પ્રજાતિ તથા પર્યાવરણમાં મધમાખીના મહત્વ વિશેની માહિતી તેમજ પ્રદર્શન બતાવવામાં આવશે. તેની સાથે મધમાખી વિશેની જાણકારી આપવામાં આવશે. જેમાં મધમાખીની પ્રજાતીઓનું જ્ઞાન અને તેના લાભો બતાવવામાં આવશે.
આ પ્રદર્શનમાં મધમાખીનો કઈ રીતે ઉછેર કરવો, મધમાખી દ્વારા મધ કઈ રીતે બનાવવામાં આવે છે, પ્રકૃતિમાં મધમાખીનો રોલ શું છે અને તેનાથી થતાં લાભો જણાવવામાં આવશે. અહીં આવનારા દરેક મુલાકાતીઓને ડંખ વગરની મધમાખી વિશેની સંપૂર્ણ મહત્વની જાણકારી આપવામાં આવશે.