Columns

વર્ક ફ્રોમ હોમ કે પછી ઑફિસ… ઈધર જાઉં કે ઉધર જાઉં ? !

વર્ક ફ્રોમ હોમ કે પછી ઑફિસ… અવઢવમાં મૂકી દે એવો યક્ષ પ્રશ્ન છે આ… દોઢેક વર્ષ થવા આવ્યું પ્રથમ લોકડાઉનને. શરૂઆતમાં બધાંએ ‘આ કંઈક નવું’ એવા અજાયબ ભાવ અને કુતૂહલવૃત્તિ સાથે એ લોકડાઉનને વધાવ્યું. ઘરબંધીમાં બધાંયને સાથે રહેવા મળશે ને કાર્યાલય -કચેરી- ઑફિસનું કામ નિરાંતે ઘેરબેઠાં કરીશું એવો વિચાર સૌને પહેલી જ નજરે ગમી ગયો. અનેક્ને મન તો આ અણધાર્યું વેકેશન હતું પણ …સમય ઝડપથી વીતતા ઑફિસ જઈ જોબ કરનારા અને ગૃહિણીને પેલું ‘અણધાર્યુ વેકેશન’ આકરું લાગવા માંડયું. ઑફિસે જઈ બાંધેલા કલાકોમાં કામ પતાવી ઘેર પરત થઈ જવાને બદલે ઘેર રહીને ઑફિસનાં કામ પતાવવાના કલાકો વધતાં ગયા.

સંયુક્ત કુટુંબ હોય તો સીમિત જગ્યામાં માતા-પિતા-બાળકો સાથે સતત રહેવું પડે. ગૃહિણીનાં ઘરકામ વધવાં લાગ્યાં. એનો ‘મી ટાઈમ ‘ – અંગત કે ઘડીક મળતો નવરાશનો સમય ઝૂંટવાઈ ગયો. લોકડાઉન આવ્યું એ પહેલાં ઘરનાં બધાં પોતપોતાની રીતે જે મોકળાશથી રહેતાં હતાં એ વાત ભૂતકાળ બની ગઈ. અગાઉ જે એક્મેક્ની ખૂબી લાગતી હતી એ જ ખૂબી હવે સતત સાથે રહેવાનો સમય આવ્યો એમાં ખામી લાગવા માંડી. ઘરબંધીમાં સતત સાથે રહેવાથી ઘર મતભેદ વધ્યા-મનભેદ પણ વધ્યા.મન ઊંચાં થઈ ગયાં.ઘર્ષણ વધતું ગયું એમાં WFH એટલે કે ‘ વર્ક ફ્રૉમ હોમ’નો શિરસ્તો શરૂ થતાં અસંખ્ય લોકોના પગારમાં કાપ પણ મુકાયો પરિણામે આર્થિક- માનસિક ને કોરોનાને કારણે શારીરિક વ્યાધિ પણ બધાંને પજવવા માંડી.

આ બધાંમાં અવાચક થઈ જાવ એવો આંચકો લાગે એવી વાત હતી લોકડાઉન- કાળ દરમિયાન બીજાં રાજ્યોની વાત જવા દો તો ગુજરાત એકલામાં છ મહિનાની અંદર જ ઘરેલુ હિંસાની ૫૬ હજાર જેટલી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી ! આ વિક્રમસર્જક ફરિયાદોમાં પારિવારિક કંકાસ-ઝઘડા તથા પત્નીને ફટકારવાથી લઈને દારૂ તેમ જ લગ્નેતર -આડા સંબંધથી વાત વધુ વણસી હતી.. એ પછી વાયડા વાઈરસનો ત્રાસ હળવો થતાં લોકડાઉન આંશિક રીતે હળવું થયું.

કામકાજ પુન: આરંભ થયાં. ફરી જૂનાં અચ્છે દિન પરત આવ્યાનો અણસાર મળ્યો ત્યાં કોવિડે ફરી ઉથલો માર્યો ને ફરી લોકડાઉન..આ વાઈરસની બીજી લહેર હજુ પૂર્ણ રીતે કાબૂમાં આવી નથી ત્યાં થર્ડ વેવ -એની ત્રીજી લહેર કે પ્રકોપના ડરામણાં વાવડ છે. આ બધાં વચ્ચે, તબીબી ક્ષેત્રના સંશોધનકારો-નિષ્ણાતો અને મોટાભાગની પ્રજાએ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે કે હવે આપણે લાંબો સમય કોરોના સાથે જ રહેવાનું છે એટલે એને સાથે- સમાંતરે રાખીને પણ આપણી જિંદગી આગળ ધપાવવાની છે.. આ સ્થિતિ- પરિસ્થિતમાં આપણે કરવાનું શું ? આ પ્રશ્ન થોડો અટપટો છે, કારણ કે તમે જયાં જોબ કરો છો એ ફર્મ-કંપનીના કર્તા-હર્તા ( કે માલિક) શું વિચારે છે અને તમે એટલે કે કર્મચારી શું વિચારો છો?

આ વિશે હમણાં એક વિસ્તૃત સર્વે થયો છે. આમાં દેશ ઉપરાંત વિદેશોમાંય બહોળો બિઝનેસ કરતી અનેક કંપનીનો સમાવેશ થાય છે. આશરે ૨૫૦ જેટલી આવી કંપનીઓમાંથી ૮૫ % કંપનીઓના સંચાલકોએ એવી ભાવના વ્યકત કરી કે કોવિડની આ મહામારી જો આ રીતે ચાલતી રહી તો ઑફિસ સ્થળેથી દૂર રહીને પણ કામ-ધંધો તો ચલાવવો જ પડશે..’ઓફિસથી દૂર’ નો બીજો અર્થ થયો WFH એટલે કે ‘વર્ક ફ્રૉમ હોમ’… જો કે, આમાંથી ઘણી ફર્મ -કંપનીના ધંધા -વ્યવસાય એવા પણ છે, જે સાવ ઘેર બેસીને ન જ થઈ શકે.

આવી કંપનીઓ ‘હાઈબ્રિડ’ વ્યવસ્થા અમલમાં મૂકી શકે. આ ‘હાઈબ્રિડ’ એટલે મિશ્ર આયોજન, જેમાં સતત ઘેર રહીને જ કામ કરવાને બદલે સપ્તાહના ૨-૩ દિવસ થોડા કલાક માટે ઑફિસ જઈ ડયૂટી બજાવવાની.. અલબત્ત, આ સર્વેમાં હજુ પણ જોઈએ એ રીતે સ્પષ્ટ ચિત્ર નથી ઉપસતું કે કોરોનાના અત્યારના માહોલમાં ઘેરથી જ કામ ચાલુ રાખવું કે પછી થોડા કલાક ઑફિસ ને બાકીના કલાક ઘેર રહી કામગીરી બજાવવી….આ સર્વેનાં કેટલાંક તારણ અનુસાર ૩૬ % કંપનીઓ કહે છે કે એક વાર આ મહામારીનાં વળતાં પાણી થાય તો પહેલાંની જેમ એમનો પૂરો સ્ટાફ ઑફિસમાં હાજર રહી કામગીરી બજાવે.

તો ૩૪ % ફર્મનો એવો અભિપ્રાય છે કે ‘હાયબ્રિડ’ પધ્ધતિ અજમાવીને કોરોનાએ જે ધંધાકીય – આર્થિક તારાજી સર્જી છે એમાંથી બેઠાં થઈ જવું તો અમુક કંપનીવાળા હજુ અવઢવમાં છે. એમનું કહેવું એ છે કે અમારા કર્મચારી જે નક્કી કરે તે ખરું . જે રહી ગઈ એ કંપનીના કર્તાહર્તા એવું નક્કી કરીને બેઠા છે કે ‘પડ્યા તેવા દેવાશે’ ! આ માહોલમાં જોબ કરવાની સાથે ઘેર ગૃહિણીનીય ભૂમિકામાં બરાબરની ગોઠવાઈ ગયેલી મહિલાઓની સ્થિતિ સમજવા જેવી છે. ઘરકામ પતાવી ઑફિસ પહોંચી જોબમાંય આગળ વધવાનાં પોતાનાં સપનાં સાકાર કરવાં ઈચ્છતી મહિલાઓ ‘વર્ક ફ્રૉમ હોમ’ની પરિસ્થિતિમાં મૂંઝવણ અનુભવે છે.

‘ઘર એટલે ઘર અને ઑફિસ એટલે ઑફિસ’ એવી દ્રઢ મનોવૃત્તિ કેળવીને બેઠેલી મહિલા માટે ઘેર રહીને ઑફિસનું કામ કરવું આકરું પડે છે. લાંબા સમયથી ઑફિસનું કામ ત્યાં જઈને જ કરવા ટેવાયેલી સ્ત્રીની દિનચર્યા આ લોકડાઉનમાં વેરવિખેર થઈ ગઈ છે. એક તારણ મુજબ, ૧૦માંથી ૭ મહિલા માને છે કે લોકડાઉન અને ‘વર્ક ફ્રૉમ હોમ’ ને કારણે જોબમાં એમના આગળ વધવાની તકમાં તિરાડ પડી ગઈ છે. એમને એક બીજો ભય પણ પજવે છે નોકરી-જોબ ગુમાવવાનો. પ્રથમ લોકડાઉન પછી પ્રગટ થયેલા આંકડા મુજબ, નોકરી ગુમાવવાની શક્યતા પુરુષ કરતાં ૭ ગણી વધુ સ્ત્રીની હોય છે. એમાંય જો સ્ત્રી પરિણીત હોય તો જોબ ગુમાવાની શકયતા વધુ.

આમ તો આ કોરોના બહુરૂપિયો છે. અલગ અલગ સ્વાંગ સજવામાં પારંગત છે, છતાં થોડાક દિવસોથી કોરોનાનો સંતાપ ઘટી રહ્યો હોય એવાં દિદાર ને વાવડ છે ત્યારે પેલો પ્રશ્ન ઊભો જ છે : ‘વર્ક ફ્રોમ હોમ કે પછી ઑફિસ ? ‘ આ તો કોરોના સમયમાં જખ મારીને આપણે બધાંએ ઘેર બેસવું પડે છે. બાકી માણસ માત્રને (પછી એ સ્ત્રી હોય કે પુરુષ) મુક્ત મને વિચરવું ગમે. અમુક અપવાદ બાદ કરતાં પુરુષને મન એની ઑફિસ એટલે અમુક પ્રકારની મુક્તિ- આઝાદીનું પ્રતીક. કામની સાથે ટોળટપ્પાં-પંચાત ને ઑફિસથી છૂટીને બિયરની ચુસ્કીનાં ‘હેપ્પી અવર્સ’ .. બધાં જ ટેન્શનનું મારણ જાણે ! એમાંય જુવાન હૈયાંઓ માટે તો ઑફિસ રોમાન્સ ને પેલી થોડી સી બેવફાઈ જેવું ફલર્ટિંગ…. વાહ, જિંદગી ! -પણ ,કમબખ્ત કોરોનાએ આ બધાંનો નિર્મમ ભોગ લીધો છે.

Most Popular

To Top