Comments

અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સપડાશે?

૨૦૨૪નું વર્ષ સાઈઠ દેશોમાં ચૂંટણીઓનું વર્ષ છે, જેમાં ભારત અને અમેરિકા બંનેનો સમાવેશ થાય છે. ચૂંટણી પહેલાં અમેરિકન અર્થવ્યવસ્થા ૨૦૨૪ના વર્ષ દરમિયાન રોજગારી તેમજ ફુગાવો બંને મોરચે બાઇડેન સરકારને વેઠવું પડે તેવું કંઈ થાય તે પ્રકારની ગતિવિધિઓમાંથી પસાર નહીં થાય એવી ચર્ચાઓ માધ્યમોમાં થતી રહી છે. તાજેતરમાં ફેડરલ રિઝર્વ એટલે કે અમેરિકાની સેન્ટ્રલ રિઝર્વ બેન્ક દ્વારા જે સમાચારો બહાર આવ્યા છે તે મુજબ ફેડ પોતાના રેટ નજદીકના સમયમાં ઘટાડે એવી કોઈ શક્યતા નથી.

ઉપલબ્ધ માહિતી મુજબ બજારો ૨૦૨૪માં ફેડ પાસેથી એક કરતાં વધારે વ્યાજદરમાં કાપની અપેક્ષા રાખી રહ્યા છે અને આમ છતાંય ફેડ વ્યાજદરો ન ઘટાડે એવી શક્યતાઓ ઉજ્જવળ છે. અમેરિકન અર્થવ્યવસ્થા કરવામાં આવેલા વર્તારા કરતાં વધારે વૃદ્ધિ હાંસલ કરી રહી છે. બેરોજગારી પ્રમાણમાં નીચી છે અને તાજેતરમાં બહાર આવેલ ફુગાવાના આંકડા પણ કાંઈ ખરાબ નથી. આ સંજોગોમાં લાંબા ગાળા સુધી વ્યાજના દર ઊંચા રાખવા માટે ફેડ પાસે મજબૂત કેસ છે.

ગયા વર્ષના અંતે શેરબજાર ગરમ હતું. લેબર માર્કેટ પણ તંદુરસ્ત રહ્યું. વપરાશકારો હજુ પણ ખર્ચ કરી રહ્યા હતા અને અગાઉ રજૂ કરવામાં આવેલ મંદીના આંકડા લગભગ એમ જ હતા. આમ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે જે ધારણાઓ મૂકીને વર્તારો કરવામાં આવ્યો હતો તેને અનુરૂપ રહેશે તે બાબતમાં કોઈ શંકા નથી. હા, એક વાત હતી, વૉલસ્ટ્રીટ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ૨૦૨૪થી ૬ વ્યાજકટની ધારણા મૂકીને બેઠું હતું. પણ જેરોમ પૉવેલ અને એના સાથીઓએ આ અપેક્ષાનો ભુક્કો બોલાવી દીધો છે. હાલ પૂરતા ફેડરલ દ્વારા કોઈ વ્યાજ ઘટાડો થાય તેવું દેખાતું નથી. અમેરિકન શૅરબજારમાં શૅર અત્યાર સુધીની ભાવમર્યાદાને તોડીને આકાશને આંબવા મથી રહ્યા છે.

બેરોજગારીનો દર ઐતિહાસિક નીચી સપાટીએ છે. હાઉસિંગ માર્કેટની કિંમતો ૨૦૧૯ની સરખામણીએ ૪૭ ટકા વધી છે. આમ છતાંય સીટી બૅન્કના ચીફ ઇકોનોમિસ્ટ કહે છે કે, ૨૦૨૪ના અધવચ્ચે અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સપડાશે. એમના મંતવ્ય પ્રમાણે અર્થવ્યવસ્થાનો જે કંઈ ડેટા ઉપલબ્ધ છે તે અત્યારે અમેરિકન અર્થવ્યવસ્થા મજબૂત હોવાનો અને એ મજબૂતાઈ જળવાઈ રહેવાનો અહેસાસ કરાવે છે પણ ૨૦૨૪ના મધ્ય બાદ આ અર્થવ્યવસ્થા ગોથું ખાશે અને એ મંદીમાં સપડાશે. તાજેતરમાં આવેલ અમેરિકન અર્થવ્યવસ્થામાં ફુગાવા અંગેનો રિપોર્ટ પણ ૨૦૨૪ના કેમ્પેન માટેનો એક મુદ્દો બનશે. છેલ્લા દોઢ વર્ષથી ફુગાવો સતત ઘટી રહ્યો છે અને એના કારણે અમેરિકન અર્થવ્યવસ્થાનો મૂડ હકારાત્મક રહેવા પામ્યો હતો પણ તાજેતરના જે આંકડા બહાર આવ્યા છે તે મુજબ ફુગાવો ધાર્યા કરતાં વધી રહ્યો છે.

કોવિડ કાળમાં આપવામાં આવેલા સ્ટીમ્યુલર્સ પ્રોગ્રામને કારણે અર્થવ્યવસ્થા સુધરી. કોવિડના કારણે ઊભી થયેલ બેરોજગારી કામચલાઉ હતી એટલું જ નહીં પણ સામાન્ય અમેરિકન કુટુંબનાં નાણાંકીય સાધનો કોવિડકાળ દરમિયાન સુધર્યાં. મહામારી દરમિયાન સપ્લાય ચેઇનને જે અસર થઈ, ઘટતો જતો પુરવઠો અને ઊંચી માંગને કારણે ભાવો વધ્યા તેને પરિણામે ફુગાવો વધ્યો. આને કારણે ગ્રાહકોનો ભાવાંક વધ્યો છે. એક વખત ફુગાવો વધે એટલે તે વર્ષો સુધી ચાલુ રહે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે હવે ફુગાવો વધશે અને ચીજવસ્તુઓ મોંઘી થશે.

જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન અર્થવ્યવસ્થા તંદુરસ્ત રહી છે. તાજેતરના અર્થવ્યવસ્થાના અહેવાલમાં વાર્ષિક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ૩.૪ ટકા હતો તે ઘટીને જાન્યુઆરીમાં ૩.૧ ટકા થયો છે તે જોતાં ફુગાવો ઘટે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. આની સાથે સાથે રોજગારી પણ વધી છે અને એ રીતે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ની સ્થિતિએ અમેરિકન અર્થવ્યવસ્થા સાવ મંદીમાં જતી રહેશે એવું આ બહાર પડેલા અહેવાલ પરથી લાગતું નથી. ચૂંટણીના વર્ષમાં અમેરિકન અર્થવ્યવસ્થા કઈ તરફ જાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top