Editorial

હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન હાફિસ સઇદને પરત નહીં મોકલે તો ભારતે ઊંચકી લાવવો જોઇએ

ઈરાને ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. ઈરાનના મીડિયા અનુસાર, આ વખતે ઈરાનની સેનાએ ગ્રાઉન્ડ એટેક કરીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ટોપ કમાન્ડરને મારી નાંખ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનની સરહદ પર એર સ્ટ્રાઈક કરી હતી, જે બાદ પાકિસ્તાને પણ ઈરાન પર જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સેનાએ પાકિસ્તાની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ટોચના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના અન્ય ઘણા સાથીદારોને મારી નાખ્યા છે.

જૈશ અલ-અદલની સંગઠનની સ્થાપના વર્ષ 2012માં કરવામાં આવી હતી. જૈશ અલ-અદલ એક સુન્ની સંગઠન છે, જે ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત છે. ઈરાન સરકાર આ સંગઠનને આતંકવાદી સંગઠન માને છે. આ સંગઠન ઈરાનમાં થયેલા અનેક હુમલામાં સામેલ હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ હુમલામાં 11 પોલીસ જવાનો માર્યા ગયા હતા. આ હુમલા પાછળ જૈશ અલ-અદલનો હાથ હોવાનું જાણવા મળ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીરિયામાં ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અને સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં ઈરાનની સેના દ્વારા સુન્નીઓની કથિત હેરાનગતિનો બદલો લેવા જૈશ અલ-અદલની રચના કરવામાં આવી હતી. જૈશ અલ-અદલ ઇરાનના સુન્નીઓ માટે સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતને આઝાદ કરવા માંગે છે, જેથી બલૂચ લોકોને ત્યાં વધુ અધિકાર મળી શકે. બલૂચિસ્તાનના બળવાખોર સંગઠનો ઈરાન અને પાકિસ્તાન સામે આઝાદીની લડાઈ ચલાવી રહ્યા છે. આ જ કારણ છે કે આ બળવાખોર સંગઠનો પાકિસ્તાન પર હુમલો કરીને ઈરાનની સરહદમાં ઘૂસી જાય છે. એક જ રીતે ઈરાન પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ પાકિસ્તાનની સરહદમાં ઘસી જાય છે. અગાઉ પણ ઈરાન અને પાકિસ્તાન એકબીજાની સરહદ પર આ વિદ્રોહી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂક્યા છે.

થોડા સમય પહેલા બંને દેશો વચ્ચે આ અંગે તણાવ વધ્યો હતો, પરંતુ તે પછી બંને દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ બંને દેશો સુરક્ષાના મામલામાં સહયોગ વધારશે. પાકિસ્તાન પર થતાં એક પછી એક હુમલાથી એ તો સાબિત થઇ ગયું જ છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ આપનાર સૌથી મોટો દેશ છે. આ વાત ભારત વર્ષોથી બૂમો પાડી પાડીને કહી રહ્યું હતું પરંતુ તે સમયે દુનિયાના દેશો ગાંધારીની ભૂમિકામાં આવી ગયા હતાં. ગાંધારી એ મહાભારતનું એવું પાત્ર છે કે, જેની આંખ તો છે પરંતુ તે આંખે પાટા બાંધી દે છે. આતંકવાદના મુદ્દે પાકિસ્તાન માટે પણ દુનિયાના દેશોની આવી જ હાલત હતી. જો કે, પાકિસ્તાનમાં હવે કોઇપણ દેશ આવીને ગમે ત્યારે સૈન્ય કાર્યવાહી કરી જાય છે.

સૌથી પહેલા અમેરિકાએ પાકિસ્તાનમાં એક સૈન્ય ઓપરેશન કરીને ઓસામા બિન લાદેનને પકડી લીધો હતો. પાકિસ્તાનમાં જ્યારે સૂર્યની પહેલી કિરણ પડી ત્યારે ખબર પડી કે અમેરિકાની નેવીસીલ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાંથી જ ઉપાડી ગઇ છે. આ સમાચારે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા હતાં. તે સમયે પણ આ વાત સાબિત થઇ ગઇ હતી કે અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ અને અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં શરણ લઇ રહ્યો હતો. તેને એવું લાગતું હશે કે પાકિસ્તાન જ આતંકવાદીઓ માટે સૌથી સલામત સ્થળ છે. તે સમયે પાકિસ્તાન સમસમી ઉઠ્યું હતું પરંતુ અમેરિકાની સામે તેણે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો. ત્યાર પછી ભારતે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.

કાશ્મીરના પુલવામામાં એક આતંકવાદી હુમલામાં ભારતના 45 જેટલા જવાન શહિદ થઇ ગયા હતાં અને તેનો બદલો લેવા માટે ભારતે આ કાર્યવાહી કરી હતી. જો કે, તે સમયે પાકિસ્તાને આવી કોઇ સ્ટ્રાઇક થઇ હોવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે, જો તે સ્વીકારે તો દુનિયામાં તેની ઇજ્જતના ધજાગરા ઉડી જાય તેમ હતું. અને હવે એક જ મહિનામાં ઇરાને બે વખત પાકિસ્તાનમાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરી છે છતાં પાકિસ્તાન હરફ ઉચ્ચારવાની સ્થિતિમાં નથી. એક વખત તો પાકિસ્તાનના એક મંત્રીએ કહી દીધું હતું કે અમે અણુબોમ્બ દીવાળીમાં ફોડવા માટે નથી બનાવ્યા. તેનું આ વાક્ય ભારતને સંભળાવવા માટેનું હતું. તો હવે સવાલ એ છે કે, ઇરાને જ્યારે બે વખત પાકિસ્તાનમાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરી છે ત્યારે આ મંત્રી કઇ બખોલમાં ઘૂસી ગયા છે.

ભારતે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. તેવો દાવો બે મહિના પહેલા પાકિસ્તાનના મીડિયા દ્વારા કરવામાં આવ્યો હતો.ઈસ્લામાબાદ પોસ્ટે ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટના અહેવાલમાં રાજદ્વારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે – પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી સત્તાવાર વિનંતી મળી છે. જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

તો ભારતે પણ આ બાબતે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હાફિઝ સઈદ હાલ જેલમાં છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોએ પણ ખુલાસો કર્યો છે કે સઈદ જેલમાં નથી, પરંતુ તેના ઘરે છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની દેખરેખ હેઠળ તે જેલમાં રહેવાને બદલે ઘરે જ રહે છે તેના મજબૂત પુરાવા છે. સઈદ લગભગ ચાર વર્ષથી કોઈ જાહેર મંચ પર જોવા મળ્યો નથી. હાફિસ સઇદ મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે અને ભારતમાં તેને 68 વર્ષની સજા થઇ છે. જો કે, હવે સમય આવી ગયો છે કે, ભારત પણ કોઇ ઓપરેશન કરીને હાફિસ સઇદને પાકિસ્તાનથી ઊંચકી લાવે. હવે હાથ બહુ વખત જોડી લીધા કાર્યવાહીનો સમય આવી ગયો છે.

Most Popular

To Top