SURAT

શું સુરતની એપીએમસી માર્કેટની જગ્યા ફરી બદલાશે? જાણો શું કહ્યું ચેરમેન રમણ જાનીએ

સુરત : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતે નાણાંકીય વર્ષ 2020-21 ની તુલનાએ 200 કરોડનો વધુ વેપાર કર્યો છે. સુરત એપીએમસીના (APMC) ચેરમેન રમણ જાની (Raman Jani) અને ઉપપ્રમુખ સંદીપ દેસાઇએ (Sandip Desai) જણાવ્યું હતું કે, 2020-21 માં માર્કેટ યાર્ડએ (Market Yard) જ્યાં 86 લાખ ક્વિન્ટલ શાકભાજીના વેચાણ સાથે 1600 કરોડનો વેપાર કર્યો હતો. 2021-22 માં 1 કરોડ 5 લાખ ક્વિન્ટલ શાકભાજીના વેચાણ સાથે 1800 કરોડનો વેપાર થયો છે. જે ગત નાણાકીય વર્ષ કરતાં 200 કરોડ વધુ છે. સુરત એપીએમસીના માર્કેટ યાર્ડમાં હિમાચલના શિમલાથી વટાણા, મરચા, રાજસ્થાનથી ગાજર, વટાણા, મધ્યપ્રદેશથી મરચા, આદુ, મહારાષ્ટ્રથી કોબી, ફ્લાવર, ટામેટા, વટાણા, ડુંગળી, ફળસી, મરચા, લીંબુ આવે છે. કર્ણાટકથી ટામેટા, લીંબુ, યુપી, પંજાબ, ઉત્તર ગુજરાતથી બટાકા આવે છે. પરવળ અને ભીંડા સુરતથી મુંબઇ અને દિલ્હી માર્કેટમાં જાય છે.

ચાલુ વર્ષે USA, UAE, રશિયા, કેનેડા મેંગો પલ્પ એક્સપોર્ટ કરાશે
સુરત એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કેરીની ખરીદી કરી માર્કેટ યાર્ડના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં તૈયાર થયેલો મેંગો પલ્પ ચાલુ વર્ષે અમેરિકા, યુએઈ, કેનેડા અને દક્ષિણ કોરિયા ઍકસપોર્ટ કરવામાં આવશે.

શાકભાજીના વેસ્ટમાંથી ઉત્પન્ન થતો બાયોગેસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને આપવાનું શરૂ કરાયું
સુરત એપીએમસી દ્રારા માર્કેટ યાર્ડમાં નીકળતા લીલા શાકભાજીના કચરામાંથી બાયો ગેસ બનાવી ગુજરાત ગેસ કંપનીને વિતરણ કરવામાં આવતું હતું. હવે એપીએમસી દ્વારા ઇન્ડિયન ઓઇલ કંપનીને ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યોં છે. તાજેતરમાં વેસ્ટ શાકભાજીમાંથી બાયોગેસ અને લિકવિડ ખાતર બનાવનાર સુરત એપીએમસીના ફૂડ પ્રોસેસિંગ અને બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેવા કર્ણાટકના સહકાર મંત્રી, રાજસ્થાન, મહારાષ્ટ્રનું પ્રતિનિધિ સુરત આવ્યું હતું.

પલસાણાના હરિપુરા ગામે અનાજ- કઠોળ, ફળ અને ફૂલ માર્કેટ યાર્ડ ઊભું કરાશે
સુરત એપીએમસીના ચેરમેન રમણ પટેલ(જાની) અને ઉપપ્રમુખ સંદીપ દેસાઈએ ખેડૂતોને અનાજ, કઠોળ, ફૂલ અને ફળ ફળાદીના પોષણક્ષમ ભાવ મળે તે માટે પલસાણા તાલુકાના હરિપુરા ગામે અનાજ, કઠોળ માટે માર્કેટ યાર્ડ બનાવવા ગુજરાત સરકાર સમક્ષ જમીનની માંગ કરી છે. આ પ્રોજેક્ટ થકી ખેડૂતો સીધું અનાજ વેચી શકશે અને ગ્રાહકોને બજાર કરતા સસ્તું અનાજ મળી શકશે. સુરતમાં અત્યારે વેપારીઓના તળ સુરતમાં અનાજના ગોડાઉન છે જ્યાં વેપાર માટે મુશ્કેલીઓ નડી રહી છે.

Most Popular

To Top