Columns

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ભારતને સફળતા મળશે?

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ૮ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ કોઈ દેશ યુદ્ધમાં જીતતો હોય તેવું લાગતું નથી. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે માનવામાં આવતું હતું કે રશિયાનું સૈન્ય તેની રાક્ષસી તાકાત વડે યુક્રેનને અઠવાડિયામાં કચડી નાખશે, પણ તે માન્યતા ખોટી પુરવાર થઈ છે. યુદ્ધના પ્રારંભમાં યુક્રેને તેની ઘણી જમીન ગુમાવી તે પછી રશિયાનું લશ્કર તેની રાજધાની કીવ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું હતું. રશિયાને યુદ્ધને કારણે આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો, પણ તેનો ઉપયોગ કરીને તેણે યુરોપના દેશોને ઊર્જા માટે તડપતા કરી મૂક્યા હતા. રશિયા દ્વારા ગેસ અને ખનિજ તેલના પુરવઠામાં મૂકવામાં આવેલા કાપને કારણે યુરોપના અનેક દેશો કટોકટીનો સામનો કરી રહ્યા છે. જમીની યુદ્ધમાં રશિયા હારતું દેખાય છે, પણ આર્થિક યુદ્ધમાં રશિયાનો હાથ ઉપર છે. આ યુદ્ધના છાંટા અમેરિકાને પણ ઊડ્યા છે, કારણ કે રશિયા પરના પ્રતિબંધોને કારણે અનેક દેશો ડોલર છોડીને બીજાં ચલણો તરફ વળી રહ્યા છે. જો ડોલરના રિઝર્વ કરન્સી તરીકેના દરજ્જાનો અંત આવશે તો અમેરિકાના સામ્રાજ્યનો પણ અંત આવશે.

રશિયા અને યુક્રેને જોઈ લીધું છે કે આ યુદ્ધ ચાલુ રાખવામાં બંને પક્ષને નુકસાન છે; કોઈને ફાયદો નથી, પણ મામલો હવે અહંકાર પર આવી ગયો છે. જો કોઈ પણ પક્ષ એકપક્ષી રીતે યુદ્ધવિરામ કરે તો તેને નબળો ગણવામાં આવે, તેવો ડર સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોઈ મહાસત્તા બંને વચ્ચે મધ્યસ્થી કરાવી શકે તો યુદ્ધનો કંઈ નહીં તો કામચલાઉ અંત આવે તેવા સંયોગો ઉજળા છે. અહીં કરોડ રૂપિયાનો સવાલ એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરાવવાની ક્ષમતા ક્યા દેશમાં છે? અમેરિકા સીધી રીતે રશિયાના વિરોધમાં ઊતર્યું હોવાથી તે કોઈ સમાધાન કરાવી શકે તેમ નથી. આ પરિસ્થિતિમાં રશિયા અને યુક્રેન બંને સાથે મૈત્રી સંબંધો રાખનારા ભારતની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. જો ભારત મહેનત કરે તો આ યુદ્ધનો અંત નજીક લાવી શકે તેમ છે.

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર બે દિવસની રશિયાની યાત્રા પર જઈ રહ્યા છે ત્યારે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારત શાંતિદૂતની ભૂમિકા ભજવે તેવા સંયોગો ઊભા થયા છે. ગયા જુલાઈ મહિનામાં રશિયાએ યુક્રેનનાં બંદરો પર અટવાઈ ગયેલા લાખો ટન ઘઉં મુક્ત કરવાનો નિર્ણય કર્યો તેમાં પણ ભારતે પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  આ સોદો યુક્રેન અને તુર્કી વચ્ચે થયો હતો, પણ ભારતે રશિયા પર દબાણ આણ્યું તેને કારણે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન બંદરોનો ઘેરો ઉઠાવી લેવા માટે તૈયાર થયા હતા. તેના બે મહિના પછી રશિયાના લશ્કરે યુક્રેનના ઝાપોરીજઝિયામાં આવેલા અણુમથક પર હુમલો કર્યો ત્યારે જગતનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. જો કોઈ મોટી દુર્ઘટના થાય તો સમગ્ર યુરોપમાં કિરણોત્સર્ગ ફેલાઇ જવાનો ખતરો હતો ત્યારે ભારતે ફરીથી રશિયા પર દબાણ આણ્યું હતું અને રશિયાએ અણુમથક પરનો હુમલો રોકી દીધો હતો.

ભારત વિશ્વનો એક માત્ર મોટો દેશ છે, જે રશિયાનું મિત્ર હોવા છતાં યુક્રેન સાથે પણ ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે. યુનોમાં જ્યારે જ્યારે રશિયા બાબતમાં ઠરાવો થયા છે ત્યારે ત્યારે તેમાં મતદાનથી દૂર રહીને પોતાની તટસ્થતા જાળવી રાખી છે. રશિયા અને યુક્રેન વચ્ચે સમતુલા રાખવામાં ભારતની વિદેશનીતિની કસોટી થઈ છે, પણ ભારત તેમાં ઉત્તીર્ણ થયું છે. યુક્રેન હાલમાં યુદ્ધમાં હારેલી ભૂમિ પાછી જીતી રહ્યું હોવાથી તે યુદ્ધવિરામ કરવાના મૂડમાં નથી. રશિયા યુદ્ધમાં માર ખાઇ રહ્યું છે, પણ તે હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે યુક્રેન પર અણુબોમ્બ ફેંકવાના ખ્વાબ જોઈ રહ્યું છે. જો રશિયા યુક્રેન પણ અણુહુમલો કરે તો પશ્ચિમના દેશો તેના ટેકામાં આવીને ઊભા રહી જાય, જેને કારણે ત્રીજા વિશ્વયુદ્ધ જેવો માહોલ પેદા થઈ શકે છે. આ સંયોગોમાં રશિયાને અને યુક્રેનને યુદ્ધની નિરર્થકતા સમજાવવાની તાકાત માત્ર ભારત ધરાવે છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આંતરરાષ્ટ્રીય મુત્સદીગીરીમાં જે નામ કાઢ્યું છે, તેને કારણે આ સંભાવના વધી ગઈ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તેના કેટલાક સમય પછી ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ માર્કોને ભારતને સાથે રાખીને રશિયાને યુદ્ધવિરામ માટે સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પણ તેને સફળતા મળી નહોતી. ત્યારથી ભારતને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકે તેવા દેશ તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ફોરમમાં રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા ત્યારે તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે યુદ્ધથી કોઈ ફાયદો નથી. ભારતના વડા પ્રધાનનો આ સંદેશો દુનિયાભરનાં પ્રસાર માધ્યમોમાં ચમક્યો હતો.

ભારતના વિદેશ પ્રધાન જયશંકર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ સંદેશો લઈને રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રશિયાના વિદેશ પ્રધાન સેરેગી લાવરોવ ઉપરાંત રશિયાના નાયબ વડા પ્રધાન અને વેપાર પ્રધાન ડેનિસ મંતુરોવને પણ મળવાના છે. તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને મળશે કે કેમ? તે બાબતમાં કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પણ તેઓ પુતિનને મળશે, તેવું મનાઈ રહ્યું છે. જયશંકરની રશિયાની મુલાકત પછી તરત તા.૧૫-૧૬ નવેમ્બર દરમિયાન બાલીમાં જી-૨૦ના દેશોની બેઠક છે, જેમાં યુદ્ધ શરૂ થયું તે પછી પહેલી વાર રશિયાના પ્રમુખ પુતિન અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેન મળવાના છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહેવાના છે. આ શિખરપરિષદ દરમિયાન રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ મોટી સંધિ થવાની હોય તો તેની પૂર્વભૂમિકા એસ. જયશંકર રશિયામાં તૈયાર કરી શકે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે ઘણી સમાનતા છે. બંને નેતાઓને બાહુબલિ તરીકે જોવામાં આવે છે અને તેઓ પોતપોતાના દેશોમાં ભારે લોકપ્રિયતા પણ ધરાવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ તબક્કે ફોન કરીને પુતિન સાથે વાત કરી શકે છે. આ કારણે જ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ માર્કોને નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા સમજાવ્યા હતા. ત્યારે યુદ્ધનો પ્રારંભ જ થયો હોવાથી રશિયા વધુ પડતા આત્મવિશ્વાસમાં હતું. હવે તેને યુક્રેન પર વિજય મેળવવો કેટલો કઠિન છે? તે સમજાઈ ગયું છે. યુરોપમાં શિયાળો બેસી ગયો છે. રશિયાનો ગેસ મોંઘો થઈ ગયો હોવાથી યુરોપના દેશોમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. બ્રિટનનું અર્થતંત્ર કટોકટીમાં સપડાઈ ગયું તેને કારણે વડા પ્રધાન બદલવા પડ્યા છે. ફ્રાન્સમાં મોંઘવારી સામે જબરદસ્ત આંદોલન ચાલી રહ્યું છે. હજારો લોકો રસ્તાઓ પર આવી ગયા છે. તેઓ નાટોમાંથી બહાર નીકળવાની માગણી કરી રહ્યા છે. જર્મનીમાં પણ ઊર્જાની કટોકટી પેદા થઈ છે.

યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત તંગ દોર પર નર્તન કરી રહ્યું છે. નાટોના દેશો દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારે ભારતે મોટા પ્રમાણમાં રશિયાનું ખનિજ તેલ ખરીદીને તેને મદદ કરી હતી, જેને કારણે અમેરિકા તેમ જ યુક્રેન નારાજ થઈ ગયા હતા, પણ યુનોમાં રશિયાની વિરુદ્ધમાં કે તરફેણમાં મતદાન કરવાથી દૂર રહીને ભારતે પોતાની તટસ્થતા પુરવાર કરી આપી હતી. ભારત રશિયા ઉપરાંત અમેરિકા સાથે પણ નિકટનો નાતો ધરાવે છે. અમેરિકા ભારતનું ટ્રેડ પાર્ટનર છે તો રશિયા શસ્ત્રોનું સપ્લાયર છે. ભારતને ઇતિહાસે બહુ મોટી ભૂમિકા ભજવવાની તક આપી છે.

Most Popular

To Top