Sports

શું ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ જશે?

નવી દિલ્હી: આજે (25 સપ્ટેમ્બર) હૈદરાબાદમાં (Hyderabad) ટીમ ઈન્ડિયા (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે T20 મેચ રમાવાની છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. જ્યાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું. બીજી T20 મેચમાં ભારતે છ વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચ સીરિઝની દૃષ્ટિએ નિર્ણાયક બની ગઈ છે.

હૈદરાબાદનું હવામાન કેવું રહેશે?
ત્રીજી T20 મેચમાં પણ વરસાદ થોડો પરેશાન કરી શકે છે. મેચ દરમિયાન તાપમાન લગભગ 25-27 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને પવન 19 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. લગભગ 59% વાદળછાયું છે અને વરસાદની 55% શક્યતા છે. જો કે, હૈદરાબાદમાં સાંજે 5 વાગ્યાની આસપાસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મેચ દરમિયાન વરસાદની સંભાવના ઘણી ઓછી છે. ટોસ જીતનારી ટીમ ચોક્કસપણે કોઈપણ ખચકાટ વિના બેટિંગ કરવાનું પસંદ કરશે.

રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે ખૂબ જ અનુકૂળ છે. બંને ટીમો પાસે કેટલાક મોટા હિટર્સ છે, તેથી મોટા સ્કોરનું અનુમાન કરવું ખોટું નથી. હૈદરાબાદના મેદાન પર 2019થી કોઈ આંતરરાષ્ટ્રીય કે IPL મેચ રમાઈ નથી. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી, જેમાં રનોનો વરસાદ થયો હતો.

ચહલ-હર્ષલ ફોર્મમાં પરત ફરવા માંગશે
આ મેચમાં તમામની નજર હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ પર રહેશે, જેઓ અત્યાર સુધી બિનઅસરકારક સાબિત થયા છે. ભારતે ભલે નાગપુરમાં જીત નોંધાવીને સિરીઝ બરાબરી કરી લીધી હોય, પરંતુ હર્ષલ અને ચહલનું ફોર્મ ચિંતાનો વિષય બની ગયું છે. ભારતીય ટીમ આ બંનેને T20 વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પરત ફરતા જોવા માંગે છે. જસપ્રિત બુમરાહનું વાપસી ભારત માટે સારા સમાચાર છે પરંતુ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. ભુવનેશ્વરને બીજી T20 મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું.

બધાની નજર કોહલી-રાહુલ પર રહેશે
બેટિંગમાં રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ તેમના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવાની જરૂર છે. સૂર્યકુમાર યાદવ પણ છેલ્લી મેચમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ રાહતની વાત એ છે કે હાર્દિક પંડ્યા સતત સારી મેચ રમી રહ્યો છે. ભારતના બેટ્સમેનોની બીજી નબળાઈ લેગ સ્પિન છે, જેનો એડમ ઝમ્પા ઘણો ફાયદો ઉઠાવી રહ્યો છે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ. દીપક ચહર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ એરોન ફિન્ચ (સી), સીન એબોટ, એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, એડમ ઝમ્પા .

Most Popular

To Top