Comments

કોમી તંગદિલીમાં કેમ વધારો થયો?

કોમી તંગદિલીમાં કેમ વધારો થયો? તેની પાછળ રાજકારણ જવાબદાર છે કે મોદીની વિકાસયાત્રા રોકવાની ચાલ છે? રાજસ્થાનના કાંકરોલીથી મધ્ય પ્રદેશના ખારગોવ અને દિલ્હીની જહાંગીરપુરી સુધી હિંદુઓની ધાર્મિક શોભાયાત્રા પર અચાનક થયેલા હુમલાને કારણે આઠ રાજયોમાં ઉત્સવની મોસમ દરમ્યાન કોમી તંગદિલીમાં ઓચિંતો વધારો થયો. આ ઘટનાઓએ ભારતની વિકાસ ગાથા અને મોદીના સૂત્ર ‘સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ સૂત્રને જોખમમાં મૂકવાનો ઉપક્રમ કર્યો છે.

વિચારકોનો એક પ્રભાવશાળી વર્ગ માને છે કે ઉત્તર પ્રદેશ અને અન્ય ચાર રાજ્યોની વિધાનસભાઓની તાજેતરમાં થયેલી ચૂંટણીઓથી જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત ભાગે આવનારી વિધાનસભાઓની ચૂંટણીઓનો પ્રચાર ‘ધ્રૃવીકરણ’ પાળેલો હતો તેથી તનાવમાં વધારો થયો. આમ છતાં અન્યો માને છે કે ભારતીય જનતા પક્ષ ફરી સત્તા પર આવતાં એક વર્ગનું ખમીર તૂટી ગયું છે અને તે મોદીની વિકાસ ગાથામાં પથરા નાંખી તેને ખોરવવા બહાર પડયો છે. આ વર્ગ કોમ વિખૂટી પડી ગઇ હોવાની લાગણીનો લાભ લઇને અને કોમ તેમજ ખોરાક, વસ્ત્રો અને રાજકીય પસંદગીના મામલે કેટલેક સ્થળે આયોજીત હુમલાથી પેદા થયેલી હતાશાને પગલે રાજકીય વર્ચસ્વનો ઘટાડાનો લાભ લઇ કોમને ‘હાઇજેક’ કરવા માંગતો હતો.

મોદી અને ભારતીય જનતા પક્ષ વિરોધીઓ એક હિંદુ સ્ત્રી સાથે પ્રવાસ કરનાર મુસલમાન પુરુષને મારવાની ઘટના, મુસ્લિમ ફેરિયાઓ પર હુમલા, મંદિરની હદમાં મુસ્લિમ દુકાનદારો પર પ્રતિબંધ તેમજ ટોળાંશાહી હત્યાની અગાઉની ઘટનાને દોષ દે છે. તેર વિરોધી રાજકીય પક્ષો, લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવાની વિનંતી કરવા સાથે ‘ધિક્કાર’ પ્રવચનો અને કોમી હિંસાની ઘટનાઓ માટે ધારણા મુજબ જ ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દોષ દીધો છે.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના નેતા શરદ પવાર, બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, તામિલનાડના તેમના સાથી એમ.કે. સ્તાલિન અને ઝારખંડના તેમના સાથી હેમંત સોરેન સહિતના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સમાજના ધૃવીકરણ માટે શાસક પક્ષ દ્વારા ખોરાક, પોષાક, ધર્મ, ઉત્સવ અને ભાષા સંબંધી મુદ્દાઓનો સમાજના ધૃવીકરણ માટે ઉપયોગ થઇ રહ્યો છે, જેથી કરીને લોકસભાની 2024 ની ચૂંટણીઓનાં પરિણામ ભારતીય જનતાપક્ષની તરફેણમાં આવે.

વિરોધ પક્ષના આ નેતાઓ તમામ ઘટનાઓમાં હિંદુ શોભાયાત્રાઓ પર તેમાં ભાગ લેનારાઓ દ્વારા કોમી ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર દ્વારા દેખીતી રીતે ઉશ્કેરાઇને નિશાન બનાવવા બાબતમાં મૌન છે. માત્ર શિવસેનાના સંસદ સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ ટવીટમાં આશ્ચર્ય વ્યકત કર્યું કે હિંદુ તહેવારોમાં હિંદુઓ દ્વારા નીકળતી શોભાયાત્રાને કેમ નીકળવા દેવી નહીં જોઇએ? યાત્રાઓ પ્રત્યે હિંસક પ્રતિક્રિયા અને તે પણ ભારતની રાજધાનીમાં આવું બને તે દિલગીરી પેદા કરે છે. જે ખોટું છે તે ખોટું છે અને તેને તમામે કોઇ પણ શરમ વિના વખોડી નાંખવું જોઇએ.

રામનવમીના દિવસે જુદાં જુદાં સ્થળોએ થયેલા હુલ્લડને પગલે વર્ગભેદ વધી જવાની ઘણાએ કોમી દહેશત વચ્ચે ભારતીય જનતા પક્ષના ઘણા નેતાઓ જે કહેતા હતા તેનો પ્રિયંકા ચતુર્વેદીના વકતવ્યોમાં પડઘો પડે છે. રસપ્રદ ઘટના એ છે કે નાણાંકીય વ્યવહારો બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસનો સામનો કરી રહેલા પ્રિયંકા ચતુર્વેદીના જ પક્ષના સાથીદાર સંજય રાઉતે ભગવાન રામના નામે કોમી આગ ભડકાવવા બદલ ભારતીય જનતા પક્ષનો ઉધડો લીધો હતો.

ભારતીય જનતા પક્ષ શાસક પક્ષ હોવાથી તે જૂની મત બેંકની વ્યૂહરચના મુજબ વિરોધ પક્ષ રમી રહ્યો હોવાનું ઝડપથી જોતો થયો અને તેણે કેટલાક અખતરાખોરો દેશને અસ્થિર કરવાની કામગરી કરી રહ્યા હોવાની શંકા પણ કરવા માંડી. દેશમાં રામનવમીના ઉત્સવના દિને ઘણા બધા પ્રદેશોમાં હિંસા થઇ તે જોતાં અગાઉથી વિચારેલી કોઇ યોજના હોવાનો ઇન્કાર કરી નહીં શકાય.

દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલાં રમખાણો એવું દર્શાવે છે કે 2020 ના ફેબ્રુઆરી-માર્ચમાં થયેલાં રમખાણોની જેમજ મુશ્કેલી પેદા કરવા માટે થયાં હતાં. હુલ્લડખોરોએ પોતાની અગાસીઓમાંથી પથ્થર અને પોલોટોલ કોકટેલ ફેંકયા હતા. રામનવમીની શોભાયાત્રા મસ્જિદો પાસે પહોંચી કે મુસ્લિમ બહુમતી વસ્તીવાળા વિસ્તારોમાં પહોંચી ત્યારે આ હુમલા થયા, જાણે હુલ્લડખોરોને સત્તાવાળાઓએ પરવાનગી આપી હોય. બીજી તરફ મુસલમાન નેતાઓ આક્ષેપ કરે છે કે યાત્રાની આગેવાની લેનાર જૂથો અમારી કોમને નિશાન બનાવી ‘અત્યંત ઉશ્કેરણીજનક’ સૂત્રોચ્ચાર કરતા હતા. પરિણામે અમારા ઉશ્કેરાયેલા યુવકોએ વળતા સૂત્રોચ્ચાર કરી હુમલા કર્યા હતા.

આ રમખાણોમાંથી બે વાત બહાર આવી છે. 1. બળતામાં ઘી હોમવાની પક્ષોની રમતને કારણે તીવ્રતા વધતી જાય છે. 2. કોમ આધારિત જૂથોમાં કટ્ટરપંથીઓ સંકળાવા માંડયા છે તેને અલગ રીતે નહીં જોઇ શકાય અને આ ગંભીર બાબત છે. આ સંદર્ભમાં રાજસ્થાનમાં દેખા દેનાર કેરળ આધારિત જૂથ પોપ્યુલર ફ્રંટ ઓફ ઇંડિયાની ભૂમિકા તપાસ હેઠળ આવી છે. કહે છે કે તા. 9 મી એપ્રિલે રાજસ્થાનના કરૌલીમાં હુલ્લડ થયા તેના બે દિવસ પહેલાં આ ફ્રંટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પત્ર લખી મુસ્લિમ વિસ્તારમાંથી રામનવમીની શોભા યાત્રા પસાર થાય ત્યારે તોફાન થવાની શંકા વ્યકત કરી હતી. કેરળના આ મોરચાની રાજસ્થાનમાં સૌ પ્રથમ વાર ઉપસ્થિતિ બહાર આવી હતી.

મુસ્લિમોતરફી વાત કરતા હોવાની અને નાગરિકતા સુધારા ધારા સામે 2018 માં દેખાવોનું આયોજન કરવા બદલ મુસ્લિમ યુવકો પોપ્યુલર ફ્રંટ તરફ આકર્ષાયા હતા. પછી માલવાનો અજંપો અને કર્ણાટકની હિજાબ ચળવળ ઉગ્ર બની છે. પોપ્યુલર ફ્રંટ પોતાનો ફેલાવો 20 રાજયોમાં લઘુમતીના હક્કોની વાત કરવા માટે વધ્યો હોવાનો દાવો કરે છે. બાબરી મસ્જિદના કાંડ પછી મુસ્લિમોના માથે હાથ ફેરવનારાઓની સંખ્યા વધી છે. આમાંથી એક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેક સંઘના ધોરણે ઇસ્લામિક સેવા સંઘ છે. જેના વડા અબ્દુલ નાસર મદનીની 1998 માં અડવાણીની રથયાત્રા પહેલાં 58 શખ્સોનો ભોગ લેનાર કોઇમ્બતોર ધડાકા સંબંધમાં ધરપકડ થઇ હતી.

53 શખ્સોનો ભોગ લેનાર દિલ્હીનાં હુલ્લડો બે વર્ષ થઇ ગયાં અને દિલ્હીની એક અદાલતે ભારતના ભાગલા પછીના સૌથી ખરાબ હુલ્લડ ગણાવ્યા હતા. તે જ વખતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા અને આ રમખાણને નાગરિકતા સુધારા ધારાના વિરોધીઓ અને તરફેણકર્તાઓ વચ્ચેની અથડામણ ગણાવાઇ. કદાચ મુસલમાનો માટે ભારતીય જનતા પક્ષે પણ મુસ્લિમોને આવકારવા હાથ પહોળા કરી આગળ આવવાનો સમય પાકી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top