Columns

સરકારના પોકળ દાવાઓ છતાં ભારતમાં કેમ ભૂખમરો વધી રહ્યો છે?

ભાજપના મોરચાની સરકારના રાજમાં ભારતમાં એક બાજુ અબજોપતિઓની સંપત્તિ વધી રહી છે તો બીજી બાજુ ભૂખમરો વધી રહ્યો છે. બ્લુમ્બર્ગના બિલિયનરી ઇન્ડેક્સના આંકડાઓ મુજબ ગૌતમ અદાણી દર કલાકે પોતાની સંપત્તિમાં ૭૫ કરોડ રૂપિયાનો ઉમેરો કરે છે. ૨૦૨૧ના ૧૪૨ દિવસમાં તેમની સંપત્તિમાં ૨.૫૬ લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી. કોરોના દરમિયાન ભારતની કરોડની વસતિ જ્યારે ગરીબી, બેકારી અને ભૂખમરાનો સામનો કરી રહી હતી ત્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં ૧૭૯નો વધારો થયો હતો.

આ રૂપિયા ક્યાંથી આવ્યા? તે જાણવું હોય તો જર્મનીની સંસ્થા વેલ્થહંગરહિલ્ફે દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાનો અભ્યાસ કરવો પડશે. આ આંકડાઓ મુજબ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત ૯૪માં સ્થાન પરથી સરકીને ૧૦૧માં સ્થાન પર ઊતરી ગયું છે. ૨૦૨૦માં કુલ ૧૦૭ દેશોનો હંગર ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતનું સ્થાન ૯૪મું હતું. ૨૦૨૧માં ૧૧૬ દેશોનો હંગર ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો તેમાં ભારતનું સ્થાન ૧૦૧મું હતું. હંગર ઇન્ડેક્સમાં સ્થાન પાછળ જતું જાય તેનો અર્થ વધુ ભૂખમરો સૂચવે છે. ભૂખમરાની બાબતમાં પાકિસ્તાન અને બાંગ્લા દેશ કરતાં પણ ભારત આગળ છે.

જર્મનીની સંસ્થા દ્વારા જે હંગર ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, તેમાં દરેક દેશને ૦થી ૧૦૦ વચ્ચે ગુણ આપવામાં આવે છે. જે દેશને ૦ ગુણ મળ્યા હોય તેમાં ભૂખમરો બિલકુલ નથી તેવું માની લેવામાં આવે છે. જેમ ભૂખમરો વધતો જાય છે તેમ ગુણ પણ વધતા જાય છે. ૨૦૨૧માં ભારતને ૨૭.૫ ગુણ મળ્યા હતા, જ્યારે પાકિસ્તાનને ૨૪.૭ ગુણ મળ્યા હતા. હંગર ઇન્ડેક્સમાં ભારત ૧૦૧માં સ્થાને છે, જ્યારે બાંગ્લા દેશ ૭૬માં અને પાકિસ્તાન ૯૨માં સ્થાને છે.

ચીન, બ્રાઝિલ અને કુવૈત જેવા ૧૮ દેશોમાં સૌથી ઓછો ભૂખમરો છે. તેમનો સ્કોર પાંચ કરતાં ઓછો છે. આ હંગર ઇન્ડેક્સને કારણે ભાજપના મોરચાની સરકારના પોકળ દાવાઓની પોલ છતી થઈ ગઈ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ નક્કી કરવા માટે સરકાર દ્વારા અધિકૃત રીતે બહાર પાડવામાં આવેલા આંકડાઓનો આધાર જ લેવામાં આવે છે. તેના મુખ્ય ચાર માપદંડો છે. (૧) બાળકોમાં કુપોષણનું પ્રમાણ (૨) પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની ઊંચાઇના પ્રમાણમાં ઓછું વજન (૩) પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઇ અને (૪) બાળમરણદર. જે ૧૧૬ દેશોનો સર્વે કરવામાં આવ્યો તેમાં ભારતમાં ઊંચાઇના પ્રમાણમાં બાળકોનું વજન સૌથી ઓછું હતું. ભારતનાં ૧૭.૬ ટકા બાળકો આ બાબતમાં
પછાત હતાં. 

ભારતનાં ૩૪.૭ ટકા બાળકો એવાં છે કે જેમની ઉંમરના પ્રમાણમાં તેમની ઊંચાઇ ઓછી છે. ભારતમાં જન્મ ધારણ કરતાં દર ૧૦૦ બાળકો પૈકી ૩.૪ બાળકો પાંચ વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં મરણ પામે છે. જો માતાને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછી યોગ્ય પોષણ ન મળ્યું હોય તો બાળક કુપોષણનો ભોગ બને છે. આ કારણે હંગર ઇન્ડેક્સ નક્કી કરતી વખતે બાળકોના આંકડા ધ્યાનમાં લેવામાં આવે છે. બાળકને તેના જન્મના ૧,૦૦૦ દિવસમાં જે પોષણ મળે છે તેના પર તેના જીવનનો આધાર હોય છે. જો ૧,૦૦૦ દિવસમાં પૌષ્ટિક આહાર ન મળે તો બાળક જીવનભર માટે નબળું રહી જાય છે.

છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન ભારતનું અનાજનું ઉત્પાદન ૧૯.૮ કરોડ મેટ્રિક ટનથી વધીને ૨૬.૯ કરોડ મેટ્રિક ટન પર પહોંચી ગયું છે. જો આટલાં અનાજનું બરાબર વિતરણ કરવામાં આવે તો ભારતનો કોઈ નાગરિક ભૂખ્યો રહેવો જોઈએ નહીં, પણ તેમ કરવામાં આપણી સરકાર નિષ્ફળ ગઈ છે. ૨૦૧૩માં યુપીએ સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો તેમાં ભારતનાં ગામડાંઅની ૭૫ ટકા અને શહેરોની ૫૦ ટકા વસતિને આવરી લેવામાં આવી હતી.

આ કાયદા મુજબ ભારતના ૬૭ ટકા લોકોને સરકારની સસ્તા કે મફત અનાજની યોજનાનો લાભ મળવો જોઇતો હતો, પણ હકીકત કાંઇક અલગ છે. સરકારની યોજના મુજબ ભારતના ૯૦ કરોડ લોકોને સરકારી યોજનાનો લાભ મળવો જોઈતો હતો, પણ તુમારશાહીને કારણે ૮૦ કરોડ લોકોને જ તેનો લાભ મળી રહ્યો છે, જે ભારતની વસતિના ૫૯ ટકા છે. બાકીના ૪૧ ટકા લોકોને લાભ મળતો નથી. ૪૦ કરોડ લોકો તો એવા છે કે જેમને સસ્તા અનાજની યોજનાનો બિલકુલ લાભ મળતો નથી. તેઓ બધા શ્રીમંત નથી. તેમાં ગરીબ અને નીચલા મધ્યમ વર્ગનો પણ સમાવેશ થાય છે. કરોડો ગરીબો એવા છે કે જેમને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરતાં નથી આવડતું, માટે તેમને સરકારી યોજનાનો લાભ મળતો નથી. ગરીબો માટેનું અનાજ ખુલ્લા બજારમાં વેચાઈ રહ્યું છે.

ભારતમાં અનાજનું પૂરતું ઉત્પાદન થાય તેટલા માત્રથી ભૂખમરાનો અંત આવી જવાનો નથી. તે અનાજ ગરીબોના પેટ સુધી પહોંચવું જોઇએ. તેમાં ભારત સરકારની યંત્રણા નિષ્ફળ ગઈ છે. ભારત સરકાર દ્વારા ગરીબોને વહેંચવા માટે કરોડો ટન અનાજની ફાળવણી કરી દેવામાં આવે છે, પણ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ તે અનાજ લોકો સુધી પહોંચવા દેતા નથી. રેશનની દુકાન પર સ્ટોક ખાલીનાં પાટિયાં ઝૂલતાં હોય છે, પણ પાછલાં બારણેથી અનાજ બેનંબરમાં વેચી મારવામાં આવે છે. તે કૌભાંડમાં ખાનગી વેપારીઓ ઉપરાંત ટોચના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. ભૂતિયા રેશન કાર્ડ નાબૂદ કરવાને બહાને કરોડો રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં સૂકા ભેગું લીલું પણ બળી ગયું હતું. જે ગરીબો પાસે દસ્તાવેજો નહોતા તેમનું અનાજ બંધ કરવામાં આવ્યું હતું.

ભારતમાં ભૂખમરાનું બીજું કારણ લોકોની ખરીદશક્તિમાં થયેલો ઘટાડો છે. કોરોના અને લોકડાઉનને કારણે છેલ્લાં એક વર્ષમાં ભારતમાં રોજના ૧૫૦ રૂપિયાથી ઓછું કમાતા હોય તેવા ગરીબોની સંખ્યા બમણી થઈ ગઈ છે. વિશ્વ બેન્કના આંકડાઓ મુજબ ૧૫૦ રૂપિયાથી ઓછું કમાતા ગરીબોની સંખ્યામાં ૭.૫ કરોડનો વધારો થયો છે. લોકડાઉનને કારણે કરોડો લોકોની નોકરી ગઈ છે; અથવા તેમના પગાર અડધા થઈ ગયા છે, જેને કારણે તેમની ખરીદશક્તિ ઘટી ગઈ છે.

તંદુરસ્ત રહેવા માટે માત્ર રેશનમાં મળતું અનાજ પૂરતું નથી. અનાજ ઉપરાંત કઠોળ, ઘી, તેલ, દૂધ, શાકભાજી, ફળો વગેરે પણ પોષણ માટે જરૂરી છે. જે ગરીબ પાસે બે ટંકનું અનાજ ખરીદવાના પૈસા નથી તે બાપડો દૂધ કે ઘી કેવી રીતે ખરીદી શકે? મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી જેવા કરોડપતિઓની સંપત્તિમાં કોવિડ-૧૯ દરમિયાન જે વૃદ્ધિ થઈ છે તે કરોડો ગરીબોના ભોગે થઈ છે. આ ગરીબોના હાથમાંથી રૂપિયા ઝૂંટવીને શ્રીમંતોના હાથમાં મૂકવા માટે સરકારની ગલત નીતિઓ જવાબદાર છે.

કોવિડ-૧૯ દરમિયાન સરકાર દ્વારા જેટલા આર્થિક પેકેજો આપવામાં આવ્યા તેનો લાભ સરકારની નજીક રહેલા વગદાર ઉદ્યોગપતિઓને જ આપવામાં આવ્યો હતો. વિશ્વની ૭૦૦ કરોડની વસતિને પૂરતાં થઈ રહે તેટલા રોટી, કપડાં અને મકાન વિશ્વમાં છે, પણ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા તેના પર કબજો જમાવી દેવામાં આવ્યો છે, જેમાં સરકારો દલાલોની ભૂમિકા ભજવે છે. સરકારો દ્વારા એવા કાયદાઓ કરવામાં આવે છે કે જેને કારણે ગરીબોનું શોષણ કરવામાં આવે છે અને તેમની સંપત્તિ શ્રીમંતોના હાથમાં ચાલી જાય છે. જ્યાં સુધી સંપત્તિની સમાન વહેંચણી નહીં કરવામાં આવે ત્યાં સુધી ભૂખમરાનો અંત આવશે નહીં.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top