Editorial

જુથબંધીમાં રાચતા જુના નેતાઓને પડતા મુકી યુવા નેતાઓને બાગડોર સોંપશે તો જ કોંગ્રેસનો બેડો પાર થશે

જ્યાંથી ભાજપનો ખરો ઉદય થયો તેવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દાયકા કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. એક-બે વખત કોંગ્રેસને તક મળી પરંતુ આંતરિક જુથબંધીમાં કોંગ્રેસ તેનો લાભ લઈ શકી નથી. છેલ્લા 3 દાયકામાં સતત કોંગ્રેસનું સંગઠન નબળું જ થતું રહ્યું છે. મજબુત નેતાઓ પક્ષ છોડી ગયા છે અને જે નેતાઓ સંગઠનમાં બેઠા છે તેમાંથી ભાગ્યે જ કોઈ એવા છે કે જે વિધાનસભાની પણ ચૂંટણી જીતી શકે તેમ છે. 3 દાયકામાં સને 2017માં કોંગ્રેસને એવી તક મળી હતી કે તે રાજ્યમાં સરકાર બનાવે. પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસને 80 બેઠકો મળી હતી.

પરંતુ કોંગ્રેસે તક ગુમાવી અને ભાજપે ફરી સરકાર બનાવી. એટલું જ નહીં, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની સંખ્યા વધારી. સામે કોંગ્રેસ નબળી પડી ગઈ. 2017 પછીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ ખરાબ રીતે હારતી રહી. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ મજબુત હતી પરંતુ તેમાં પણ છેલ્લી બે ચૂંટણીથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ભાજપ પોતાનું મજબુત સંગઠન વધુને વધુ મજબુત કરવાની સાથે વિસ્તારતું રહ્યું, છેક સહકારી ક્ષેત્રે પણ ભાજપે પગદંડો જમાવી દીધો અને કોંગ્રેસ હજુ અનિર્ણાયક સ્થિતિમાંથી બહાર આવી નથી. વાત માત્ર શહેર કે જિલ્લા લેવલે નથી પરંતુ છેક પ્રદેશ લેવલે અને રાષ્ટ્રીય લેવલની છે અને તે પણ ગુજરાત કોંગ્રેસના મામલે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડની વિલંબ નીતિ રહી છે.

ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીમાં કોંગ્રેસ હારે છે ત્યારે તેના પ્રમુખ રાજીનામું આપી દે છે. કોંગ્રેસ દ્વારા તાકીદના ધોરણે કાર્યકારી પ્રમુખ નીમીને કે પછી તે જ પ્રમુખને હાલ ચાલુ રહેવા માટે કહીને ગાડું ગબડાવવામાં આવે છે. આને કારણે કોંગ્રેસમાં કાર્યકરોનો જુસ્સો મરી પરવારે છે. કોંગ્રેસમાં લાંબા સમયથી સેકન્ડ કેડર તૈયાર જ થઈ નથી. જેને કારણે કોંગ્રેસ નવા હોદ્દેદારોને નીમી જ શકતી નથી અને સતત આવું થતું રહેવાને કારણે કોંગ્રેસ નબળી થઈ રહી છે.

કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓનો ખુરશીનો અને પોતાના જ માણસોને આગળ કરવાનો મોહ છૂટતો નથી. જે હોંશિયાર છે તેને પાડતા રહેવાનો સતત પ્રયાસ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવે છે અને તેને કારણે કોંગ્રેસની અત્યાર સુધીની સૌથી નબળી સ્થિતિ થઈ જવા પામી છે. ગુજરાતમાં 2017માં જ્યારે કોંગ્રેસ હારી ગઈ ત્યારે તેના પ્રમુખે રાજીનામું આપ્યું હતું. હાલમાં જ્યારે મહાપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો આખા રાજ્યમાં સફાયો થયો ત્યારે પણ કોંગ્રેસના પ્રમુખોએ રાજીનામા આપ્યા હતા. આને મહિનાઓ વીતી જવા છતાં પણ હજુ સુધી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મજબુત નેતાઓને મુકી શકી નથી. જે જૂના છપાયેલા કાટલા છે તેમના જ નામો ચાલી રહ્યા છે.

ખરેખર ગુજરાત કોંગ્રેસને દોડતા નેતાઓની જરૂરીયાત છે. જુવાન નેતાઓની જરૂરીયાત છે કે જે પક્ષ માટે કંઈક નવું કરી શકે. જુના નેતાઓ પક્ષને નવું કશું આપી શકતા નથી. માત્રને માત્ર જુથબંધીમાં જ પક્ષને ખેંચી રહ્યાં છે. પોતાનું જુથ સાચવીને બેસી રહેતા હોવાને કારણે જૂના નેતાઓ કોંગ્રેસને ફરી બેઠી કરી શકતા નથી. જે જુવાન નેતાઓ છે તે હજુ સુધી જુથબંધીમાં પડ્યા નથી. પોતાના મુદ્દા પર સ્પષ્ટ છે. આ સંજોગોમાં યુવાન નેતાઓનો લાભ કોંગ્રેસે લેવો જોઈએ. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના તમામ રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે પણ યુવાન નેતાઓને આગળ લાવવાની જરૂરીયાત છે. રાહુલ ગાંધીએ હવે આ મુદ્દે સ્પષ્ટ થવાની જરૂરીયાત છે. કોંગ્રેસે ઘણા સાચવ્યા હોવા છતાં પણ જૂના નેતાઓ દ્વારા હાલમાં કોંગ્રેસને મદદ કરવાની જરૂરીયાત છે ત્યારે અલગ ચોકો પણ બનાવ્યો છે.

ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ જૂના નેતાઓને પડતા મુકીને કોંગ્રેસને નવું સ્વરૂપ આપ્યું હતું અને તેને કારણે કોંગ્રેસ ત્યારબાદ બે દાયકા સુધી કેન્દ્રમાં સત્તા પર રહી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે આ વાત સમજવાની જરૂરીયાત છે. જે જુના નેતાઓ કોંગ્રેસને મદદ કરવા તૈયાર છે અને પાર્ટી માટે કામ કરવા તૈયાર છે તેને સાથે રાખવામાં આવે પરંતુ જે જુના નેતાઓ સતત વંકાઈ રહ્યા છે તે નેતાઓને પડતા મુકીને જો કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓને પક્ષની બાગડોર સોંપવામાં આવશે તો જ કોંગ્રેસનું ભલું થશે તે નક્કી છે.

Most Popular

To Top