ભારત ઝડપથી વિકસી રહેલા દેશોમાં અગ્રેસર છે. ઉદારીકરણ અને ખાનગીકરણ પછી ભારતમાં બજારવૈવિધ્ય વધ્યું છે. વિદેશી મૂડીરોકાણ અને મૂડીવાદી પરિબળોથી અસર પામીને ભૌતિક રાષ્ટ્રીય આવક પણ વધી છે.જો કે વહેંચણી પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે છતાં ભારત વિકસી રહ્યો છે તેમ કહેવામાં વાંધો નથી. હા, વિકસી ગયો છે તેમ કહેવું ઉતાવળિયું છે. કોઈ પણ દેશે પોતાની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ,મૂલ્યાંકનના બે પ્રકાર છે. એક આપણે આપણી જાત સાથે તુલના કરવાની અને બીજી તુલના અન્યની સરખામણીમાં આપણે ક્યાં છીએ તે જોવાનું.
ભારત આઝાદ થયા સમયે શું હતું અને અત્યારે શું છે? તથા ભારત અન્ય વિકસિત દેશોની તુલનામાં ક્યાં છે? યાદ રહે, રીવર ફ્રન્ટ કે બુલેટ ટ્રેન કે મેટ્રો રેલ એ તો પ્રતીકો છે. એના દ્વારા આપણને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે આપણે વિકાસ કરી રહ્યા છીએ પણ દુનિયા આ ઘટનાઓથી આપણને વિકસિત માનવાની નથી કારણકે આ જ દુનિયા સામે એ સમાચાર પણ છે કે ભારતમાં માટી ખોદતાં મજૂર દટાયાં અને મૃત્યુ પામ્યાં. ગટર સાફ કરવા મજૂર ઊતર્યાં અને મૃત્યુ પામ્યાં. વીજ કર્મચારીઓ વીજળીનો કરંટ લાગવાથી મોતને ભેટ્યાં.
ભારતમાં અત્યારે પોલીસી પેરાલીસીસ ચાલે છે. આપણે મોટી મોટી વાતો પર ધ્યાન આપીએ છીએ અને રોજિંદી,પાયાની વાતો ભુલાઈ જાય છે. આધુનિકીકરણ અને ઉદારીકરણ સાથે ખાનગીકરણ થયું. ઘણાં એવું માને છે કે ખાનગીકરણ થવાથી ભારતની બધી જ સમસ્યા ઉકલી જશે પણ ના, ખાનગીકરણની સફળતાનો આધાર ખરીદશક્તિ અને બજારની સગવડો પર રહેલો છે. બજારમાં આવેલો ઉત્પાદક નફામાં તે કામ કરે છે અને ખર્ચ ઘટાડવા તે શોષણ પણ કરે છે. આ સમયે જાગૃત રાજ્ય વ્યવસ્થાનું કામ છે કે તે કાયદાનું પાલન કરાવે. કમનસીબે ખાનગીકરણની લાહ્યમાં અને મૂડીરોકાણની દોડમાં આપણી સરકારો અને વહીવટી તંત્ર લેખિત કાયદાનું પણ પાલન થાય તે જોતી નથી. હવે ખરેખર સરકારે કડક રીતે શ્રમિક કાયદાઓનું કડક રીતે પાલન કરવું જરૂરી બન્યું છે. થોડાક કિસ્સાઓ યાદ કરો.ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો અને કામદારો માર્યા ગયા હતા. જી. આઈ. ડી. સી. માં બોઇલર ફાટવાથી કેટલા અકસ્માત થયા. પાટનગરમાં બિલ્ડીંગ બનતી હતી ત્યાં ક્રેન તૂટી પડી. સુરતમાં પણ અકસ્માત થયો.
આવું જ મોટાં શહેરોમાં બનતાં મોટાં બિલ્ડીંગોમાં બને છે. આજે બહુમાળી બિલ્ડીંગોમાં ભોંયરું પણ બનાવાય છે. જમીનથી નીચે પણ દુકાનો હોય છે માટે જમીનમાં મોટાં ખોદકામ કરવાં પડે છે. આ ખોદકામ દરમિયાન અનેક વાર માટી ધસી પડતાં મજૂર દટાય છે. આટલા આટલા અકસ્માતો અને મોત થયા પછી પણ હજુ આ ખોદકામ દરમિયાન સેફટી માટેનો કાયદો ઘડાયો નથી અને જવાબદારી નક્કી થઇ નથી, તો સૌથી દુ:ખદ એવી વાત એટલે ગટરમાં ઊતરેલા સફાઈ કામદારનું ગૂંગળાઈ જવાથી મોત.ભારતને હજુ પછાત ટેકનોલોજીવાળો દેશ કહેવા માટે આ ઘટના પૂરતી છે. ગમે એટલા બુલેટ ટ્રેનના ફાંકા મારો પણ મજૂરને જ્યાં સુધી ગટરમાં ઊતરી ગૂંગળાવું પડે છે ત્યાં સુધી આપણે ખરો વિકાસ કર્યો નથી.
ભારતની રોજ સવાર પડે અમેરિકા સાથે તુલના કરનારા આ બાબતમાં કેમ તુલના નથી કરતા? અરે, આપણે છેક અમેરિકા સુધી જવાની જરૂર નથી. આપણે જેને બહુ ગણતા નથી એવા સાઉદી આરબના દેશોમાં પણ શ્રમિક કાયદા અને ખાસ તો વર્કર સેફ્ટીના કડક કાયદા છે અને માટે જ અનેક ભારતીયો સેફટી અધિકારી તરીકે આ દેશોમાં નોકરી કરે છે. ભારતમાં મૂડીપતિઓના લાભાર્થે અનેક શ્રમિક કાયદા બદલાયા છે પણ આ વર્ક સેફ્ટીના કાયદા બદલાતા નથી.
બાકી, ખરેખર તો દરેક કામની સાઈટ ઉપર એક નક્કી શ્રમિક સેફટી મેનેજર હોવો જોઈએ અને બાંધકામ હોય, ખોદકામ હોય, રસ્તા કે પુલનું નિર્માણ કરવાનું હોય, ચોક્કસ નિયમોનું પાલન થવું જોઈએ. અત્યારે જયારે તમામ કામ કોન્ટ્રાકટથી થાય છે ત્યારે કામે આવતાં મજૂરો, તેમાં રહેલી મહિલાઓ અને તેમની પાયાની જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ. કામના સ્થળે પાયાની સુવિધાઓનું મળવું ખૂબ જરૂરી છે અને આકસ્મિક સંજોગોમાં આ શ્રમિકોને તત્કાળ રાહત મળે તે જોવાવું જોઈએ. આપણે ખાનગીકરણ અને ઉદારીકરણ બાદનાં વર્ષોમાં માત્ર મૂડીરોકાણના કાયદા જ હળવા કર્યા પણ સાથે સાથે ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોનું પણ હિત જળવાઈ રહે તે જરૂરી છે. સરકાર આ બાબતે કાયદા સુધારે ને અમલમાં કડકાઈ બતાવે તો જ ગરીબો ખાસ તો મહેનત કરીને પેટ ભરનારાનું હિત જળવાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે