બે દેડકા ખેતરમાં રહેતા હતા. એક દિવસ તેઓ રમતાં રમતાં એક ખેડૂતના ઘરમાં પહોંચી ગયા અને કૂદતાં કૂદતાં દૂધની મલાઈથી ભરેલા મોટા વાસણમાં પડી ગયા. વાસણ બહુ ઊંડું અને દૂધથી ભરેલું હતું એટલે ચીકણી લપસણી સપાટી હતી — એટલે દેડકાઓએ કૂદી કૂદીને સપાટીને પકડીને બહાર નીકળવાનો બહુ પ્રયાસ કર્યો પણ તેઓ નીચે જ સરકી જતા હતા. એવું લાગ્યું કે જાણે આ વાસણમાંથી ક્યારેય બહાર નીકળી જ નહીં શકાય. બંને દેડકાઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરી કરીને થાક્યા હતા. પહેલા દેડકાએ વિચાર્યું, ‘આમાંથી બહાર નીકળવું અશક્ય છે.’ તેણે થાકીને પ્રયત્નો છોડી દીધા એટલે તે દૂધમાં પડી ગયો. થોડી વાર તરફડ્યો અને મનથી હાર માની લીધી એટલે ડૂબી ગયો.
બીજો દેડકો થાક્યો હતો પણ હાર માનવા તૈયાર ન હતો. તેણે વિચાર્યું, ‘હું પ્રયત્નો છોડીશ નહિ અને ડૂબીને મરીશ નહિ, પછી ભલે ગમે તે થાય’ અને આમ વિચારી થાક્યો હોવા છતાં મન મક્કમ કરી તેણે સતત દૂધમાં પગ મારવાનું ચાલુ રાખ્યું. થાકેલો હોવા છતાં કલાકો સુધી તે દૂધમાં પગ મારતો જ રહ્યો અને તરતો રહ્યો. ધીરે ધીરે, તેના સતત પગ મારવાથી મલાઈ ઘૂંટાઈને માખણમાં ફેરવાઈ ગઈ અને માખણનો ગોળો બનીને ઉપર તરવા લાગ્યો અને એ માખણના ગોળાનો ટેકો લઈને તેની પર ઊભા રહીને, દેડકો કૂદીને વાસણમાંથી બહાર નીકળી ગયો અને બચી ગયો.
આ બે દેડકાની વાર્તા જીવનની એક સુંદર ફિલસૂફી સમજાવે છે કે જીવનમાં જ્યારે જયારે અઘરી પરિસ્થિતિ નિર્માણ થાય અને તેમાંથી જીતીને બહાર નીકળવું અશક્ય લાગે, ત્યારે પણ પ્રયત્ન કરવાનું ચાલુ રાખો. થાકીને નિરાશ થઈએ તો હાર અચૂક થાય છે પણ જો થાક્યા હોવા છતાં આશા ન છોડીએ અને પ્રયત્નો ચાલુ જ રાખીએ તો તમારો સતત સંઘર્ષ જ તમારા બચાવનો રસ્તો બનાવે છે અને નવા રસ્તા ખૂલે છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં જો એમ સ્વીકારી લઈએ કે હવે કંઈ જ કરવું શક્ય નથી તો આમ હાર માનવી સૌથી સહેલી પણ સૌથી ખોટી પસંદગી હોય છે અને જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં હારનો સ્વીકાર કર્યા વિના સતત લડતાં રહેવું અઘરી પસંદગી છે પણ તે હાર માન્યા વિના સતત લડતાં રહેવાનો સંઘર્ષ જોમ અપાવે છે.