અમેરિકાએ પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર્યું છે કે તેણે અવકાશમાં એક શસ્ત્ર તૈનાત કર્યું છે. જો કે કયા પ્રકારનું શસ્ત્ર અવકાશમાં ગોઠવવામાં આવ્યું છે તે ફોડ તેણે તરત પાડ્યો નથી પરંતુ તેની આ જાહેરાત સાથે સ્વાભાવિક રીતે એ ચિંતાઓને વેગ મળે છે કે હવે અવકાશ પણ યુદ્ધ ભૂમિમાં ફેરવાઇ જશે કે શું? અમેરિકાની આ જાહેરાત દર્શાવે છે કે યુદ્ધો લડવાની પધ્ધતિમાં મોટો ફેરફાર આવી શકે છે, અને પૃથ્વી નજીકનું, ઉપગ્રહો અને યાનોથી વધુ ને વધુ ભીડભર્યું બનતું અવકાશી ક્ષેત્ર સક્રિય યુદ્ધના મેદાનમાં ફેરવાઈ શકે છે.
યુએસ એરફોર્સના સેક્રેટરી ટ્રોય મેઇન્કે હાલમાં આયોજિત એર, સ્પેસ એન્ડ સાયબર કોન્ફરન્સમાં બોલતા એ વાતની પુષ્ટિ કરી હતી કે અંતરિક્ષમાં ભ્રમણકક્ષામાં અમેરિકાનું એક શસ્ત્ર ગોઠવી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકી દળોને શત્રુઓના હુમલાઓ સામે રક્ષણ આપવા અને વિકસતા ખતરાઓનો જવાબ આપવા માટે આ ક્ષમતા જરૂરી હતી. જો કે, તેમણે આ શસ્ત્ર શું કામ કરે છે, તેને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. ઉપગ્રહો આધુનિક સૈન્ય માટે અનિવાર્ય બની ગયા છે.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) નેવિગેશન, સુરક્ષિત સંદેશાવ્યવહાર, મિસાઇલ ચેતવણી સિસ્ટમ્સ, યુદ્ધક્ષેત્રની દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા જેવા તમામ કાર્યો પૃથ્વીની પરિક્રમા કરતા ઉપગ્રહો પર ખૂબ આધાર રાખે છે. આ ઉપગ્રહોને નષ્ટ કરીને અથવા અક્ષમ કરીને દુશ્મન દેશ સંભવિતપણે સમગ્ર લશ્કરી કામગીરીને અંધારી, ખોરવી અથવા ધીમી પાડી શકે છે. આ જ કારણ છે કે અમેરિકા, ચીન અને રશિયાએ ‘કાઉન્ટરસ્પેસ’ ક્ષમતાઓમાં વધુને વધુ રોકાણ કર્યું છે. આ એવી ટેક્નોલોજી છે જે બીજા દેશની અવકાશી અસ્કયામતોમાં હસ્તક્ષેપ કરવા અથવા તેના પર હુમલો કરવા માટે બનાવવામાં આવી છે. પરંતુ વધુ મોટો ભય તો એ છે કે વિવિધ દેશો એકબીજા પર હુમલો કરવા માટે અવકાશમાં શસ્ત્રો ગોઠવવાનું શરૂ કરી દે.
અમેરિકાના બહુચર્ચિત ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગને ૧૯૮૩માં સ્ટાર વોર્સના નામે ઓળખાતી યોજના રજૂ કરી હતી, જેમાં અવકાશમાં ઉપગ્રહો પર મિસાઇલો ગોઠવવાની વાત હતી. જો કે તેમની આ યોજના બહુ આગળ વધી નહીં. ત્યારબાદ પણ અવકાશી યુદ્ધની કલ્પનાઓ થતી રહી છે. હવે હાલ 2019માં સ્થાપિત યુએસ સ્પેસ ફોરસે તેના મિશનને માત્ર અમેરિકી ઉપગ્રહોના રક્ષણ સુધી સીમિત રાખવાને બદલે તેનાથી આગળ વધારી દીધું છે. તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્પેસ કંટ્રોલમાં દુશ્મનના સ્પેસ સિસ્ટમ્સને ખોરવવા, નબળા કરવા અને જો જરૂરી હોય તો નાશ કરવા માટે કાઇનેટિક અને નોન-કાઇનેટિક ક્ષમતાઓનો ઉપયોગ શામેલ છે.
અમેરિકાનો તાજેતરનો ખુલાસો એવા સમયે આવ્યો છે જ્યારે વોશિંગ્ટન રશિયા અને ચીનના સ્પેસ પ્રોગ્રામ્સને સંભવિત ખતરા તરીકે જોઈ રહ્યું છે. અમેરિકાએ અગાઉ રશિયા પર અન્ય અવકાશયાન પર હુમલો કરવા માટે સક્ષમ ઉપગ્રહ તૈનાત કરવાનો આરોપ મૂક્યો છે, જ્યારે અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચીન તેના સૈન્ય આધુનિકીકરણના ભાગરૂપે કાઉન્ટરસ્પેસ ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે. આક્રમક અવકાશી શસ્ત્રોનું આગમન યુદ્ધના સ્વરૂપને મૂળભૂત રીતે બદલી શકે છે કારણ કે મોટા સંઘર્ષમાં પહેલી લડાઈ હવે જમીન, સમુદ્ર કે હવામાં શરૂ નહીં થાય. તે પૃથ્વીથી સેંકડો કે હજારો કિલોમીટર ઉપર શરૂ થઈ શકે છે, જ્યાં દેશો આધુનિક યુદ્ધને શક્ય બનાવતા ઉપગ્રહોને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે.
સૈન્ય માટે, અવકાશ હવે માત્ર કામગીરી કરવાનું સ્થળ નથી રહ્યું, પરંતુ એક એવું ક્ષેત્ર બની રહ્યું છે જેના પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. અવકાશનું સૈન્યીકરણ કરવાની વાત એટલી જ જૂની છે જેટલી ‘સ્પેસ રેસ’ જૂની છેફ 1957માં જેવું સ્પુટનિક લોન્ચ થયું, કે અમેરિકા અને રશિયાએ ઉપગ્રહોને સશસ્ત્ર કરવા અને નષ્ટ કરવા બંનેના રસ્તાઓ શોધવાનું શરૂ કરી દીધું હતું. સૌથી મોટી ચિંતા એક સમયે અવકાશમાં પરમાણુ શસ્ત્રો અંગેની હતી, પરંતુ સદભાગ્યે મહાસત્તાઓ અને અન્ય દેશોએ 1967માં આઉટર સ્પેસ સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેણે ભ્રમણ કક્ષામાં સામૂહિક વિનાશના શસ્ત્રો પર પ્રતિબંધ મૂક્યો.
1967ની આઉટર સ્પેસ સંધિ કક્ષામાં સામૂહિ વિનાશના શસ્ત્રો, જે સામાન્ય રીતે અણુ શસ્ત્રો હોઇ શકે તેમના ગોઠવવા પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ તે અવકાશમાં તમામ પરંપરાગત શસ્ત્રો અથવા લશ્કરી પ્રણાલીઓ પર પ્રતિબંધ મૂકતી નથી. તેનાથી દેશોને સંધિના મુખ્ય પ્રતિબંધનો ટેકનીકલી ભંગ કર્યા વિના ઉપગ્રહોને નિશાન બનાવી શકે તેવી સિસ્ટમ વિકસાવવાની તક મળી જાય છે. ત્યારથી, અમેરિકા, રશિયા, ચીન જેવા વૈશ્વિક બળો સંધિની બહાર રહેલી ક્ષમતાઓ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે અમેરિકાએ પોતે અવકાશમાં શસ્ત્ર ગોઠવ્યું હોવાની કબૂલાત કે જાહેરાત કરી દીધી છે તેથી અવકાશમાં શસ્ત્રો ગોઠવવાની હરિફાઇ શરૂ થઇ જવા અંગેની ચિંતાઓ ઉભી થઇ રહી છે.