Business

બ્રિક્સની વાત ખેતરથી રસોડા સુધી

તાજેતરમાં ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં બ્રિક્સ સમિટ પૂર્ણ થઈ. બ્રિક્સમાં મૂળ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ દેશો હતા. અન્ય છ દેશોના જોડાયા બાદ અગિયાર દેશોની આ પહેલી પરિષદ હતી, જેમાં સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. આ અગિયાર દેશોના હિતો અનેક મુદ્દે અલગ છે. સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાન જેવા દેશો વચ્ચે પ્રાદેશિક તણાવ છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે પણ લાંબા સમયથી મતભેદો છે. છતાં નાણાં, વેપાર, ટેક્નોલોજી, કૃષિ, આરોગ્ય, આબોહવા અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે એકસાથે સંમતિ દર્શાવવી નોંધપાત્ર છે. ઘોષણાપત્રમાં ગ્લોબલ સાઉથના દેશોને વૈશ્વિક નિર્ણયપ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ આપવાની તથા વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. ભારત માટે યજમાન દેશ તરીકે વિવિધ હિતો ધરાવતા દેશોને એક મંચ પર લાવવાની મુત્સદ્દીગીરીનું આ એક પાસું ગણાય.

પરંતુ બ્રિક્સ સમિટની સૌથી સામાન્ય માણસ સાથે જોડાયેલી ચર્ચા કૃષિ અને ખાદ્ય સુરક્ષાની છે. બ્રિક્સ દેશો વિશ્વના ખાદ્ય ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે. બીજી તરફ દાળ, ચોખા અને શાકભાજીના ભાવ વધે ત્યારે તેની સીધી અસર ઘરનાં બજેટ પર પડે છે. ખેડૂત માટે ખાતર અને ખેતીના ખર્ચમાં વધારો થાય છે, જ્યારે વરસાદની અનિશ્ચિતતા, અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સમસ્યાઓ સતત પડકાર બની રહે છે. દુનિયાના કોઈ એક ખૂણામાં યુદ્ધ થાય તો પણ તેલ, ખાતર અને અનાજના ભાવમાં તેની અસર જોવા મળે છે. આથી બ્રિક્સ દ્વારા ખાદ્ય સુરક્ષા અને ખેતીને અપાયેલું મહત્ત્વ મહત્વનું છે. ઘોષણાપત્રમાં નાના ખેડૂતો, પશુપાલકો, માછીમારો, સ્થાનિક સમુદાયો, મહિલાઓ અને યુવાનોને ખાદ્ય વ્યવસ્થાના મહત્વના ભાગીદાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ખેતીની નીતિ બનાવતી વખતે ખેતરમાં વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરતા લોકોનો અવાજ સંભળાય તે જરૂરી છે.

આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવી ટેક્નોલોજી, ખેડૂતો વચ્ચે જ્ઞાનની આપ-લે અને બીજ સંબંધિત અધિકારો તથા પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે બ્રિક્સ દેશો વચ્ચે સહકારની વાત પણ થઈ છે. ખેડૂતો માટે BRICS AGRIN જેવા સહયોગી નેટવર્કની ચર્ચા અને અનાજના વેપાર માટે BRICS Grain Exchange ઊભું કરવાની યોજના પણ આ દિશામાં મહત્વની છે. તેનો હેતુ અનાજના ભાવમાં અચાનક થતી ઊથલપાથલ અને પુરવઠાની સમસ્યાઓ સામે પરસ્પર સહકાર વધારવાનો છે.

પરંતુ અહીં સાવચેતી પણ જરૂરી છે. આવા પ્લેટફોર્મ પર જો મોટા વેપારીઓ અને નાણાકીય શક્તિઓનું વર્ચસ્વ વધે તો નાના ખેડૂતોની સ્થિતિમાં ખાસ ફેરફાર નહીં થાય. પશ્ચિમી આર્થિક પ્રભુત્વનો વિકલ્પ બનવાની વાત કરતી બ્રિક્સ વ્યવસ્થા પોતાના સભ્ય દેશોમાં કુદરતી સંસાધનો પર વધતું દબાણ, મોટા કોર્પોરેટ જૂથોનું વર્ચસ્વ, સેવાઓનું ખાનગીકરણ અને નાણાકીય બજારોને મળતું વધતું મહત્ત્વ જેવા પ્રશ્નોથી પણ ઘેરાયેલી છે. ઘોષણાપત્રમાં ગરીબી અને અસમાનતાને વૈશ્વિક વિકાસના મોટા પડકારો ગણાવવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ પણ છે કે બ્રિક્સના સભ્ય દેશોમાં વિકાસનો લાભ કોને મળે છે? સંપત્તિ અને શક્તિ થોડા મોટા ખેલાડીઓ પાસે કેન્દ્રિત થતી હોય તો વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તનની વાત અધૂરી રહે છે.

આ સાથે શાંતિનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. યુદ્ધનો ખર્ચ માત્ર બોમ્બ અને સૈનિકો પૂરતો નથી. અબજો રૂપિયાનો લશ્કરી ખર્ચ થાય છે, જ્યારે કરોડો લોકો ખોરાક, આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરે છે. બ્રિક્સે વધતા લશ્કરી ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી અને સંઘર્ષોનું શાંતિપૂર્ણ નિરાકરણ જરૂરી ગણાવ્યું છે. આખરે, માત્ર ઘોષણાઓથી દુનિયા બદલાતી નથી. બ્રિક્સની વાસ્તવિક કસોટી હવે શરૂ થાય છે. જૂની વૈશ્વિક વ્યવસ્થાનો વિકલ્પ ઊભો કરતી વખતે સામાન્ય માણસ, ખેડૂત, પર્યાવરણ અને સમાનતાને તેમાં કેટલી જગ્યા મળે છે, એ જ નક્કી કરશે કે બ્રિક્સની નવી દિશા ખરેખર કેટલી નવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top