Sports

રવિચંદ્રન અશ્વિન અચાનક રાજકોટ ટેસ્ટમાંથી કેમ બહાર થઈ ગયો? સાચું કારણ સામે આવ્યું

રાજકોટ(Rajkot) : હાલમાં રાજકોટ ખાતે ઈંગ્લેન્ડ (England) સામે ચાલી રહેલી ટેસ્ટ (Test) મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને આઉટ કરી ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટની સિદ્ધિ હાંસલ કરનાર ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિન (RavichandranAshwin) એકાએક ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. હા, અશ્વિન હવે રાજકોટ ટેસ્ટમાં નહીં રમે. બાકીના ત્રણ દિવસ ભારતીય ટીમે અશ્વિન વિના જ મેચ રમવી પડશે. અચાનક ચાલુ મેચમાં અશ્વિન કેમ આઉટ થઈ ગયો તેનું સાચું કારણ સામે આવ્યું છે.

આ અંગે બીસીસીઆઈએ (BCCI) અપડેટ આપી છે. બોર્ડે માહિતી આપી છે કે અશ્વિનની માતા ચિત્રાની તબિયત ખરાબ છે. જેના કારણે તે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ સમાચારને સમર્થન આપ્યું છે.

રાજીવ શુક્લાએ કહ્યું કે તેણે સ્ટાર સ્પિનરની માતાના સ્વાસ્થ્યને લઈને X પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, હું અશ્વિનની માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તેને રાજકોટ ટેસ્ટ છોડીને માતા સાથે રહેવા ચેન્નાઈ જવું પડ્યું હતું.

આ અગાઉBCCIએ અશ્વિનને બાકાત રાખવા અંગે અપડેટ આપી હતી. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું હતું કે બીસીસીઆઈ અને તેના સાથી ખેલાડીઓ, ખેલાડીઓ અને સ્ટાફ સહિત તમામ સભ્યો રવિચંદ્રન અશ્વિન અને તેના પરિવારને સંપૂર્ણ સમર્થન ધરાવે છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે ખેલાડીઓ અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે.

બીસીસીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં ચાહકો અને અન્ય લોકોને ખેલાડીઓ અને તેમના પરિવારોની ગોપનીયતા જાળવવા માટે પણ અપીલ કરી છે, કારણ કે તેઓ આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. BCCI અને ટીમ આવી સ્થિતિમાં અશ્વિનને દરેક સુવિધા આપવાનું ચાલુ રાખશે. જો કોઈ જરૂરિયાત હશે તો તેના માટે અશ્વિન સાથે વાતચીત ચાલુ રહેશે.

જણાવી દઈએ કે, અશ્વિને રાજકોટ ટેસ્ટમાં 500 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. રાજકોટ ટેસ્ટના બીજા દિવસેઅશ્વિને જેક ક્રાઉલીને પોતાનો 500મો શિકાર બનાવ્યો હતો. આ રીતે તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બની ગયો છે. અશ્વિન કરતાં માત્ર ભૂતપૂર્વ સ્પિન દિગ્ગજ અનિલ કુંબલે આગળ છે, જેણે 619 વિકેટ લીધી હતી.

Most Popular

To Top