Columns

સંપત્તિનો ઉપયોગ

એક દિવસ એક સાધુ પોતાના બે શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા.એક ગામના મંદિરમાં તેઓ રાતવાસો કરવા રોકાયા.બીજે દિવસે સવારે તેઓ ગામમાં ફરવા નીકળ્યા.રસ્તામાં તેમણે જોયું કે એક માણસ કરીયાણાની દુકાનમાંથી અનાજ ખરીદી રહ્યો હતો. સાધુએ પોતાના શિષ્યોને કહ્યું કે, ‘જુઓ આ માણસ પોતાની પાસેની સંપત્તિને વાપરી રહ્યો છે.’ થોડે આગળ ગયા તો શેઠનો દીકરો અને તેના મિત્રો જુગાર રમી રહ્યા હતા.સાધુ તે તરફ આંગળી ચીંધીને બોલ્યા, ‘જુઓ શિષ્યો, આ લોકો બીજાની સંપત્તિને વેડફી રહ્યા છે.’

આગળ એક શેઠ પોતાની માતાના નામની પાણીની પરબ બંધાવી રહ્યા હતા.તે તરફ જોઇને સાધુએ કહ્યું, ‘જુઓ, આ શેઠ પોતાની સંપત્તિને વાવી રહ્યા છે.’ગામમાં ફરીને ભિક્ષા માંગીને આવ્યા બાદ જયારે રોટલો ખાવા બેઠા ત્યારે સાધુ બોલ્યા, ‘શિષ્યો, આજે આપણે ગામમાં ગયા ત્યાંથી તમે શું શીખ્યા?’ પહેલા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, તમે અમને સંપત્તિના ત્રણ ઉપયોગ દેખાડ્યા.સંપત્તિ વાપરવી..સંપત્તિ વેડફવી…સંપત્તિ વાવવી…’બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, સંપત્તિના આ ત્રણ ઉપયોગ તો જાણ્યા, પણ જીવનમાં પ્રાપ્ત સંપત્તિને કયારે વાપરી કહેવાય? કયારે વેડફી કહેવાય અને કયારે વાવી એમ કહેવાય? તે ઊંડાણમાં સમજાવો.’

સાધુ બોલ્યા, ‘શિષ્યો સાંભળો, સૌથી પહેલાં પ્રાપ્ત સંપત્તિ પણ આપણો સાચો અધિકાર હોવો જોઈએ…મહેનતથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.જયારે માણસ પોતાની મહેનતથી પ્રાપ્ત સંપત્તિનો ઉપયોગ પોતાના જીવનનિર્વાહ માટેની જરૂરિયાતો પૂરી કરવા માટે કરે છે ત્યારે તે સંપત્તિ વાપરવી કહેવાય.દરેક જણ સંપત્તિ વાપરે જ છે.બીજું જયારે કોઈ મહેનત વગર ઘણી સંપત્તિ પ્રાપ્ત થઇ હોય ત્યારે …પોતાની મહેનત વગર મળી હોય ત્યારે મોટા ભાગના માણસો સંપત્તિનો દુરુપયોગ કરે છે.

મોજશોખ ,દેખાદેખી ,વ્યસનો, ખરાબ આદતોમાં સંપત્તિનો આંધળો વેડફાટ કરે છે ત્યારે સંપત્તિને વેડફવી કહેવાય છે…મોટે ભાગે લોકો બાપ દાદાની મિલકત અને નસીબથી પ્રાપ્ત સંપત્તિ વેડફે છે અને હવે ત્રીજી રીત સંપત્તિ વાવવી…જયારે સંપત્તિનો ઉપયોગ લોકો સમાજના ઉધ્ધાર માટે સત્કાર્યોમાં કરે છે ત્યારે તેને સંપત્તિ વાવવી કહેવાય.બહુ ઓછા સમજુ અને સારા માણસો સંપત્તિનું વાવેતર કરે છે.તમે જીવનમાં યાદ રાખજો કે જીવનમાં સમજુ બનજો અને વધુ ને વધુ સંપત્તિ વાવતાં રહેજો…વાપરજો ઓછું ,સાચવી સાચવીને…અને સંપત્તિ વેડફતા બિલકુલ નહિ.’સાધુએ શિષ્યોને જીવનની સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top