Columns

રશિયાનાં સસ્તાં ખનિજ તેલ છતાં ઇંધણના ભાવો કેમ ઘટતા નથી?

ભારતની રિફાઇનરીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને લૂંટવા માટે જાણીતી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવો વધી જાય ત્યારે તેઓ પોતાના પેટ્રોલ તથા ડિઝલના ભાવો વધારીને ગ્રાહકોને લૂંટતી હોય છે. આ કંપનીઓને જે માર્જિન મળે છે તે ફિક્સ નથી હોતું પણ વેચાણ કિંમતના અમુક ટકા પ્રમાણે હોય છે, માટે વેચાણ કિંમત વધે ત્યારે તેમનું માર્જિન આપમેળે વધી જતું હોય છે. તેવી જ રીતે પેટ્રોલ-ડિઝલના ભાવો વધે ત્યારે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની કમાણી પણ વધી જતી હોય છે, કારણ કે તેઓ જે કરવેરા વસૂલ કરે તે પણ વેચાણ કિંમતના અમુક ટકા હોવાથી વેચાણ કિંમત વધી જતાં તેમની કરવેરાની આવક પણ વધી જાય છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવો ઘટી જાય ત્યારે રિફાઇનરીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવો ઘટાડવાને બદલે તેને ઊંચા ભાવે થિજાવી દેતી હોય છે. હાલમાં તેવું જ બની રહ્યું છે. ગયા વર્ષના જૂન મહિનામાં ભારતની કંપનીઓ બેરલના ૧૧૬ ડોલરના ભાવે ખનિજ તેલ ખરીદતી હતી ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવો ૧૦૦ રૂપિયે લિટરની આસપાસ હતા. આજની તારીખમાં ખનિજ તેલનો ભાવ બેરલના ૭૫ ડોલર જેટલો ઘટી ગયો હોવા છતાં ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ લિટરે આશરે ૯૭ રૂપિયાના ભાવે જ વેચાઇ રહ્યું છે. સરકારની નીતિ મુજબ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારના ભાવો મુજબ રોજ ભાવમાં વધઘટ કરવાની હોય છે; પણ તેઓ આ નીતિનો અમલ જ્યારે ભાવો વધી રહ્યા હોય ત્યારે જ કરે છે. જ્યારે ભાવો ઘટી રહ્યા હોય ત્યારે તેઓ ભાવોમાં દૈનિક ધોરણે વધઘટ કરવાનું બંધ કરીને ગ્રાહકોને લૂંટે છે. ભારતમાં ઓઇલનું માર્કેટિંગ કરતી મોટા ભાગની કંપનીઓ સરકારની માલિકીની છે, માટે સરકાર નાગરિકોની લૂંટમાં બે રીતે ભાગીદાર બને છે. એક, સરકારી કંપનીઓ ભાવો નહીં ઘટાડવા દ્વારા પ્રજાને લૂંટે છે અને બે, કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારો ઊંચા કરવેરા વસૂલવા દ્વારા પ્રજાને લૂંટે છે.

ભારતની રિફાઇનરીઓએ છેલ્લા એક વર્ષમાં રશિયાથી સસ્તાં ખનિજ તેલની આયાત કરવા દ્વારા તગડો નફો કર્યો છે, પણ વપરાશકારોને તેનો લાભ મળ્યો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને મે મહિનામાં રશિયાથી ૨.૨ કરોડ બેરલ ખનિજ તેલની આયાત કરી હતી, જે ભારતમાં રશિયાથી કુલ આયાતના ૩૬ ટકા જેટલી હતી. જો રશિયા દ્વારા બેરલ દીઠ ૧૦ ડોલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો પણ આ કંપનીએ એક મહિનામાં ૨૨ કરોડ ડોલરનો નફો કરી લીધો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગ્રોસ રિફાઇનિંગ માર્જીનમાં ગયા નાણાંકીય વર્ષ દરમિયાન ૭૩ ટકાનો વધારો થયો હતો, જે બેરલ દીઠ ૧૯.૫ ડોલર પર પહોંચી ગયું છે. જે ખનિજ તેલ ૭૫ ડોલરના ભાવે ખરીદવામાં આવે છે, તેના પર ૧૯.૫ ડોલર તો રિફાઇનરીનો નફો ચડે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ગયા નાણાંકીય વર્ષ દરમિયાન ૮,૨૪૨ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

ભારત સરકારની માલિકીની રિફાઇનરીઓ દ્વારા ગયા વર્ષે ૧૫.૪ કરોડ બેરલ રશિયન ખનિજ તેલ ખરીદવામાં આવ્યું હતું. આ વર્ષે પહેલા બે મહિનામાં જ ૧૬.૭ કરોડ બેરલ રશિયન ખનિજ તેલની ખરીદી કરવામાં આવી છે. તેને કારણે તેમને લગભગ ૩૨૦ કરોડ ડોલરનો નફો અત્યાર સુધી થયો છે. તે નફો ગ્રાહકોને પાસ ઓન કરવાને બદલે કંપનીઓ દ્વારા ગજવે ઘાલવામાં આવ્યો છે. ૨૦૨૨ના નાણાંકીય વર્ષના પહેલા પાંચ મહિના દરમિયાન ખનિજ તેલના ભાવો આશરે ૧૦૦ ડોલર આસપાસ ફરતા હતા ત્યારે રિફાઇનરીઓને થોડી ખોટ જતી હતી. હવે ખનિજ તેલના ભાવો ૮૫ ડોલર પર આવી ગયા છે ત્યારે તેઓ ભાવો ઘટાડવા તૈયાર નથી. તેમનું બહાનું એવું છે કે પહેલા પાંચ દરમિયાન તેમણે જે ખોટ સહન કરી તેને તેઓ હવે ભરપાઈ કરી રહ્યા છે.

ભારતમાં પેટ્રોલ-ડિઝલનું માર્કેટિંગ ત્રણ સરકારી કંપનીઓ કરે છે, જે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ તરીકે ઓળખાય છે. તેઓ રશિયાથી સસ્તું ખનિજ તેલ ખરીદી, તેને રિફાઇન કરી ભારતના બજારમાં ઊંચા ભાવે વેચીને તગડું માર્જીન કમાઈ રહી છે. મે મહિનામાં આ કંપનીઓનું માર્જીન લિટર દીઠ ૧૨.૫ રૂપિયા પર પહોંચી ગયું હતું. સામાન્ય રીતે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને લિટર દીઠ ૩ રૂપિયાનું માર્જીન લેવાની જ છૂટ આપવામાં આવતી હોય છે. જો સરકાર તેમને આંતરરાષ્ટ્રીય ભાવો મુજબ ભાવોમાં ઘટાડો કરવાની ફરજ પાડે તો તેમને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લગભગ ૧૦ રૂપિયાનો ઘટાડો કરવો પડે. કેન્દ્ર સરકાર તેવું કરવા તૈયાર નથી; કારણ કે તેમ કરવાથી સરકારોની કરવેરાની આવકમાં પણ ઘટાડો થઈ શકે છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દાવો કરે છે કે ગયા વર્ષના જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવો ટોચ પર પહોંચ્યા હતા ત્યારે તેમણે ખોટ ખાઈને પણ ભારતના વપરાશકારોને સસ્તા ભાવે પેટ્રોલ અને ડિઝલ વેચ્યું હતું. તેમના દાવા મુજબ તે સમયે તેઓ પેટ્રોલમાં લિટર દીઠ ૧૭.૫ રૂપિયાની અને ડિઝલમાં ૨૮ રૂપિયાની ખોટ કરતા હતા. હકીકતમાં આ ખોટ સહન કરવા પાછળ પણ સરકારનો રાજકીય સ્વાર્થ હતો. જો તે સમયે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તે મુજબ વધારો કરવામાં આવ્યો હોત તો ભારતમાં મોંઘવારી વધી ગઈ હોત, જેનો પ્રભાવ ચૂંટણીનાં પરિણામો પર પણ પડ્યો હોત. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તે કાળમાં જે ખોટ કરવામાં આવી હતી તે હવે તેઓ સરભર કરી રહ્યા છે. જો કે તેમના દ્વારા કેટલી ખોટ કરવામાં આવી હતી, તેમાંની કેટલી સરભર થઈ છે અને કેટલી સરભર કરવાની બાકી છે, તે તેઓ જાહેર કરતા નથી. જો કે આ સમય દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરવેરાની કમાણી તો ચાલુ જ રહી હતી. હવે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ક્યારે ભાવ ઘટાડશે? તેનો જવાબ કોઈ આપી શકે તેમ નથી.

પેટ્રોલ અને ડિઝલ પરના કરવેરા કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે દૂઝણી ગાય સમાન છે. કેન્દ્ર સરકાર આબકારી જકાતના રૂપમાં વેરો વસૂલ કરે છે, જ્યારે રાજ્ય સરકારો વેટના રૂપમાં વેરો વસૂલ કરે છે. જો દિલ્હીની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ ૯૬.૭૨ રૂપિયા છે. તેમાં કેન્દ્ર સરકાર ૧૯.૯૦ રૂપિયા આબકારી જકાત વસૂલ કરે છે અને રાજ્ય સરકાર ૧૫.૭૧ રૂપિયાનો વેટ વસૂલ કરે છે. તદુપરાંત રીફાઇનરીનું માર્જીન ૧૨.૫૦ રૂપિયા છે. જો આ ત્રણ પ્રકારનો નફો કાઢી નાખવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલ અડધા ભાવે મળે તેમ છે.

પેટ્રોલ અને ડિઝલ પરના કરવેરાના રૂપમાં સરકારો દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૭.૭૪ લાખ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષ દરમિયાન પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને પીએનજી પરના વેટના રૂપમાં ૩૮,૭૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અગાઉ ગરીબોને સબસિડીના ભાવે ગેસના સિલિન્ડર આપવામાં આવતા હતા તેમાંથી પણ સરકાર હવે તગડી કમાણી કરી રહી છે. હકીકતમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની વેચાણ કિંમતના અમુક ટકા મુજબ ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે નીતિ જ બેઈમાની છે. પેટ્રોલ અને ડિઝલ પરનો ટેક્સ ભાવ મુજબ નહીં, પણ લિટર મુજબ હોવો જોઈએ. ૨૦૦૦ની સાલ પહેલાં તેવી  નીતિ હતી. તેને કારણે પેટ્રોલ-ડિઝલના ભાવો વધે તો પણ લોકો પરનો કરવેરાનો બોજો ભાવના પ્રમાણમાં વધતો નહોતો. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top