Gujarat Election - 2022

સુરત જિલ્લાની માંડવી, મહુવા અને તાપી જિલ્લાની વ્યારા, નિઝર બેઠક પર વધેલું મતદાન કોને ફળશે?

1 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતનાં સુરત સહિતના શહેરી વિસ્તારોમાં મતદાન ભલે ઓછું રહ્યું હોય પણ સુરત અને તાપી જિલ્લાની આદિવાસી બેઠકો પર 2017ની વિધાનસભાની ચૂંટણીની તુલનાએ વધુ મતદાન થયું હતું. અહીં માંડવી, વ્યારા અને નિઝરની બેઠક પર વધેલું મતદાન પરિવર્તન માટે હતું કે તાપી-પાર લિંક યોજનામાં ડૂબાણમાં જનારી જમીન બચાવવા આંદોલનને કપરાડા,ડાંગથી સુરત જિલ્લાના માંડવી સુધી ખેંચી લાવનાર વિપક્ષ કોંગ્રેસના ત્રણે ધારાસભ્યને બચાવવા માટે મતદાન થયું હતું.કે આદિવાસીઓએ બ્રાન્ડ મોદીનાં સમર્થનમાં મતદાન કર્યું છે? 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મહુવા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન ડોઢિયાએ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ડો તુષાર ચૌધરીને 6433 મતની સરસાઈથી પરાજિત કર્યા હતાં. સુરત જિલ્લામાં ભાજપની આ સૌથી ઓછી સરસાઈથી જીત હતી. ભાજપે જિલ્લા,તાલુકા પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણીઓમાં જે રીતે ભગવો લહેરાવ્યો એ જોતાં આદિવાસી બહુલ વિસ્તારો વાળી આ ચારે બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કટોકટ જંગ ખેલાયો છે. વ્યારા અને માંડવી બેઠક કોંગ્રેસ જાળવી રાખે એવું ચિત્ર ઉપસ્યું છે. જ્યારે નિઝર અને મહુવા બેઠકના પરિણામો ખૂબ ઓછા માર્જિનના બની શકે છે. અહીં ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના પરંપરાગત મતદારોનું વિભાજન થાય તો ભાજપનો જીતવાનો રસ્તો સરળ થઈ શકે છે.હાલ બંને પક્ષ ચારે ચાર બેઠકો જીતવાનો દાવો કરી રહ્યાં છે.

મહુવા વિધાનસભા
મહુવા વિધાનસભા બેઠક પર 2017 માં કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. તુષાર ચૌધરીને પાતળી સરસાઈથી હરાવનાર મોહન ડોઢિયાને ભાજપે રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે અગાઉ બળવાખોર અપક્ષ તરીકે 11,000 મત મેળવનાર ગુજરાત હાઈકોર્ટનાં એડ્વોકેટ હેમાંગીની ગરાસિયાને ટિકિટ આપી હતી. અહીં આપનાં ઉમેદવારે પણ ખૂબ સારો પ્રચાર કર્યો હતો. 2017માં અહીં 2,14,634 મતદારોમાંથી 1,64,990 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે આ વખતે 2,28,911 મતદારોમાંથી 1,68,596 મતદારોએ મતદાન કર્યું છે. ક્લોઝ ફાઈટમાં અહીં અગાઉ ભાજપમાં રહેલા આપના ઉમેદવાર કુંજન પટેલની ભૂમિકા નિર્ણાયક બની શકે છે. દોઢિયા અને ચૌધરી મતદારો જે તરફ ઢળે એ તરફ પરિણામ બદલાતું હોય છે. ભાજપે સુરત જિલ્લામાં ચૌધરી સમાજના એકપણ આગેવાનને ટિકિટ આપી ન હતી.એ મુદ્દો પણ પ્રચારમાં ચાલ્યો હતો.

વ્યારા વિધાનસભા બેઠક
તાપી જિલ્લાની વ્યારા બેઠક પર મતદારો ક્યારેય ભાજપ સાથે રહ્યાં નથી. ભાજપની સ્થાપના પછી ગુજરાતમાં મોદી વેવ વચ્ચે પણ આ બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે.1990માં ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ બી.ચૌધરી અને ઝીણાભાઈ દરજી વચ્ચેની લડાઈમાં અપક્ષ અમરસિંહ ઝેડ.ચૌધરી ચૂંટણી જીત્યા હતાં. એવી જ રીતે 1995 માં અપક્ષ પ્રતાપ ગામીતે કોંગ્રેસને પરાજય આપ્યો હતો. છેલ્લી બે ટર્મથી અહીં પુનાજી ગામીત કોંગ્રેસના ધારાસભ્ય છે. ખ્રિસ્તી સમુદાયમાં ખૂબ લોકપ્રિય હોવાથી ભાજપે પ્રથમવાર ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને ટિકિટ આપી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં અહીં ભાજપે સત્તા મેળવી હોવાથી વ્યારાનો જંગ કટોકટ બન્યો છે. અમરસિંહ અને ઝીણાભાઈ પાસે રાજકારણના પાઠ શીખનાર પુનાજી ગામીત હેટ્રિક કરશે કે આ વખતે ભાજપ ફાવશે એ 8 ડિસેમ્બરે ખબર પડશે.અહીં દર વખતે ભારે મતદાન થતું હોય છે.આ વખતે 2,23,091મતદારોમાંથી 1,68,596 મતદારોએ 75.57% જેટલું ભારે મતદાન કર્યું છે.

માંડવી વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વિપક્ષના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આનંદ ચૌધરી સૌથી વધુ સરસાઈથી ચૂંટણી જીત્યા હતાં. તાપી-પાર-નર્મદા લિંક યોજના સામે આંદોલન ઉપાડનાર વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ સાથે આનંદ ચૌધરીનું મોટું યોગદાન હતું .તેઓ આ આંદોલનને સોનગઢ સુધી લઈ આવ્યાં હતાં. 2017ની ચૂંટણીમાં પણ અહીં ત્રિકોણીય જંગ હતો જેમાં આનંદ ચૌધરીને 96,483, ભાજપના મેરજી ચૌધરીને 45,760 અને અપક્ષ કુંવરજી હળપતિને 29,552 મત મળ્યાં હતાં. ભાજપે અહીં કુંવરજીભાઇની ક્ષમતા પારખી તેમને ભાજપમાં પ્રવેશ આપી હળપતિ વિકાસ નિગમના ચેરમેન બનાવ્યા પછી ભાજપના અહીં ઉમેદવાર બનાવ્યા હતાં. 2017ની ચૂંટણીમાં હળપતિએ ભાજપના મત તોડતાં આનંદ ચૌધરીની લીડ વધી હતી. પંચાયત અને નગર પાલિકા ચૂંટણીમાં જીતતા આ બેઠક જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંપરાગત કોંગ્રેસી માનસિકતાનાં આદિવાસી મતદારોને ભાજપ કેટલું પોતાની તરફેણમાં લાવી શક્યું એના પર હારજીત નક્કી થશે. 2022ની ચૂંટણીમાં 2,46,604 મતમાંથી કુલ 1,88,164 નું મતદાન થયું છે. જે 76.22% જેટલું ઊંચું છે. અહીં આપ નાં ઉમેદવારની ભૂમિકા પણ મહત્વની છે એ જીતી શકે એમ નથી પણ ક્લોઝ ફાઈટમાં મુખ્ય પક્ષનો ખેલ બગાડી શકે છે.

નિઝર વિધાનસભા બેઠક
તાપી જિલ્લાની નિઝર બેઠક 2012 માં ભાજપના કાંતિભાઈ ગામીતે જીતી હતી. તેમને ત્રણ ટર્મના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ વસાવાને પરાજય આપી રાજ્યની મોદી સરકારમાં આદિજાતિ રાજયમંત્રી બન્યા હતાં. 2017માં કોંગ્રેસના સુનિલ ગામીતે 23,000ની મોટી સરસાઈથી હરાવ્યા હતા.સુનિલ ગામીત ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખ અને સુમુલ ડેરીના ડિરેક્ટર રહી ચૂક્યા છે. રાજકારણના આટાપાટા સારી રીતે જાણતા સુનિલ ગામીતને કોંગ્રેસે ફરી ટિકિટ આપતાં ભાજપને અહીં તાપી જિલ્લા પંચાયતમાં સત્તા અપાવનાર જિલ્લા પ્રમુખ અને વીર નર્મદ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ સભ્ય ડૉ. જયરામ ગામીતને ટિકિટ આપી હતી બીજી તરફ જુના સહકારી આગેવાન અરવિંદ ગામીતને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવતાં આપ કોંગ્રેસના મતોમાં વિભાજન કરે તો ભાજપને લાભ થઈ શકે છે. ભાજપ આ બેઠક જીતી ગયાનો દાવો કરી રહ્યું છે. તો સુનિલ ગામીત પણ પાતળી સરસાઈથી જીત મળશે એવો દાવો કરી રહ્યાં છે. છેલ્લી ચૂંટણીમાં બે ચૂંટણીમાં બે ધારાસભ્યો પરાજિત થયા હોવાથી સુનિલ ગામીત સામા પ્રવાહે બેઠક બચાવશે તો જાયન્ટ કિલર પુરવાર થશે.

Most Popular

To Top