લોકડાઉનમાં જયારે દેશની વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો ભેગા થયા…

ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કલાકારો એક જ ફેમિલીના સભ્યો હોય એ રીતે અભિનય કરે છે અને લોકોને જીવલેણ વાયરસ સામેની લડતમાં ઘરે રહેવાનો સંદેશો આપે છે. ઘરે રોકાવાના મહત્વ પર ભાર મૂકે છે.

વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ફેમિલીમાં તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, બંગાળી, ઉપરાંત બૉલિવુડ ઇન્ડસ્ટ્રીના કુલ 12 ઍકટસૅ એક સાથે આવ્યા છે. લગભગ 1.30 મિનિટની આ ફિલ્મમાં બૉલિવુડના અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, રણબીર કપૂર,આલિયા ભટ્ટ, જેવા સ્ટાર્સ છે. જયારે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત,ચિરંજીવી, મોહનલાલ,શિવ રાજકુમાર, અને મામૂટી સાથે સોનાલી કુલકણૅી, દિલજીત દોસાંઝ, અને પ્રોસેનજીત ચેટરજી એકસાથે દેખાય છે.

ફિલ્મની આખી વાતૉ બિગ બીના ગુમ થયેલા સનગ્લાસ અને તેને શોધવા માટેના દરેકના પ્રયત્નોની આસપાસ ફરે છે. ફિલ્મની પહેલી ફ્રેમ અમિતાભ બચ્ચનથી શરુ થાય છે. જયાં તેઓ પોતાની પત્ની પાસે પોતાના સન ગ્લાસીસ માંગતા દેખાય છે, પછી કઇ રીતે રણબીર અને દિલજીત ઘરના બધા સભ્યો(જે જુદા જુદા કલાકારો છે)ને પૂછે છે કે તેમને મિસ્ટર બચ્ચનના ચશ્મા કયાંક જોયા છે? છેલ્લે આલિયા પાસેથી ચશ્મા મળે છે અને પ્રિયંકા તેમને તેમના ચશ્મા આપે છે.
રણબીર અને દિલજીત રમૂજ પેદા કરે છે.

ફિલ્મમાં બધા અભિનેતાઓ તેમની મૂળ ભાષાઓમાં બોલતા અને એકદમ સારી રીતે વાર્તાલાપ કરતા જોવા મળે છે. ફિલ્મના ભાગોને એક્ટર્સના ઘરે શૂટ કરવામાં આવ્યા હતા.

અંતે, અમિતાભ બચ્ચન કહેતા જોવા મળે છે કે, “અમે બધાએ સાથે મળીને આ ફિલ્મ બનાવી છે, પરંતુ અમારામાંથી કોઈ પણ ઘરની બહાર નીકળ્યુ નથી. દરેક કલાકારે તેમના પોતાના ઘરમાં જ પોતાનો ભાગ શૂટ કયૅો છે. કોઈએ તેમના ઘરની બહાર પગ મૂક્યો નથી. તમે પણ કૃપા કરી ઘરની અંદર જ રહો. આ ખતરનાક વાયરસથી પોતાને સુરક્ષિત રાખવાનો આ એકમાત્ર રસ્તો છે. ઘરે રહો, સુરક્ષિત રહો. આ પણ પસાર થઇ જશે ‘ધીઝ ટુ શેલ પાસ’.”

તે વધુમાં કહે છે, “અમે આ ફિલ્મ બનાવવાનું બીજું કારણ એ પણ છે કે, ‘ભારતીય ફિલ્મ ઉદ્યોગ’ એક છે. આપણે બધા એક જ કુટુંબ છીએ. પરંતુ અમારું બીજું મોટું કુટુંબ છે એ લોકો જે અમારી સાથે કામ કરે છે. અને તે છે અમારા કામદારો અને દૈનિક વેતન કમાનારા સભ્યો. આ લોકોને લૉકડાઉનના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અમે બધા ટીવી ચેનલ સાથે મળી ભંડોળ ભેગુ કરવા એકઠા થયા છીએ. અને આ ભંડોળ અમારા કાર્યકરો અને દૈનિક વેતન મેળવનારાઓને આ મુશ્કેલ સમયમાં થોડી રાહત આપવા માટે વહેંચવામાં આવશે. “

Related Posts