Charchapatra

દિકરી શું કામ દુ:ખ વેઠતી રહે?

દીકરીને ગાય દોરે ત્યાં જાયનો જમાનો ગયો. રાંચી, ઝારખંડના એક પિતા પોતાની પીડિત દીકરીને સાસરેથી ઢોલ નગારાં સાથે પિયર પરત લઈ આવ્યા. આ રીતે બાપે ફક્ત દીકરીને બંધન મુક્ત નહીં કરી પરંતુ સમાજનાં જડ રીત રિવાજની સાંકળોને પણ તોડી. આજ પર્યંત એવું કહેવાતું કે, દીકરી લગ્ન પશ્ચાત સ્વસુર ગૃહે જ શોભે. આને કારણે અનેક દીકરીઓ કૂવો બની જતી કે વિષની બાટલીમાં પુરાઈ જતી.

કહેવાય છે કે પીડિતા સાક્ષિનો પતિ બે વાર પરણ્યો હતો છતાં તેણીએ લગ્ન જીવન ટકાવી રાખવા બનતા તમામ પ્રયાસો કર્યા હતા. હું વર્ષોથી મારી શાળાની દીકરીઓને કહું છું, પતિને ભરપૂર પ્રેમ આપજો અને સસરિયાઓની સેવ સુશ્રુષા કરજો અને માન મરતબો જાળવજો. પરંતુ સઘળી કોશિષો નિષ્ફળ જાય તો માવતરને જાણ કરી સાસરિયાંને વંદન કરી દેવા. આમ કરતાં બંને પક્ષે લાભ થશે. જે થાય એ પરંતુ માબાપને નિજ પુત્રી પરત મળશે.

છૂટાં થવું એમાં પાપ તો નથી જ પણ નાલેશી પણ નથી. ગુંડાગર્દી, રાજાકારણી કૌભાંડ, ખૂન ખરાબા જેવાં અનિષ્ટો કરતાં તો છૂટાં થવું સારું. માબાપ જીવંત હોય, કે સંતાન પણ, અને દીકરી વિના વાંક જિંદગી સાથે વેર બાંધે એ વાત અસહ્ય છે. હવેના માવતરે ખૂબ જ સહિષ્ણુ બની, સમાજની પરવા કર્યા વિના દીકરીને દોઝખમાં જતી બચાવી લેવી પડશે. સમાજ જેને કહી છીએ તે કોઈ કશું જોવા કે સહાય કરવા આવતો નથી. દીકરી આપણી છે, એને જીવાડવી કે મારવા દેવી એ આપણા હાથની વા છે. યાદ રહે, દીકરો એક કૂળને ત્યારે છે જ્યારે દીકરી બે કૂળને. કોઇકે યોગ્ય જ કહ્યું છે, દીકરો પત્ની આવે ત્યાં સુધી માબાપનો હોય છે પરંતુ દીકરી આજીવન બે કૂળ માટે બલિદાન આપે છે.
બારડોલી – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top