Columns

દેવઊઠી અગિયારસે સુખી થવા શું કરવું અને દુ:ખી થવા શું ના કરવું?

હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ ભગવાન ચતુર્માસની લાંબી નિદ્રા પછી જાગે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. ચાર મહિનાના અંતર પછી ફરી મંગલ કાર્યોની શરૂઆત થાય છે. માન્યતા મુજબ આ દિવસે ઉપવાસ કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આ દિવસે અમુક નિયમોનું પાલન જરૂરી છે, જે લોકો ઉપવાસ ના કરતા હોય તેમણે પણ અગિયારસના દિવસે અમુક ભૂલો કરવાથી બચવું જોઇએ…. નહીંતર આજીવન કષ્ટ સહન કરવું પડે છે.

શાસ્ત્રો મુજબ દેવઊઠી એકાદશી – શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુ અને દેવી વૃંદા એટલે કે તુલસીના વિવાહનો દિવસ છે. આ દિવસે ભગવાન ચાર મહિનાની નિદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનું સંચાલન પોતાના હાથમાં લે છે. ભગવાન રુદ્ર ચાતુર્માસ દરમિયાન સૃષ્ટિ સંચાલનના કામમાંથી મુકત થાય છે. આથી અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા પૂરેપૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરવી જોઇએ. રાતના સમયે અખંડ દીવો કરવો જોઇએ. ઘરની બહાર પણ દીવા કરવા જોઇએ. આ દિવસે ઘરના કોઇ પણ ખૂણામાં અંધારું ના રહે તેવા પ્રયત્ન કરવા જોઇએ. આમ કરવાથી સુખ – સમૃદ્ધિમાં વૃધ્ધિ થાય છે.

અગિયારસે તુલસીનાં પાન તોડવાં વર્જિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનાં તુલસી સાથે વિવાહ થયાં હતાં. આથી તુલસી માતાજીને ચૂંદડી ઓઢાડવી જોઇએ. તુલસીના છોડ પાસે દીવો કરવો જોઇએ. બારસે ઉપવાસનું પારણું તુલસીના પાનથી કરવું જોઇએ. તુલસીનું પાન ઉપવાસ કરનારે ન તોડવું જોઇએ…. પણ જેણે ઉપવાસ ના કર્યો હોય તેણે તોડવું જોઇએ… ભગવાન વિષ્ણુને અગિયારસ ખૂબ પ્રિય છે.

પુરાણમાં જણાવ્યા મુજબ આ દિવસે ડુંગળી, લસણ, માંસ, ઇંડાં જેવા તામસી પદાર્થનું સેવન ન કરવું જોઇએ. આવું કરનારને યમરાજના કઠોર દંડનો ભોગ બનવું પડે છે. આજ નહીં, પણ આવતા જન્મે પણ તેમને હેરાન થવું પડે છે.
શાસ્ત્રોમાં અગિયારસના દિવસે ચોખાની ચીજો ખાવાની મનાઇ છે. માન્યતા મુજબ આ દિવસે ચોખાની ચીજો ખાનાર વ્યકિત જીવજંતુ યોનિમાં જન્મ મેળવે છે. બારસે ચોખા ખાવાથી ઉદ્ધાર થાય છે. ભગવાન વિષ્ણુની તિથિમાં ચોખા ખાવાથી દૂર જ રહેવું જોઇએ.

અગિયારસના દિવસે મન શાંત રાખવું જોઇએ. વડીલોને માન-સન્માન આપવું જોઇએ. આ દિવસને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્‌ભાવ રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આ દિવસે ઘરના શુદ્ધ વાતાવરણને ખરાબ ન થવા દેવું. કલેશથી દૂર રહેવું. અગિયારસનો દિવસ પવિત્ર હોય છે. આ દિવસ ઊંઘવામાં ન બગાડશો. સવારે ઊઠીને શ્રીહરિ વિષ્ણુ ભગવાનનું નામ લો. ઉપવાસ ના કરો તો કમસેકમ વિષ્ણુ ભગવાનની પૂજા જરૂર કરશો.

અગિયારસના દિવસે દારૂ પીવાનું ટાળવું જોઇએ. આ વ્યસન વ્યકિતને અહંકાર તરફ લઇ જાય છે. અગિયારસે અહંકારમાં રહેવું સારું નથી. કંસ અને રાવણનું મૃત્યુ – ઘમંડને કારણે જ થયું હતું. આ દિવસે વ્યકિતએ નિંદા, ચોરી, ક્રોધ અને ખોટું બોલવાથી બચવું જોઇએ. આમ કરવાથી પરિવાર અને સમાજમાં તમે ધૃણાપાત્ર બનશો. અગિયારસના દિવસે ભગવાન નારાજ થાય તેવાં કામ ના કરશો.

દેવઊઠી અગિયારસના બીજા દિવસે એટલે કે બારસે દિવસના સમયે સૂવું ના જોઇએ. જો કોઇ વ્યકિત બીમાર હોય કે આરામ કરવો જરૂરી હોય – તેમણે માથા આગળ તુલસીનું પાન રાખીને થોડોક આરામ કરવો જોઇએ. ઉપવાસ કરવાથી શરીરમાં ફાયદા થાય છે – એ વિજ્ઞાને સાબિત કર્યું છે.
તુલસીવિવાહનું શુભ મુહૂર્ત
તુલસીવિવાહ ૫ નવેમ્બર ૨૦૨૨ ના દિવસે શનિવારે ઉજવાશે. કારતસ બારસ તિથિ ૫ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજે ૬:૦૮ થી પ્રારંભ થઇને ૬ નવેમ્બર ૨.૨૨ સાંજે ૫:૦૬ પર સમાપ્ત થશે.

Most Popular

To Top