Columns

‘આપણે’ શું? એટલે માણસાઇનું મોત…!

જીવલેણ હોનારત, કુદરતી આપત્તિ, માનવસર્જિત અકસ્માત ઠેર ઠેર દેખા દે છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરત વિફરી છે તો બીજી તરફ માનવમાં બેફિકરાઇ વિલસી રહી છે. માનવ હૈયું સંવેદનહીન બનતું જાય છે. ગમે તેવા હૃદય કંપાવનારાં દૃશ્યો જુએ તો પણ મદદ કરવાની વાત તો બાજુ પર રહી પણ ‘આપણે શું?’ એમ કહીને ઘટનાઓથી મોઢું સંતાડી દેનારા અસંવેદનશીલ માણસનો તોટો નથી. કયાંક કરૂણા વરસાવવાની હોય કે કોઇને સહાયરૂપ બનવાનું હોય, કટોકટીના સમયમાં મદદરૂપ થવાનું હોય ત્યારે માણસ મોઢું મચકોડી પીઠ ફેરવી ‘આપણે શું?’ કહી ચાલવા માંડે છે.

‘આપણે શું?’ની ભાષા ખૂબ ખતરનાક છે. ભાગવા માટેની છટકબારી છે, કામ ન કરવું, પલાયન થવા માટેનું બહાનું છે. એમાં સ્વાર્થની દુર્ગંધ અને બેજવાબદારીની બદબૂ છૂટે છે.
– મરણ થયું છે, થાય, આપણે શું?
– અરે, રોડ પર અકસ્માત થયો છે, થાય, આપણે શું? – રસ્તા વચ્ચે આ શબ રઝળી રળ્યું છે, રઝળે, આપણે શું?
– કોઇ અંધ આજીજી કરે છે મને કોઇ રોડ ક્રોસ કરાવો ને માણસ બોલી ઊઠે છે મને કયાં સમય છે? કોઇ બીજાની મદદ લે, મારે શું પડી છે?
આ આપણે શું? એટલે માણસાઇનું મોત…!
આપણે શું? એટલે સંવેદનશીલતાનું મરણ…! આજે સંવેદનશીલતા કયાં છે?

કુદરત વીફરે ત્યારે કેવી વીફરે એવા તાદૃશ્ય સમાચાર છેલ્લા પંદર દિવસથી આપણને તુર્કી તથા સિરિયાથી મળી રહ્યા છે. ત્યાં સર્જાયેલા ભીષણ ભૂકંપે બંને દેશના કેટલાક પ્રદેશને કેવા ધમરોળીને જે વિનાશ રેલાવ્યો છે એ જાણીને આપણે કંપી જઇએ. લગભગ મૃત્યાંક 20 હજાર પણ વટાવી જાય એવી શકયતા છે. આવા સમયે યુધ્ધના ધોરણે કાર્ય કરવા-મદદરૂપ થવા ખૂબ બધા માણસોની જરૂર હોય છે.

સરકારી ધોરણે સૈન્ય દળ, રેસકયુ એ બધા તો સતત કામગીરી કરતા હોય છે અને કેટલાંયના જીવ બચાવતા હોય છે પણ સામાન્ય નાગરિક આ સેવામાં કેટલા જોડાશે? બધા વોટ્‌સએપ પર, ટીવી પર સમાચાર સાંભળી દુ:ખ વ્યકત કરી બેસી રહેશે. વર્તમાનમાં બીજી એક વાત એ છે રશિયાએ યુક્રેન પર યુધ્ધ આદરીને કુલ દોઢથી બે લાખ માનવીઓનો ખુરદો બોલાવી દીધો. તેમાં 7510 રશિયન મર્યા છે. પુતિનના વ્હાલા દેશવાસીઓ, તેમાંય ખાસ કરીને નૌયુવાનો, યુક્રેનના શહેરો અને નાગરિકોની આવડી મોટી ખુવારી કરી છે, આ તો માનવસર્જિત છે કયાં ગઇ સંવેદના?

યુક્રેનના આ યુધ્ધને આ 24 ફેબ્રુઆરીએ 1 વરસ પૂરું થશે. આ તુર્કીયે યુક્રેનની સામે પડયું હતું અને ભૂકંપગ્રસ્ત સિરિયા પણ યુધ્ધમાં રશિયાને પરોક્ષ અને પ્રત્યક્ષ સાથ આપી રહ્યું હતું. સિરિયાના રાજાશાહી પ્રમુખ અસદની ગાદી ટકાવી રાખવામાં રશિયાનો સૌથી મોટો ફાળો હતો. તાત્પર્ય એ કે કુદરત ફટકો મારે ત્યારે કોના પર દોષારોપણ કરવું? બીજી મહત્ત્વની વાત એ છે કે યુક્રેનની જે બદતર સ્થિતિ થઇ છે તે માનવસર્જિત છે. માનવીય સંવેદના કેવી? માનવ માનવનો વિચાર ન કરે. એક માણસના વટ અને મિથ્યા વિચારોમાંથી તે પેદા થઇ છે.

ગમખ્વાર બરબાદી મટે દુનિયાના અગ્રણી નેતાઓના હૃદય પીગળતા નથી. બધાની સંવેદના મરી પરવારી છે. દરેક લોકો પોતપોતાની રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે, આ યુધ્ધના પરિણામે મોટા ભાગની દુનિયા અછત, મોંઘવારી અને બેરોજગારીથી પીડાતી થઇ ગઇ છે. લાખો બાળકો અનાથ બની ગયાં છે અને બની રહ્યાં છે. આવી હાલતને ટકાવી રાખનારા લોકો ભૂકંપની ખુવારી માટે આંસુ વહાવે તે સાચા લાગે ખરાં? આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે થાય કે સંવેદના મરી પરવારી છે!

ગૌતમ બુધ્ધને યાદ કરીએ. એમની પાસે સંવેદના, લાગણી એવી હતી કે અણજાણ રોગીને જોતાં જ વિષાદથી તેઓ ઘેરાઇ ગયા હતા. જયારે આપણી લાગણી એવી બુઠ્ઠી બની રહી છે કે સગાં માતા-પિતાને રોગગ્રસ્ત નિહાળવા છતાં કોઇ સમસંવેદના ‘ફિલ’ કરી શકતા નથી. બુધ્ધ પેલા વૃધ્ધને કમરથી બેવડ વળી ગયેલ જોઇને વ્યથાગ્રસ્ત બની ગયા હતા જયારે આપણે લકવાથી સંપૂર્ણ પથારીગ્રસ્ત સ્વજનને રોજ નજર સમક્ષ નિહાળવા છતાં કોઇ સંવેદન અનુભવ્યા વિના યંત્રવત ત્યાંથી પસાર થઇ શકીએ છીએ. બુધ્ધ પેલા અપરિચિતની અર્થી જોતાં જ ઘેરી વેદનામાં સરી ગયા હતા જયારે આપણે તો સગા બાપની અર્થી નીકળતી હોય તોય સોદાબાજી કરી લેવાની ખતરનાક સંવેદનશૂન્યતા છતી કરીએ છીએ. એવી જ એક હૃદયદ્રાવક ઘટના જોઇએ…

એક શ્રીમંત પરિવાર, પિતાનાં ત્રણ સંતાનો. બે પુત્રો અને એક પુત્રી. પુત્રોએ વૃધ્ધ પિતાનો વ્યવસાય સંભાળી લીધો હતો. તો પુત્રીના પણ એક શ્રીમંત પરિવારમાં લગ્ન થયા હતા. છતાં પુત્રીને સંતોષ ન હતો. પુત્રીની દાનત પિતાની સંપત્તિ પર હતી, એની દલીલ હતી કે પિતાજીના સંતાન તરીકે મને સંપત્તિનો ત્રીજો હિસ્સો મળવો જ જોઇએ. પુત્રોને આ વાત મંજૂર ન હતી. પિતાએ પણ મરતા પહેલાં ઉલ્લેખ કરેલો કે તારા લગ્ન વખતે મેં તને બધું આપી દીધું છે. હવે તારો કોઇ ભાગ નથી.

એવામાં રોગગ્રસ્ત પિતાનું મૃત્યુ થયું. પુત્રીએ ખરેખર સંપત્તિના લોભમાં તણાઇને ભાઇઓને સ્પષ્ટ ધમકી આપી કે અત્યારે ને અત્યારે ત્રીજા હિસ્સાની મિલકત મારા નામે કરવાનું લખાણ કરી આપો નહિ તો હું પિતાજીની અર્થી નીકળવા નહીં દઉં. વચ્ચે આડી સૂઇ જઇશ. ઘણી રકઝક છતાં સંવેદનહીન દીકરીએ જીદ ન મૂકી. ભાઇઓની ઐસી તૈસી મારે શું? બિચારા ભાઇઓ બહેનના આવા વર્તનથી ફડફડવા લાગ્યા. આખરે તમાશો ટાળવા દીકરાઓએ લખાણ લખી આપ્યું પછી જ સ્મશાનયાત્રા નીકળી. આ વાતમાં દીકરીની ભલે જીત થઇ પણ સંવેદના, લાગણી, માણસાઇની દૃષ્ટિએ તો એ સાવ હારી ગયેલી જ કહેવાય.

‘આ આપણે શું?’ એટલે નર્યો સ્વાર્થ…! માણસ માત્ર શ્વાસ તૂટવાથી જ મરતો નથી, બીજાનું જે થવાનું હોય તે થાય! ‘આપણે શું?’ બીજાને ધક્કાધક્કી કરી પાડી નાંખવું, તેને ઊભો કરવાનો પણ વિવેક ન કરવો આમાં આપણી હોંશિયારી નથી. સંવેદનાનું નર્યું ખૂન છે…! ઘર આગળ કોઇ તરસી ભિખારણ કેડમાં બાળક હોય ને કહે છે, ‘’બહુ તરસ લાગી છે, જરા પાણી પાશો?’’ ત્યારે ‘’આગળ જા, આગળ’’ કહી ધુત્કારીએ છીએ ત્યારે માણસની માનવતાનું મૃત્યુ થાય છે.

આવા સંવેદનશૂન્ય માણસો વચ્ચે કયારેક અને કયાંક કયાંક ‘જીવતા માણસ’નો, માનવતાથી ભર્યા ભર્યા ચહેરાનો ભેટો થઇ જાય છે. ત્યારે મન આનંદ અનુભવે છે. રસ્તામાં બેસી ભીખ માંગી રહેલી વૃધ્ધા- કવિ નિરાલાની સામે હાથ લંબાવી રહી છે- કહે છે ‘’બેટા, બહુ ભૂખ લાગી છે- કંઇક આપ!’’ ત્યારે કવિના મનમાં સંવેદના જાગી ને પુસ્તકના રોયલ્ટીના રૂપિયાનું બંડલ પેલી ભિખારણ વૃધ્ધાના હાથમાં મૂકી દેતા જ કહે છે કે ‘’તે મને બેટા કહ્યો, મારી મા આમ ભૂખે મરે અને હું ગજવામાં નોટોનો થપ્પો લઇને ફરું? મારી મા કદી ભીખ ન માંગે…!’’ આવા લાગણીસભર મનુષ્યોની આજે અછત છે. જે હૃદય સંવેદનાથી આર્દ્ર હોય તે હૃદયમાં જ માણસાઇ મ્હોરી શકે છે. તો વાચક મિત્રો…! સંવેદનશીલ બની કોઇને મદદરૂપ થવાની દિલી ભાવના કેળવીએ, માનવે સાચા અર્થમાં માનવ બનવાનું છે. આપણા દિલમાં કરૂણાનો સ્ત્રોત આપોઆપ વહેવો જોઇએ.

Most Popular

To Top