Columns

બોર્ડ પરીક્ષા- કાઉન્ટ ડાઉન શરૂ..

આજે થઇ 18 ફેબ્રુઆરી, આવતી 14 માર્ચથી પરીક્ષા શરૂ થવાની. પૂરા 23 દિવસનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂકયું છે. જેમાં દિવસના વાંચવાના 12 કલાક ગણીએ તો 276 કલાક. જેમનું પૂરેપૂરું વંચાયું છે તેમને પરીક્ષા કયારે શરૂ થાય એની ઇંતેજારી છે. એવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે જેમણે આખું વર્ષ વાંચ્યું છે, મહેનત કરી છે છતાં એમને એમ જ થાય છે કે હજુ થોડો વધારે સમય મળી જાય તો વધુ વંચાઈ જાય અને બીજા એવા 10-15 % વિદ્યાર્થીઓ હોય છે જેમણે વાંચ્યું છે પણ એમ થાય કે પરીક્ષામાંથી ડ્રોપ લઇ લઈએ અને પછી આપીશું. મિત્રો એવું વિચારો કે તમારી પાસે ઓછામાં ઓછા 276 કલાક છે, હજુ પણ એનો ઉચિત ઉપયોગ કરવાથી તમે તમારા ધ્યેયને આંબી શકશો. વાલીઓ આ સમયગાળો સંતાનોની સાથે ટકટક કરવાનો નથી, એમને વધુ પડતી સલાહસૂચન ન આપો. એમના આખા વર્ષના શેડયુલથી તમે પણ અજાણ ન હતા.

પાર્થ ખૂબ જ સોશ્યલ છે. ફ્રેન્ડસર્કલ પણ ખાસ્સું છે. બધા ગ્રુપમાં વાંચવા ભેગા થાય છે પણ ખાવાનું, હસીમજાકમાં વધુ સમય પસાર થાય છે. પાર્થની મમ્મીએ એને વારંવાર ના પાડી હતી કે એકલા વાંચવાનું કર પણ પાર્થ માનતો જ નહોતો. હવે જેમ જેમ દિવસ નજીક આવે છે તેમ તેમ પાર્થની ગભરામણનો પારો ઊંચો જાય છે. અત્યારે પાર્થને સલાહસૂચન ગમતાં નથી. ઘરમાં કંકાશ ઊભો થાય છે. માતાપિતા, સંતાન સૌ માનસિક તાણ અનુભવે છે. આવી પરિસ્થિતિમાં હિંમત ન હારતા, હજુ જે દિવસો છે તેનો સદ્‌ઉપયોગ કરી લેવાનો સમય છે. જેથી વર્ષ બચાવી શકાય અને માનસિક તાણના લીધે માનસિક આરોગ્યના પ્રશ્નો ઊભા ન થાય.

સૌ પ્રથમ તો-

એક રેગ્યુલર રૂટિન સેટ કરો જેનો પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી અમલ કરવાનો: ધો. 10-12ની પરીક્ષાના સમયમાં ફેરફાર હોય છે. તે રીતે દરરોજ સવારે ઊઠવાનો સમય અને રાત્રે સૂવાનો સમય નક્કી કરી લેવો જેથી પરીક્ષાના સમયે તમે માનસિક રીતે ફ્રેશ ફીલ કરો. પારસ ધો. 12નો વિદ્યાર્થી, પરીક્ષાનો સમય બપોરનો. હવે પારસને સવારે ચાર વાગે ઊઠીને વાંચવાની આદત, ગણિતની પરીક્ષાના દિવસે પણ એણે સવારે ચાર વાગે ઊઠીને તૈયારી કરી, બપોરે પરીક્ષા આપવા ગયો, બાર કલાકના અંતે એ માનસિક રીતે થાકી ગયેલો, પરીક્ષાખંડમાં આવડતું હોવા છતાં ભૂલી જવાયેલું. મિત્રો, આપણું બ્રેન- મગજ પણ થાકતું હોય છે માટે સતત બાર કલાકનાં કામ પછી એને પણ આરામની જરૂર પડે માટે પરીક્ષાને ધ્યાનમાં રાખી તમારો ઊઠવાનો સૂવાનો શેડયુલ નક્કી કરી વાંચવાનું સમયપત્રક બનાવો. જેનો અમલ તહે દિલસે કરો, એક ધ્યેય નક્કી કરો કે હું મળેલા સમયનો ઉપયોગ કરી ઊંચી ટકાવારી જરૂરથી લાવવા પ્રયત્ન કરો.

સમયપત્રકમાં બે- બે કલાકના સેશન રાખી અભ્યાસક્રમમાં રહી ગયેલી તૈયારી પૂરી કરો. કદાચ આખા વર્ષ દરમ્યાન દરેક પાઠમાંથી થોડું થોડું છોડી વૈકલ્પિક રીતે વાંચન લર્ન કર્યું હોય તો બાકીનું જરૂરી લર્ન કરવાનું બને છે જે પરીક્ષાલક્ષી ધ્યાનમાં રાખી તૈયારી કરવા મંડી પડો.

ઘણા વિદ્યાર્થીઓ જેટલું લર્ન કરે તેટલું યાદ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવા કોઇને – માતાને કે અન્ય સભ્યને મોઢે લેવાનું કહેતા હોય છે. પણ હવે જયારે રાત થોડી અને વેશ ઝાઝા હોય ત્યારે આ આદતમાંથી બહાર આવી પોતાની યાદશકિત પર વિશ્વાસ રાખવો જરૂરી બને છે. નહીં તો મોઢે આપવામાં સમય જતો રહેશે અને યાદ રહે છે તેનો વિશ્વાસ કેળવી શકાશે નહીં.

પ્રી બોર્ડની પરીક્ષા પછી પણ ઘણા પેપરના જવાબો લખવાના કાર્ય પર ભાર મૂકતા હોય છે. જે આવા વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં બહુ હિતાવહ નથી. કેમ કે જો અભ્યાસક્રમનું લર્નિંગ 80-90% સુધી પૂર્ણ ન થયું હોય તો પેપર લખવાથી બધા જ પ્રશ્નોના જવાબોને પૂરતા પ્રમાણમાં ન્યાય આપી શકાશે નહીં. જેના લીધે આત્મવિશ્વાસ ડગી જશે કે મને તો પૂરેપૂરું પેપર લખવાનું આવડતું જ નથી માટે માત્ર લર્નિંગ પર ધ્યાન આપો. તમારા લર્નિંગ વિશે અન્ય મિત્રો સાથે ચર્ચા ન કરો કે મારું આટલું વંચાયું, તારું બધું વંચાઈ ગયું. કોઇ વિષયમાં તમારું વધુ વંચાયું હોય, કોઇ વિષયમાં એનું વધારે વંચાયું હોય તો સરખામણી ન કરો. માત્ર તમારા લર્નિંગની ટકાવારી પર ધ્યાન આપો. અભ્યાસક્રમના 85-90 % સુધી લર્નિંગ થઇ જવું જરૂરી હોય છે.

મુખ્ય વાત કે જો 35-40 દિવસના સોશ્યલ મીડિયાના અપવાસ કરો- સોશ્યલ મીડિયામાં કનેકટ રહેવાથી એક તરફ ‘આઇ એમ કનેકટેડ’ની ફીલીંગ આવે છે સાથે જ ટાઇમ કન્ઝ્યુમિંગ છે, એકાગ્રતા કેળવવામાં મોટું ડિસ્ટ્રકટર છે માટે ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરશો તો ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા, સહજતા અનુભવશો અને સમય પણ વધુ મળે છેની લાગણી અનુભવી શકાશે. માતાપિતા જો મોબાઇલ લઇ લે તો થોડી કડવાશ ઓછી રાખજો. અપસેટ ન થતાં વિચારજો કે આ દુનિયામાં સૌથી પહેલા શુભેચ્છક તમારા માતાપિતા જ છે.

આરામ અને આરોગ્ય: કોઇ પણ વ્યકિત જયારે વધુ તાણ અનુભવે ત્યારે કયાં તો વધુ ખાય, વધુ ઊંઘે અથવા ઓછું ખાય, ઓછું ઊંઘે માટે વાલીઓએ સંતાનોનાં લક્ષણો પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. સમજીને એમને ભાવનાત્મક સપોર્ટ આપો જેથી બોર્ડની પરીક્ષા- પ્રોજેકટ સુપેરે પાર પાડી શકાય. સંતાનો શું કરશે એની ચિંતામાં તમારું બી.પી. કે અન્ય આરોગ્યની સમસ્યા વકરે નહીં તેની જાગરૂકતા રાખવી જરૂરી છે.
‘Productivity is never an accident. It is always the result of a commitment.’

Most Popular

To Top