Columns

સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મહાશિવરાત્રીનો ઉપવાસ કઈ રીતે કરશો?

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની પ્રથા તો હમણાં દુનિયામાં પ્રચલિત થઈ પરંતુ આપણાં શાસ્ત્રો મુજબ આ પ્રકારના ઉપવાસોનું ચલણ અને રિવાજો સદીઓથી ચાલ્યા આવે છે. મહાશિવરાત્રીના ઉપવાસનું તો સૌથી વધુ મહત્ત્વ છે અને મોટે ભાગે આખા ભારતમાં દરેક રાજ્યમાં હિન્દુઓ આ વ્રત કરે છે. આવો આજે આ મહાશિવરાત્રીના ઉપવાસનું ધાર્મિક અને આયુર્વેદ તથા પોષણશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્ત્વ સમજીએ.

ધાર્મિક મહત્ત્વ :
મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14મા દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે. કેટલાંક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે. શિવલિંગને પાણી અને બિલીપત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે.
મહાશિવરાત્રી એ કેટલીક વાયકાઓ પ્રમાણે શિવ અને પાર્વતીના લગ્નનું પર્વ છે તો કેટલીક વાયકાઓ મુજબ આ દિવસે શિવે તાંડવ નૃત્ય કર્યું હતું અને આખી સૃષ્ટિનો એક વાર વિલય કરી નવી સૃષ્ટિની રચના કરી હતી.

બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાણી સૌથી વધારે ચર્ચિત છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જ સમુદ્રમંથન દરમિયાન કાલકેતુ વિષ નીકળ્યું હતું. ભગવાન શિવ સંપૂર્ણ બ્રહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું, જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે. ટૂંકમાં, આ દિવસને પવિત્ર અને તનમનના શુદ્ધિકરણ માટે યોગ્ય દિવસ ગણીને આ દિવસે ઉપવાસ રાખવાની વર્ષોં જૂની પ્રથા ચાલી આવી છે . લોકો માત્ર પાણી પીને કે એક વાર ફરાળ ખાઈને આ ઉપવાસ કરે છે.

અહીં પર્યાવરણની દ્રષ્ટિ એ સમજીએ તો મહાશિવરાત્રી બિલકુલ ઋતુઓના બદલાવના સમયે આવે છે એટલે કે શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થાય છે. અહીં સવારે અને રાતે ઠંડક અને ભર બપોરે પુષ્કળ તાપ અનુભવાય છે. આવી મિશ્ર ઋતુને લીધે શરીરની તાપમાનની વ્યવસ્થા ખોરવાય છે અને શરીરમાં વિષ (ટોક્સીન્સ) જમા થાય છે અને એથી જ રોગપ્રતિકારકશક્તિ નબળી પડે છે.

એથી જ કદાચ શરીરમાં રહેલાં આ ટોકસીન્સ(તામસિક દ્રવ્યોને)બહાર કાઢવા માટે (જેને હાલની ભાષામાં ડિટોક્સ કરવા માટે) ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવતી હશે. જો તમે પણ મહાશિવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખતા હોવ તો તમારે જાણવું જ જોઈએ કે ઉપવાસ કરતા પહેલાં અને ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ? શહેરી જીવનમાં જેઓ ઓફિસની નોકરી કરતા હોય તેમના માટે મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ રાખવાનું થોડું મુશ્કેલ હોય છે. જો તમે કામ કરતા હોવ તો તમારે ઉપવાસ પહેલાં અને ઉપવાસ દરમિયાન ભોજનનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉપવાસ કરતા પહેલાં શું ખાવું જોઈએ?
• ઉપવાસ કરતા પહેલાં બદામ અને અખરોટ ખાઓ જેથી તમારા શરીરની શુગરનું બેલેન્સ જળવાઈ રહે.
• ફળોમાં તરબૂચના જ્યુસ અને તરબૂચનું સેવન કરો કારણ કે તે શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી.
• જીરાનું પાણી પીવાનું ભૂલશો નહીં કારણ કે તે એસિડિટીની સમસ્યાથી બચાવે છે.
• ઉપવાસ દરમિયાન અથવા ઉપવાસ પહેલાં નારિયેળ પાણી પીવાથી શરીરને એનર્જી તો મળે જ છે સાથે સાથે શરીરને ડિહાઈડ્રેશનથી પણ બચાવી શકાય છે.
• લીંબુપાણી ગોળ અથવા મધ ઉમેરીને લઇ શકાય.
•• જો ડાયાબિટીસ ન હોય તો ખજૂરનું સેવન કરવું.
• સીંગદાણાની ચીકી અથવા સીંગ અને ખજૂરના લાડુ બનાવીને લઇ શકાય જેથી આખા દિવસ દરમ્યાન બ્લડશુગર ઘટી ના જાય.
ઉપવાસ દરમ્યાન
આખા દિવસ દરમ્યાન થોડું થોડું પાણી પીતા રહેવું જેથી બપોરમાં ગરમીના સમયે ગળું ન સુકાય.

ઉપવાસ પછી શું ખાવું?
•• ભોજનની શરૂઆત એક વાટકી પપૈયા અથવા ફળ ખાઈને કરવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ પણ આ ફળનું સેવન કરી શકે છે. રેસાયુકત ખોરાકથી ભોજનની શરૂઆત કરવાથી ભૂખ ઓછી થઈ જાય છે.
•• ફળો ખાધાના એક કલાક પછી એવો ખોરાક ખાવો જે સરળતાથી પચી જાય, જેમ કે દાળ કે રાજગરાનો રોટલો વગેરે.
•• મોરૈયો એ ઓછું કાર્બોહાઈડ્રેટ અને ઓછી કેલરી ધરાવતો ફરાળી આહાર છે. તેનું સેવન કરી શકાય.
•• દહીંનું પુષ્કળ સેવન કરો. દહીં શરીરના હાનિકારક બેક્ટેરિયાનો તો નાશ કરશે જ પણ સાથે સાથે પ્રોટિન આપશે જેના કારણે લાંબો સમય પેટ ભરેલું લાગશે.
• ફળો, દહીં, સૂકોમેવો અને મખાના ઉમેરીને તેની સ્મુધી બનાવીને પી શકાય. જે શરીરને ખૂબ આધાર આપે અને પ્રમાણમાં ઓછી કેલરી આપે.
• લીલા કોપરામાં રહેલું મિડિયમ ચેઇન ટ્રાયગ્લીસેરાઇડ ( MCT) નું સેવન પણ પાચનતંત્રને મજબૂત બનાવશે. શક્ય એટલું લીલા કોપરાનું સેવન કરવું.

ઉપવાસમાં શું ટાળવું?
• ઉપવાસ તોડતી વખતે સાબુદાણાનાં વડાં, તળેલો રતાળુનો કંદ, વેફર જેવી વધુ પડતી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતી વાનગીઓ આખો દિવસ આરામ પામેલા આંતરડા પર ખૂબ ભારણ કરશે તો તેને બદલે તળેલો ન હોય એવો ખોરાક જ લેવો.
• મીઠાઈઓ અને આઈસ્ક્રીમ જેવા વધુ પડતાં ખાંડ ધરાવતાં વ્યંજનો કે જે ગ્લાયસેમિક લોડ વધારે તેને ટાળવા.
• મીઠાને બદલે સિંધવ મીઠું ભલે વાપરતા હોવ પણ વધુ પડતો વપરાશ સિંધવ મીઠાનો પણ ટાળવો. બ્લડપ્રેશરના દર્દીઓ આ એક દિવસ દરમ્યાન બિલકુલ મીઠા વગર(સિંધવ પણ નહિ)નો ખોરાક લઇને બ્લડપ્રેશરને કાબૂમાં કરી શકે છે .
આમ, થોડુંક ધ્યાન રાખીને ખોટા પ્રકારે થતાં ઉપવાસ દ્વારા થતાં નુકસાનથી બચી શકાય છે.

Most Popular

To Top