Business

31 ડિસેમ્બર સુધીના સ્ટોક પર જીએસટીનો કયો દર લાગશે? સુરતના વેપારીઓને ચિંતા

સુરત: GST Council દ્વારા કાપડ ઉદ્યોગ પર એકસમાન 12 ટકા જીએસટીના દર લાગુ કરાતા સુરતના કાપડ ઉદ્યોગમાં (Surat Textilei Industry) ચિંતા ફરી વળી છે. કાપડઉદ્યોગના અનેક ઘટક પર 5 ટકાના દર વધીને 12 ટકા થઈ જતા કપડાનું ઉત્પાદન અને વેચાણ મોંઘું થવાનો ભય વેપારી, (Traders) વીવર્સને (Weavers) સતાવવા લાગ્યો છે. આ નવા ફેરફાર સામે સુરત સહિત દેશભરના કાપડ ઉદ્યોગમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. સરકાર જીએસટીના દરો પહેલાં જેવા નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરત તેની આગેવાની લઈ રહ્યું છે ત્યારે સુરતના કાપડના વેપારીઓને જ્યાં સુધી દર પૂર્વવત્ત નહીં થાય ત્યાં સુધી કેવી રીતે વેપાર કરવો અને ખાસ કરીને 31 ડિસેમ્બર સુધીના સ્ટોક પર જીએસટીના કયા દર અનુસાર ગણતરી કરવી તે ચિંતા સતાવી રહી છે.

1 જાન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગમાં જીએસટીનો દર 5 ટકાને બદલે 12 ટકા લાગુ થવા જઇ રહ્યો છે. જોકે સરકારે નોટીફીકેશનમાં મેનમેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનના વેપાર અંગે કોઇ વિગતવાર સ્પષ્ટતા કરી નહીં હોવાથી સુરતની કાપડ માર્કેટના (Textile Market) વેપારીઓની ચિંતા વધી છે. તેને લઇ આજે સુરત મર્કન્ટાઇલ એસો. દ્વારા વેપારીઓની બેઠક યોજી સી.એ. આકાશ અગ્રવાલ પાસે કાનૂની સ્પષ્ટતાઓ માગી હતી.

વેપારીઓની ચિંતા એ બાબતને લઇને છે કે 31 ડિસેમ્બર સુધીના કાપડના સ્ટોક પર 1 જાન્યુઆરી 2022થી જીએસટીનો કયો દર લાગશે? 5 ટકાના દરે બહારગામના વેપારીને મોકલાવેલો માલ રિટર્ન ગુડસ (Return Goods) તરીકે પરત આવી પાછો વેચાશે તો જીએસટીનો કયો સ્લેબ લાગશે ?
અગ્રવાલે કહ્યું હતું કે જીએસટીની ઇન ડાયરેક્ટ ટેક્સેસન પ્રણાલીમાં ટેક્સ છેવટના ઉપભોકતાએ ભોગવવાનો છે. બાકીની તમામ કડી સર્વિસ પ્રોવાઇડર છે. 31 ડિસેમ્બર સુધીનો જુનો સ્ટોક વર્ષના અંત સુધીમાં જ 5 ટકાના દરે વેચી શકાશે તે પછી નવા વર્ષે વેચાણ માટેનો નવો ટેક્સ સ્લેબ લાગુ થશે. એવી જ બાબત રિટર્ન આવતું ગુડ્સ ફરી વેચાશે તો 5 ટકા ડયુટી લાગશે કે 12 ટકા તે બાબત પણ નાણા મંત્રાલયે હજી સ્પષ્ટ કરી નથી.

Most Popular

To Top