Charchapatra

ભારતની સર્વોપરી સત્તા કઈ? સંસદ કે સર્વોચ્ચ અદાલત?

સમાચાર પત્રોમાં વાંચવા મળ્યું કે ભારતની સર્વોચ્ચ અદાલત હવે સરમુખત્યાર થવા માંડી છે. ભારત સરકારની એકેએક વાત પર ચંચુપાત કરે છે. આઝાદી મળી તે પહેલાં ન્યાય તો તોળાતો જ હતો, પરંતુ કોર્ટો દ્વારા નહીં, પંચાયતો દ્વારા, ગામડાનાં લોકો તેને માન્ય ગણતા. આઝાદી મળ્યા પછી જિલ્લાવાર કોર્ટો રચવામાં આવી અને તે કદી સરકારની ઉપરવટ જતી સાંભળવામાં આવી નથી. ભારત પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું પછી સંસદ સર્વોપરી ગણાતી આવે છે. સંસદને ચુકાદા આપ્યા પછી રાષ્ટ્રપતિની સંમતિ-સહી ખરડા પર લેવાની પ્રથા છે. પ્રજાની સુખાકારીના કાયદા બહુમતીથી ચૂંટાઈ આવેલા પક્ષ દ્વારા લેવામાં આવે છે.

કોર્ટ વગેરે તો પ્રજાકીય લડાઈઓ, ચોરી, લૂંટફાટને માટે ન્યાય કરવા માટે રચવામાં આવી. જિલ્લાવાર કોર્ટની ઉપર રાજ્યની અદાલતો રચવામાં આવી. ત્યાં સંતોષ ન થતાં દેશની સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે. પરંતુ હાલમાં સરકારના કાયદાઓની ઉપર જઈ સુપ્રીમ બધી વાતમાં સર્વોપરી બનવાની રીતો અજમાવે છે. આવી કોર્ટની કાયદાકીય ન્યાય તોળવાની રીતને પ્રજાની સત્તા આંચકી લેવાની રીત તરીકે જોઈ શકાય. જો કે, છેલ્લાં છ વર્ષથી ચૂંટાયેલી સરકાર ભાજપ પક્ષની છે તે આ સુપ્રીમની સર્વોપરિતા સ્વીકારતી નથી. હવે પ્રજાએ નક્કી કરવાનો વખત આવ્યો છે કે ભારતની સર્વોપરી સત્તા કોને કહેવી. બંધારણ પ્રમાણે તો સરકાર જ દેશની સર્વોપરી સત્તા ગણાય છે!
પોંડીચેરી          – ડૉ.કે.ટી. સોની    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ખોવાયેલી સીરીયલ ફરી શરૂ કરો
એક સમય હતો દૂરદર્શન પર ‘નુક્કડ’, ‘યે જો હૈ જિંદગી’, ‘મૂંગેરીલાલ કે હસીન સપને’, ‘વિક્રમ વેતાલ’ જેવી સીરીયલો આમ વર્ગ હોંશે હોંશે નિહાળતો. તેમને તે વખતે માનસિક આનંદ મળતો. આમ વર્ગને પણ સારી રીતે સમજાય તે રીતે તેમાં પ્રાણ-પૂરવામાં આવતો. આજની વૈભવી સીરીયલમાં શું કહેવામાં આવે છે જેની મને પણ સમજણ પડતી નથી તો બીજાની શી વાત કરવી. હાલમાં આમ વર્ગ માટે એકેય સીરીયલ મને દેખાતી નથી. હા, રામાયણ અને મહાભારત સીરીયલને પણ ખાસ્સો સમય થઈ ગયો. નવા જનરેશન માટે ફરી બતાવવામાં આવે, ખાસ કરીને વેકેશન દરમિયાન તો આજના જનરેશનમાં ઘણો ફેર પડે તેમ છે. વાલીઓ ખાસ ધ્યાન રાખી પોતાનાં બાળકો અને કુટુંબીજનોને આ બધી સીરીયલ જોવા પ્રોત્સાહન આપી શકે. બાકી તમે જાણો?
સુરત     – ધનસુખભાઈ શાહ           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top