National

છેલ્લી અડધી સદીમાં તીવ્ર હવામાનથી દુનિયામાં 20 લાખનાં મોત, 4.3 ટ્રિલિયન ડોલરનું નુકસાન

જીનીવા: છેલ્લી અડધી સદીમાં આપણી પૃથ્વી પર સખત ગરમી, ભારે વરસાદ અને પૂર, સખત વાવાઝોડા કે પછી સખત ઠંડી અને ભારે બરફ વર્ષા જેવી તીવ્ર હવામાનની ૧૨૦૦૦ જેટલી ઘટનાઓ બની છે અને તેમાં ૨૦ લાખ કરતા વધુ લોકો માર્યા ગયા છે અને તેના કારણે ૪.૩ ટ્રિલિયન ડોલર જેટલું આર્થિક નુકસાન થયું છે એમ યુએનની (UN) હવામાન એજન્સીએ આજે જણાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રોની હવામાન એજન્સી એવી વર્લ્ડ મેટીઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન(ડબલ્યુએમઓ)નો આ સખત અહેવાલ એવા સમયે આવ્યો છે જયારે તેણે તેની ચાર વર્ષીય પરિષદનો આરંભ કર્યો હતો. તેણે તીવ્ર હવામાનની ઘટનાઓ અંગેની એલર્ટ સિસ્ટમ સુધારવા માટે પોતાના સભ્ય દેશોને હાકલ કરી છે. જીનીવા સ્થિત આ એજન્સીએ અગાઉ વારંવાર માનવ સર્જિત હવામાન પરિવર્તનની અસરો અંગે ચેતવણી આપી જ છે. તેણે કહ્યું છે કે વધતા જતા તાપમાને તીવ્ર હવામાનની ઘટનાઓનું પ્રમાણ અને તેમની તીવ્રતા પણ વધાર્યા છે, જે તીવ્ર હવામાનની ઘટનાઓમાં પૂર, વાવાઝોડાઓ, વંટોળિયાઓ, દુકાળ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

ડબલ્યુએમઓએ જણાવ્યું છે કે ૧૯૭૦ અને ૨૦૨૧ વચ્ચે મોટા ભાગનું આર્થિક નુકસાન અમેરિકામાં થયું છે જે કુલ ૧.૭ ટ્રિલિયન ડોલર જેટલું થવા જાય છે જ્યારે તીવ્ર હવામાનને કારણે થયેલા દર ૧૦ મૃત્યુઓમાંથી ૯ મૃત્યુઓ વિકાસશીલ દેશોમાં થયા છે. ડબલ્યુએમઓના મહામંત્રી પેટેરી ટાલાસે જણાવ્યું છે કે આ મહિને મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ફૂંકાયેલા મોચા વાવાઝોડાએ ધ્યાન ખેંચે તે રીતે દર્શાવી આપ્યું છે કે કઇ રીતે લાચાર વસ્તીઓ સખત હવામાનની સૌથી વધુ સખત અસર સહન કરે છે. ભૂતકાળમાં આ બંને દેશોમાં વાવાઝોડા જેવી ઘટનાઓથી હજારો લોકોનાં મોત થયા છે. જો કે હવે સુધરેલી અર્લી વોર્નિંગ સિસ્ટમોને કારણે ઘણા લોકોનાં જીવ બનાવવાનું શક્ય બન્યું છે છતાં જોખમ તો રહે જ છે.

આ સમયગાળામાં આફ્રિકા ખંડમાં ૧૮૦૦ કરતા આવી હોનારતો બની છે જેમાં ૭૩૩૦૦૦ કરતા વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે એશિયા ખંડમાં ૩૬૦૦ કરતા વધુ આવી ઘટનાઓ બની છે જેમાં ૯૮૪૦૦૦ કરતા વધુ લોકોનાં મોત થયા છે અને ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલું આર્થિક નુકસાન થયું છે. યુરોપમાં આવી ૧૮૦૦ જેટલી ઘટનાઓમાં ૧૬૬૦૦૦ કરતા વધુ લોકોનાં મોત થયા છે અને પ૬૨ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે. પેસેફિક અને કેરેબિયન પ્રદેશોમાં પણ આવી ઘટનાઓએ ઘણુ નુકસાન અને જાનહાનિઓ કરી છે.

Most Popular

To Top