Dakshin Gujarat

મહારાષ્ટ્રમાંથી વાહનો ચોરીને ગુજરાતમાં વેચી મારવાનું તાપીમાંથી રેકેટ પકડાયું

વ્યારા: (Vyara) તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ચોરીની સાત મોટરસાઇકલ (Motor Cycle) સાથે બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા હતા. આ બંને મહારાષ્ટ્રમાંથી (Maharashtra) બાઇકની ચોરી (Bike Theft) કરતાં હતાં અને ગુજરાતમાં વેચી દેતા હતાં.

  • મહારાષ્ટ્રમાંથી વાહનો ચોરીને ગુજરાતમાં વેચી મારવાનું રેકેટ પકડાયું
  • તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોનગઢના બે આરોપીને ઝડપી સાત વાહન કબજે લીધા
  • આનંદ ઓઝા નામનો યુવાન મહારાષ્ટ્રમાંથી વાહન ચોરી તેમને વેચવા આપતો હતો

સોનગઢના નવા આરટીઓ પાસે બે વ્યક્તિ ચોરીની યામાહા મોટરસાઇકલ વેચવા માટે ફરી રહ્યાં હોવાની બાતમી તાપી એલસીબીને મળી હતી. જેના આધારે બંનેને અટકાયતમાં લઇને તેમની પાસેની મોટરસાઇકલના દસ્તાવેજો માગતા તેઓ રજૂ કરી શક્યા ન હતાં. તેમની કડક પૂછપરછ કરતાં આ યામાહા તેમણે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. એલસીબીના જણાવ્યા અનુસાર પકડાયેલા બંને આરોપી સોનગઢના શિવાજી નગરમાં રહે છે. બે આરોપી પૈકી એક મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના સજઇ કલા ગામનો એકવીસ વર્ષીય ધીરજ જટાશંકર ઓઝા છે જ્યારે બીજા આરોપીનું નામ કૌશિક દેવીદાસ મરાઠે છે અને તેની ઉંમર 19 વર્ષ છે.

આ બંને આરોપીઓ પાસેથી ચોરીના કુલ સાત વાહન મળી આવ્યા હતાં. જે પૈકી એક તેમના કબજામાંથી મળી છે જ્યારે બાકીની ત્રણ-ત્રણ બંનેના ઘરે હતી. તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, આનંદ કમલેશ ઓઝા તેમને ચોરેલા વાહનો વેચવા માટે આપી જાય છે. તેમની પાસેથી જે વાહનો મળી આવ્યા છે તે મહારાષ્ટ્રના વસઇ, વિરાર, પાલઘર, કાસા અને આચોલે વિસ્તારમાંથી ચોરાયા હતાં. એલસીબીએ બંને પાસે સાત વાહન, બે મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અંકલેશ્વરમાં વધુ એક વાર ઇકોના સાયલન્સરની ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલ મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી નવું સાઇલેન્સર મળી કુલ 35 હજારના મુદ્દામાલની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા. માંગરોળ તાલુકાના વડ ગામના નિશાળ ફળિયામાં રહેતા બાબુભાઈ વેસ્તા ચૌધરી પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.19.બી.એ. 9816 લઈ પુત્રી બીમાર હોવાથી અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલ મમતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા જેઓના પુત્રને તબીબે દાખલ કરવાનું કહેતા તેઓએ પોતાની ઇક્કો મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં લગાવેલ નવું સાઇલેન્સર બદલી તેની જગ્યા પર જૂનું ફિટ કરી 35 હજારના સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top