Dakshin Gujarat

સોનગઢના કિકાકુઇ ગામ નજીક સરકારી બસ અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત

વ્યારા: (Vyara) સોનગઢના કિકાકુઇ ગામ નજીક મહારાષ્ટની સરકારી બસ અને ડમ્પર (Bus and Dumper) વચ્ચે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં બસમાં સવાર એક બાળક સહિત આશરે ૭ મુસાફરને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલ, વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બસ મહારાષ્ટ્રના મનમાડથી સુરત જઈ રહી હતી. અકસ્માતમાં આ બસની ક્લીનર સાઇડની બોડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • સોનગઢના કિકાકુઇ નજીક મહારાષ્ટ્રની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, બાળક સહિત ૭ ઘવાયાં
  • રોંગ સાઇડે જતા ડમ્પરે ટક્કર મારી, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાં

મહારાષ્ટ્રના મનમાડથી પેસેન્જરો ભરી સોનગઢ થઈ સુરત તરફ જતી બસ નં.(એમએચ ૧૪ બીટી ૩૮૧૩ )ને સોનગઢના કિકાકુઇ ગામ નજીક અક્સ્માત નડ્યો હતો. સુરત- ધુલિયા ધોરી માર્ગ પર તા.૧૫ એપ્રિલ-૨૦૨૩ના રોજ બપોરે આશરે અઢી વાગ્યાના અરસામાં બસને રોંગ સાઇડે જતા ટાટા ડમ્પર નં.(જીજે ૧૬ એયુ ૬૦૬૧)એ ધડાકાભેર ટક્કર મારી હતી, જેમાં બસની ક્લીનર સાઇડની આખી બોડીનો ભુક્કો બોલાઈ ગયો હતો. આ અક્સ્માતને પગલે પંથકમાં મુસાફરોની ચિચિયારી સાંભળી લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. ઘવાયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવમાં ૪ પુરુષ, ૨ સ્ત્રી અને એક બાળક ઘવાયાં હોવાનું જાણવા મળ્યું છે.

ઝઘડિયાના કપલસાડી ગામે શેરડી કાપનાર શ્રમિકની બાઇકને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે શેરડી કાપણીનુ કામ કરતા એક ઇસમનું અકસ્માતમાં મોત થયું હતું. મુળ ભાવનગર જિલ્લાના ઉદયભાઇ મથુરભાઇ બારૈયા ઝઘડીયાના કપલસાડી ગામે શેરડી કાપવાનું કામ કરે છે. તેઓ અશ્વિન છગનભાઈ બાંભણીયા સાથે બાઇક લઇને ઠંડુ પીણું પીવા ગયા હતા.

દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાના સમયે આ બાઇક સવાર ઇસમોની બાઇકને કોઇ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક ઉદયભાઇ મથુરભાઇ બારૈયા (ઉ.વ.૩૬) ગંભીર રીતે જખ્મી થયેલ હોઇ ઘટના સ્થળેજ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર અન્ય ઇસમ અશ્વિનભાઇ છગનભાઈ બાંભણીયાને પણ પગ પર ફેક્ચર સહિત માથા પર ગંભીર ઇજાઓ થયેલ હતી. ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. અકસ્માત અંગે મૃતકના ભાઇ દિનેશ મથુરભાઇ બારૈયાએ ઝઘડિયા પોલીસમાં અકસ્માત કરી નાસી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી.

Most Popular

To Top